સમયની છે માંગ-ટેક્સ પેયર્સને આપો સન્માન, (સ્વતંત્રતા દિન વિશેષ લેખ)

Spread the love
Reading Time: 5 minutes

તા. 17th August 2022

ભારતની વસ્તી એકસો ચાળીસ કરોડથી પણ વધુ છે. આ વસ્તી પૈકી ઇન્કમ ટેક્સ પેયર્સ એટલેકે આવકવેરો ભરતાં વ્યક્તિઓની સંખ્યા આપ જાણો છો?? મોટા ભાગના લોકો આ તથ્ય વિષે જાણતા હોતા નથી. નાણાકીય વર્ષ 2019 20 ની વાત કરીએ તો આપણી વસ્તી 138 કરોડની હતી. આ 138 કરોડ પૈકી 60 % એટલેકે અંદાજે 81 કરોડથી પણ વધુ વ્યક્તિઓ 18 વર્ષ ઉપરના એટલે કે પુખ્ત વયના છે. આ વસ્તી માંથી માત્ર 6.77 કરોડ વ્યક્તિઓએ જ નાણાકીય વર્ષ માટેનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યું હતું. આ પૈકી ટેક્સ ભરનારા વ્યક્તિનોની સંખ્યા તો આ પૈકી 1/3 થી પણ ઓછી છે. નાણાકીય વર્ષ 2020-21 માં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરનાર વ્યક્તિઓની સંખ્યા 6.66 કરોડ રહેવા પામી છે. આ પૈકી ટેક્સ ભરનાર કરદાતાઓની સંખ્યા તો 1/3 થી પણ ઓછી હશે તેવો અંદાજ કરી શકાય.  છેલ્લા વર્ષે ઇન્કમ ટેક્સ ભરનાર વ્યક્તિઓની સંખ્યા તથા ટેક્સ ભરનાર વ્યક્તિઓની સંખ્યા વધી રહી છે તે સારી નિશાની છે. આમ છતાં એક બાબત તો વિચારવા જરૂરી છે, “કે શું ભારત જેવા વિપુલ જનસંખ્યા ધરાવતા રાષ્ટ્ર માટે માત્ર આટલા કરદાતા જ ઇન્કમ ટેક્સ ભરતા હોય તે યોગ્ય ગણાય??” વિચાર તો કરી જુવો, 140 કરોડ લોકોનું પોષણ કરવાનો ભાર માત્ર ટેક્સ ભરતા 3 કરોડ જેટલા કરદાતા ઉપર!!

અન્ય રાષ્ટ્ર સાથે ભારતની તુલના:

વિશ્વના ઘણા આર્થિક રીતે સમૃદ્ધ દેશો તથા વિકાસશીલ દેશોની વાત કરીએ તો ત્યાં કુલ પુખ્ત વસ્તીના સાપેક્ષમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા કરદાતાઓની સંખ્યાનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે. અમેરિકા-ચાઈના જેવા દેશોમાં તો આ પ્રમાણ લગભગ 100% જેવુ રહેતું હોય છે. જ્યારે વિકાસશીલ દેશોમાં પણ ટેક્સ ભરનાર વ્યક્તિની સંખ્યા ભારતની સાપેક્ષમાં ખૂબ મોટી રહેતી હોય છે. મોટાભાગના વિકસિત દેશોમાં “બેઝિક એક્સેમ્પશન લિમિટ” “શૂન્ય” રહેતી હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો અમેરિકા, ચાઈના જેવા દેશોમાં આવક મેળવતા તમામ વ્યક્તિઓએ કોઈ પણ છૂટ વગર ઇન્કમ ટેક્સ ભરવાનો થતો હોય છે. જ્યારે ભારતમાં “બેઝિક એક્સેમ્પશન લિમિટ” હોવાના કારણે ખૂબ મોટા પ્રમાણમા લોકો આ આવકથી નીચે આવક ધરાવતા હોય માટે ઇન્કમ ટેક્સ કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોતા નથી. આ ઉપરાંત ખેતીની આવક ધરાવનાર ખેડૂતો પણ ગમે તેટલી મોટી આવક ધરાવતા હોય તો પણ ઇન્કમ ટેક્સ ટેક્સ ભરવા જવાબદાર થતાં નથી. ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ખેતીની આવક ધરાવતા લોકો પણ ઇન્કમ ટેક્સ કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું થતું નથી.

