શું વેપારી તરીકે તમે આ જાણો છો??? જી.એસ.ટી. કાયદા હેઠળ વેચનાર વેપારી વેરો ના ભરે તો ખરીદનાર બને વેરો ભરવા જવાબદાર!!!( 13/06/2023 )

Spread the love
Reading Time: 4 minutes

તારીખ : 13/06/2023

                              જી.એસ.ટી. કાયદો 01 જુલાઇ 2017 થી લાગુ કરવામાં આવ્યો. નિષ્ણાંતો માને છે કે અમુક કાયદાકીય મુશ્કેલીના કારણે આ કાયદો પૂર્ણ તૈયારી કર્યા વગર લાગુ કરી દેવામાં આવ્યો હતો.  આ આ કાયદો લાગુ થયો છે ત્યારથી તેમાં અસંખ્ય ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારો અંગેના અસંખ્ય જાહેરનામા તથા પરીપત્રો સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. આ જાહેરનામા અને પરીપત્રો સૌથી વધુ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અંગેની જોગવાઇઓને લગતા બહાર પાડવામાં આવ્યા છે. અવારનવાર સરકાર દ્વારા પકડવામાં આવતા જી.એસ.ટી. ઈન્પુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડોના કારણે “સિમલેસ ક્રેડિટ” ના હેતુ સાથે લાગુ કરવામાં આવેલ જી.એસ.ટી.માં હાલ ક્રેડિટ લેવી એ ખૂબ મુશ્કેલ તથા જોખમી બાબત બની ગઈ છે. 15 મે થી સરકાર દ્વારા ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ની આપ-લે કરતાં બોગસ વેપારીઓ ને પકડવા સમગ્ર દેશમાં ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જી.એસ.ટી. માં એક એવી મહત્વની જોગવાઈ છે કે જ્યાં ખરીદનાર વેપારી દ્વારા યોગ્ય ખરીદી કરેલ હોય પરંતુ ખરીદનાર દ્વારા વેચનારને વેરાની રકમ આપેલ હોય પરંતુ જો વેચનાર આ વેરો ના ભારે તો ખરીદનારને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે નહીં!! આ જોગવાઈ વિષે કેટલા વેપારીઓ જાણે છે????   

_____________________________________________________________________________________________

શું છે આ જોગવાઈ?

જી.એસ.ટી. કાયદાની કલમ 16 માં ખરીદનારને પોતની ખરીદી ઉપર ચૂકવવામાં આવેલ જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્યાં સંજોગોમાં મળી શકે તે અંગે જોગવાઈ કરવામાં આવેલ છે. આ જોગવાઇઓ ની કલમ 16(2)(c) મુજબ ખરીદનારને પોતાના ખરીદી ઉપર ચૂકવવામાં આવેલ જી.એસ.ટી.ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તો જ મળી શકે જો ખરીદનાર દ્વારા વેચનાર વેપારીને આપવામાં આવેલ વેરો વેચનારે સરકારમાં જમા કરવી આપેલ હોય.

“પાડાના વાંકે પખાલીને ડામ” આપવાની આ નીતિ ના કારણે થઈ રહ્યા છે અનેક વેપારીઓ પરેશાન

વેચનારને જ્યારે ખરીદનાર દ્વારા યોગ્ય ટેક્સની ચુકવણી વેચનારને કરી આપવામાં આવી હોય અને વેચનાર કોઈપણ કારણોસર તે ટેક્સની ભરપાઈ સરકારી તિજોરીમાં ના કરે ત્યારે ખરીદનારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ નામંજૂર કરવી તે કઈ રીતે વ્યાજબી કહેવાય?? વેપાર વિશ્વ આજે જે ફલક ઉપર કામ કરી રહ્યું છે તેમાં ઘણીવાર (મોટા ભાગે એમ પણ કહી શકાય) ખરીદનાર જે વેપારી પાસેથી માલ ખરીદે છે તેના વિશે કોઈ વિશેષ માહિતી ધરાવતા હોય તે જરૂરી નથી. ખરીનાર વેપારી માટે યોગ્ય માલ યોગ્ય ભાવ પર મળે તે વધુ મહત્વનું છે. વેચનાર વેપારી જ્યારે જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો ધરાવે છે ત્યારે ખરીદનાર તેના વિશે વધુ ચકાસણી કરે તેવી આશા રાખવી વધુ પડતી ગણી શકાય. વેચનાર વેપારીને જી.એસ.ટી. નંબર સરકાર દ્વારા આપવામાં આવ્યો હોય છે. તેના વિશે ચકાસણી કે ખરાઈ કરવાની જવાબદારી તથા ફરજ પણ જી.એસ.ટી. ડિપાર્ટમેંટની હોવી જોઈએ.

