આપના વર્ષ 2021ની શરૂઆત વેટ કાયદાના એક તરફી આકારણીના આદેશ દ્વારા ના થાય તેવી શુભેચ્છા!!

Spread the love
Reading Time: < 1 minute

સમગ્ર રાજ્યમાં મોટા પ્રમાણમા વેટ કાયદા હેઠળ 2016-17 તથા 2017-18 ના વેટ આકારણીના આદેશ એક તરફે પસાર થયા હોવાના મળ્યા છે સમાચાર!

તા. 01.01.2021: નાણાકીય વર્ષ 2020 ખૂબ મુશ્કેલ રહેવા પામ્યું છે. 2021 ની શરૂઆત સકારાત્મક રીતે થાય અને સમગ્ર વર્ષ સકારાત્મક રીતે પસાર થાય તેવી આશા સૌ સેવી રહ્યા છે. ત્યારે મળી રહેલા સમાચાર મુજબ ગુજરાત વેટ કાયદા હેઠળ મોટા પ્રમાણમા કેસોની આકારણી એક તરફે પસાર કરવામાં આવ્યા હોવાના સમાચારો મળી રહ્યા છે. આ અંગે આધિકારિક માહિતી બહાર પાડવામાં આવી નથી. પરંતુ 31 ડિસેમ્બર સુધી તમામ આકારણી પૂરી કરવાના નિર્દેશને પગલે રાજ્ય જી.એસ.ટી. કચેરીઓમાં અધિકારીઑ તથા સ્ટાફ દ્વારા મોડે સુધી કામ કરવામાં આવ્યું હતું. આ સાથેજ ગુજરાત રાજ્ય માટે વેટની વિધિવત પૂર્ણાવટી થઈ હોય તેમ ગણી શકાય. આગળ જતાં હવે જી.એસ.ટી. ની આકારણીમાં રાજ્ય વેરા ખાતું લાગી શકે તે માટે આ પ્રકારે આકારણીમાં ઉતાવળ કરવામાં આવી હોવાના સમાચાર છે.

આ પ્રમાણે ઉતાવળે આકારણી કરવાના આદેશ સામે વેપારીઓ, ટેક્સ પ્રેકટિશનરોમાં તો રોષ છે જ પરંતુ રાજ્ય જી.એસ.ટી. ના અધિકારીઓ પણ આ અંગે નારાજ હોવાના સમાચારો મળી રહ્યા છે. જાહેરમાં આ અંગે કશું પણ કહેવાનું ટાળી રહેલા અધિકારીઓ અંદરખાને આ બાબતે રોષ પ્રકટ કરી રહ્યા છે તેવી વિગતો પણ જાણવા મળી રહી છે. આકારણી આદેશ પસાર કરી વેટની કામગીરીમાં મુક્તિ મેળવી સંતોષ માનતા જી.એસ.ટી. ડિપાર્ટમેંટને હવે આગળ વેટ આપીલોનો ભરવો થશે તે બાબત ચોક્કસ છે. હિન્દીમાં પ્રખ્યાત કહેવત છે “પહાડ સે ગીરે ખજૂર પે અટકે” તે કહેવત હાલ ઉદાહરણ સ્વરૂપે બહાર આવી રહી છે.

અને અંતે 2020 દરમ્યાન આપ સૌ વાંચકોનો આપના સહકાર બદલ ખાસ આભાર. ટેક્સ સલગ્ન ન્યૂઝ પેપર તરીકે આથી વધુ શુભેચ્છા નવા વર્ષની શું આપી શકીએ કે “આપના વર્ષ 2021ની શરૂઆત વેટ કાયદાના એક તરફી આકારણીના આદેશ દ્વારા ના થાય તેવી શુભેચ્છા!!”

 

error: Content is protected !!