ભારતમાં ટેક્સના દરોમાં રેશનલાઇઝેશન છે ખૂબ જરૂરી

ભારતમાં ટેક્સ ભરનારાની સંખ્યા અંગે વાત કરીએ તો ઇન્કમ ટેક્સના કરમાળખામાં પરીવર્તન કરવું જરૂરી છે તેવું નિષ્ણાંતો ખાસ માને છે. ખાસ કરીને 2019 20 થી ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ 5 લાખ સુધીની આવક ધરાવતા રેસિડંટ કરદાતાઓને 12500 નું રિબેટ કલમ 87A હેઠળ આપવામાં આવે છે ત્યારથી નાનો ટેક્સ ભરનારા કરદાતાઓમાં ભારે કમી આવી ગઈ છે. આ અંગેના કારણની વાત કરીએ તો કરદાતાની આવક જ્યાં સુધી 500000 છે ત્યાં સુધી સામાન્ય સંજોગોમાં તેઓના ઉપર શૂન્ય ટેક્સની જવાબદારી આવતી હોય છે. પરંતુ તેઓની આવક જેવી 5 લાખથી 1 રૂપિયો પણ વધે તો તેના ઉપર ઓછામાં ઓછી 12,500 જેવા મોટા ટેક્સ ભરવાની જવાબદારી આવી જતી હોય છે. આમ, ખૂબ નાની આવક વધવાના કારણે ખૂબ મોટો ટેક્સ ભરવા કરદાતા જવાબદાર બની જતાં હોય છે. આ સંજોગોમાં કરદાતા યેનકેન પ્રકારે પોતાની આવક 500000 થી ઓછી કરી પોતાના રિટર્ન ભરતા હોય છે તેવું બની રહ્યું છે. આ બાબતે ખાસ ધ્યાન આપી, કરદાતાને અગાઉ આપવામાં આવેલ “માર્જિનલ રિલિફ” આપવામાં આવે તે અત્યંત જરૂરી છે તેવું નિષ્ણાંતો માને છે. નિષ્ણાંતોનો એક મોટો વર્ગ એવું પણ માને છે કે ઇન્કમ ટેક્સ હેઠળ આપવામાં આવતી બેઝિક એક્સેમ્પશન સદંતર બંધ કરી પાંચ લાખ સુધીની આવક ઉપર 2.5% જેવો ન્યૂનતમ ટેક્સ લાદી, ત્યારબાદની આવક ઉપર 5% જેવા ઓછા દરે ટેક્સ લગાડવામાં આવે તો દેશમાં ટેક્સ રિટર્ન ભરનાર તથા ટેક્સ ભરનાર કરદાતાઓની સંખ્યામાં મોટો વધારો થઈ શકે છે. આમ કરવાથી કરદાતાઓનું વ્યક્તિગત કર ભારણ ઘટી શકે છે અને એકંદર ટેક્સ કલેકશન વધી શકે છે.

ટેક્સ પેયર્સને આપવામાં આવે વિશેષ સન્માન:

        આપણાં દેશમાં સ્વતંત્રતા દિન તથા ગણતંત્ર દિનની ઉજવણી લગભગ તમામ નાના મોટા શહેરોમાં થાય છે. આ ઉજવણી સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. આ ઉજવણીના ભાગ રૂપે શહેર-ગામના નામી ડિફેન્સ પર્સનેલ(આર્મીમેન વગેરે), સેવાભવિઓ, ડોક્ટરો, વરીષ્ઠ નાગરિકો, પત્રકારોના સન્માન કરવામાં આવતા હોય છે. પરંતુ શું ટેક્સ પેયર્સ-ટેક્સ ભરનારાઓનું સન્માન થતું તમે જોયું છે??? ના, આપણાં દેશમાં ટેક્સ પેયર્સનું સન્માન કરવાની પદ્ધતિ શરૂ થઈ નથી. પરંતુ ટેક્સ ક્ષેત્રે પ્રેક્ટિસ કરતાં પ્રોફેશનલ તરીકે હું ચોક્કસ માનું છું કે આપણાં દેશમાં ટેક્સ પેયર્સનું સન્માન કરવાંનો સમય આવી ગયો છે. 15 ઓગસ્ટનો પ્રોગ્રામ હોય કે 26 જાન્યુઆરીનો પ્રોગ્રામ હોય, દરેક ગામ તથા શહેરમાં સૌથી વધુ ટેક્સ ભરનાર ઓછામાં ઓછા 10 વ્યક્તિઓનું દરેક કર્યેક્રમમાં જાહેરમાં સન્માન કરવાની વિશિષ્ટ પદ્ધતિ શરૂ કરવામાં આવવી જોઈએ. આ ઉપરાંત ટેક્સ પેયર્સને સરકાર દ્વારા વિવિધ સરકારી કર્યેક્રમોમાં વિશેષ આમંત્રણ આપવામાં આવવું જોઈએ. સ્થાનિક MP (સંસદસભ્ય) તથા MLA (ધારાસભ્ય) પાસે પણ આ પ્રકારે પોતાના મતવિસ્તારના ઊંચા ટેક્સ ભરનાર વ્યક્તિઓની યાદી હોવી જોઈએ. સરકારી ઓફિસો જેવી કે ઇન્કમ ટેક્સ, જી.એસ.ટી. ઓફિસ દ્વારા વિવિધ સ્થાનિક મિટિંગમાં આ ટેક્સ પેયર્સ સાથે વિચાર વિમર્શ કરતાં કર્યેક્રમો પણ નિયમિત રીતે યોજવામાં આવે તે જરૂરી છે. આ કર્યેક્રમમાં ટેક્સ પેયર્સ માટે એક વિશેષ અગ્રહરોળ આપી તેઓનું સન્માન કરવું જોઈએ. આ ઉપરાંત સ્થાનિક સ્તરે આવા ટેક્સ પેયર્સની ફરિયાદ નિવારણ બાબતે અલગ “રેડ કાર્પેટ વિન્ડો” હોવી જોઈએ. તેઓની સ્થાનિક સમસ્યાઓનું સમાધાન અગ્રતાથી કરવામાં આવે તે પણ જરૂરી છે.  આ પ્રમાણે ટેક્સ પેયર્સનું સન્માન કરવામાં આવશે તો તેઓને વ્યક્તિગત રીતે તો ગૌરવપદ બાબત લાગશે જ પરંતુ આ સાથે જ અન્ય લોકોને પણ પોતાનો ટેક્સ પ્રમાણિક પણે ભરવાની પ્રેરણા મળશે.

હાલ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા પ્લેટીનિયમ, ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ જેવા પ્રમાણપત્ર ટેક્સ પેયર્સને આપી સન્માનીત કરવામાં આવે છે તે પણ એક સારી બાબત ગણી શકાય. જો ઉપર જણાવેલ પદ્ધતિએ વધુમાં તેઓનું સન્માન કરવામાં આવે તો જમીની સ્તરે વધુ અસરકારક રીતે આ ટેક્સ પેયર્સનું સન્માન થયેલું ગણાશે.

સન્માનના સ્થાને ક્યારે ટેક્સ પેયર્સને થાય છે કડવા અનુભવ:

ટેક્સ પેયર્સને યોગ્ય સન્માન આપવામાં આવે તે ખૂબ જરૂરી છે. ટેક્સ ક્ષેત્રે સલગ્ન હોવાના કારણે  એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે જ્યાં આ ટેક્સ પેયર્સને સન્માન આપવું તો એક બાજુ રહ્યું તેઓની સામે અધિકારીઓએ ખૂબ અપમાન ભર્યું વર્તન કરતાં હોય છે. કરદાતા દ્વારા થયેલ સામાન્ય ચૂંક બદલ તેની સામે માસ મોટી કાર્યવાહી કરી દંડ ઉઘરાવવામાં આવ્યો હોય તેવા પણ અનેક કિસ્સા જોવા મળી રહ્યા છે. ક્યારેક કાયદાકીય માયાઝાળમાં ઉલજાવી કરદાતાને નાહક હેરાન કરવામાં આવતો હોય તેવી ફરિયાદ પણ ઉઠતી રહી છે.

અધિકારી રાજ નાબૂદ કરવું છે જરૂરી:

ભારતીય ટેક્સ ક્ષેત્રે કોઈ વરવી બાબત ગણાતી હોય તેઓ તે “ટેક્સ ટેરેરીઝમ” ગણી શકાય. અધિકારીઓને આપવામાં આવેલ અમર્યાદ સત્તાના કારણે અધિકારીઓ સરકારી નોકરના સ્થાને કરદાતાના “બોસ” બની જતાં હોય છે. આ પ્રકારની અમર્યાદ સત્તાઓ ઉપર કાપ મૂકવો ખૂબ આવશ્યક છે. આ તરફ સરકાર દ્વારા “ફેઇસ લેસ સ્કૃટીની”, “ફેઇસ લેસ અપીલ” જેવા અનેક પગલાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. સરકારી સ્તરે અધિકારીઑ દ્વારા થતું “ટેક્સ ટેરેરીઝમ” ઓછું કરવા ઉઠાવવામાં આવતા આ પગલાં સરાહનીય છે. તેની સામે સરકારી અધિકારીઓ એ “સેલ્ફ ડિસિપ્લિન” દાખવી આ “ટેરર” ઘટાડવા પ્રયત્નો કરવો પણ એટલા જ જરૂરી છે.દરેક કરદાતાને કરચોરની નજરે જોવાની વૃતિમાં પણ બદલાવ આવે તે જરૂરી છે.

Honouring the Honest” ને બનાવવામાં આવે ટેક્સ એડમિનીસ્ટ્રેશનનો અભિન્ન ભાગ:

વડાપ્રધાન મોદી દ્વારા, કરદાતાના સન્માનને મહત્વનો ભાગ ગણવામાં આવ્યો છે. આ કારણે જ ટેક્સ એડમિનિસટ્રેશનનો એક મહત્વના ભાગ તરીકે “Honouring the Honest” ના મુદ્દાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. દેશના અર્થતંત્રમાં ફાળો આપતા હરકોઈ કરદાતાનું સન્માન જાળવવામાં આવે તે જરૂરી છે. “Honouring the Honest” એ માત્ર સૂત્ર તરીકે નહીં પરંતુ વાસ્તવિક સ્તરે અમલમાં મૂકવામાં આવશે ત્યારે આપણાં દેશના લોકોને ટેક્સ ભરવા પ્રેરણા મળશે અને ટેક્સ ભરનાર વ્યક્તિ પોતે ટેક્સ ભરનાર તરીકે ગર્વ પણ અનુભવશે.

By Bhavya Popat

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબમાં તારીખ 15 ઓગસ્ટ 2022 ના રોજ પ્રકાશિત થયેલ છે)

 

error: Content is protected !!