સાથે મળી કરચોરી આંચરતા ખરીદનાર-વેચનાર માટેની જોગવાઈ બની રહી છે પ્રમાણિક વેપારી માટે મુશ્કેલીનું કારણ:

જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી કરચોરી એ સરકાર માટે સરદર્દ સમાન બની ગઈ છે. જે તે રાજ્ય કક્ષાએ વેટ કાયદા અમલમાં હતા ત્યારે પણ કરચોરી થતી હતી તેમાં કોઈ બે મત નથી પરંતુ જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી આ કરચોરીના પ્રમાણમા ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે તેવી માહિતી સતત સમાચાર મધ્યમોમાં વાંચવા સાંભળવા મળી રહી છે. આ કરચોરી વધવાનું કારણ કાયદા-નિયમોમાં રહેલી તૃટીઓ પણ હોય શકે છે તથા જી.એસ.ટી. સંચાલનની સિસ્ટમ પણ હોય શકે છે. સામાન્ય રીતે કરચોરી આચારનાર વેપારીઓ સાંકળ બનાવી કરચોરીના કૌભાંડ આચારતા હોય છે. આ સાંકળમાં વેચનાર ખરીદનારને માલ વેચાણ કરે ખરીદનાર આ માલ પરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લઈ લે પરંતુ વેચનાર વેપારી પોતે ખરીદનાર પાસેથી ઉઘરવેલ ટેક્સ સરકારને ના ચૂંકવે તેવી “મોડસ ઓપરેનડી” કરી કૌભાંડ આચારતા હોય છે. આ પ્રકારે કરચોરી માટે સાંકળ બનાવી કૌભાંડ કરતાં વેપારીઓ ઉપર કડક કાર્યવાહી થાય તે અંગે કોઈ બે મત નથી. પરંતુ આ પ્રકારના કૌભાંડીયા વેપારી માટે બનાવવામાં આવેલ નિયમ જો પ્રમાણિક વેપારી ઉપર લાગુ કરવામાં આવે તો ચોક્કસ અન્યાય ગણાય અને “ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ” માટે અવરોધકર્તા ગણાય.

_____________________________________________________________________________________________

કાયદામાં શું ફેરફારો કરવા છે જરૂરી???

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા “ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ” ને પોતાના રણનીતિનો એક ખાસ ભાગ બનાવ્યો છે. ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે ના કાર્યકાળની વાત કરીએ કે પ્રધાનમંત્રીએ તરીકે ના તેમના કાર્યકાળની, તેઓની ગણના એક “બિઝનેસ ફ્રેંડલી” નેતા તરીકે થાય છે. જી.એસ.ટી. એ બિઝનેસ માટે સૌથી મહત્વનું પરિબળ ગણી શકાય. કરચોરી રોકવી ચોક્કસ જરૂરી છે પણ આવા અતાર્કિક નિયમોના કારણે જી.એસ.ટી. નહીં પરંતુ ધંધા-રોજગાર ઉપર રોક લાગી રહી હોવાના અનેક દાખલા સામે આવી રહ્યા છે. આ મુશ્કેલી નિવારવા આ નિયમને સમતુલિત કરવો જરૂરી છે. આ નિયમમાં માત્ર એટલો ફેરફાર કરવો જરૂરી છે કે આ પ્રકારે વેચનાર જ્યારે ટેક્સ ભરવામાં ચૂંક કરે ત્યારે ખરીદનાર વેપારીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ માત્ર તો જ નામંજૂર થઈ શકે જો જી.એસ.ટી. ડિપાર્ટમેંટને કરચોરીના કિસ્સામાં ખરીદનારની સામેલ હોવાના પૂરતા કે પ્રાથમિક પુરાવા મળ્યા હોય. આમ, આ નિયમમાં આ પ્રમાણે ફેરફાર થાય તો કરચોરો ને પકડવા આ નિયમ ઉપયોગી રહેશે જ પરંતુ પ્રમાણિક વેપારીઓ ઉપર નાહકનો વેરા બોજ પણ નહીં વધે.

શેખચીલ્લીના વિચારો ઉપરથી પાછા ફરીએ જમીની સ્તરે!!

ઉપર જેમ જણાવેલ છે તેમ વેપાર જગતના હિતમાં કાયદામાં સુધારો કરવો જરૂરી છે. પરંતુ હાલ જે પ્રમાણે કાયદામાં સુધારાઓ થઈ રહ્યા છે તે જોતાં ઉપર સૂચવવામાં આવેલ સુધારો થવો કે તે અંગે વિચાર પણ કરવો શેખચિલ્લીનો વિચાર ગણી શકાય. જમીની સ્તરે વેપારીઓ માટે આ પ્રકારની મુશ્કેલી ના આવે તેનાથી બચવા શું કરવું જરૂરી છે તે અંગે વાત કરીએ. હાલ જરૂરી છે કે પોતાનો વેચનાર પોતાના જી.એસ.ટી.આર. 1 માં એટ્લે કે વેચાણ અંગેના રજીસ્ટરમાં ખરીદનારની ખરીદી દર્શાવે તે ચકાસણી કરી ત્યારે બાદ જ ખરીદનાર દ્વારા વેચનારને ટેક્સની ચુકવણી કરવામાં આવે તે જરૂરી છે. આ સિવાય હાલની તકે કોઈ અન્ય વિકલ્પ ખરીદનાર પાસે રહેલ નથી.

_____________________________________________________________________________________________

શું ખરીદનારના 2B માં જે ખરીદી ના દર્શાવેલ હોય તેની ના મળી શકે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ??

જી.એસ.ટી. કાયદા અને નિયમોમાં હાલ જે જોગવાઈ છે તે મુજબ ખરીદનાર માત્ર એટલી રકમ જ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તરીકે માંગી શકે જેટલી રકમ વેચનાર દ્વારા પોતાના GSTR 1 માં દર્શાવેલ હોય. બીજા શબ્દમાં કહીએ તો ખરીદનાર વેપારીના GSTR 2B માં હોય તેટલી રકમની જ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ કરદાતાને મળવા પાત્ર છે. આમ, ખરીદનાર વેપારી માટે એ જવાબદારી બની જશે કે તેઓના વેચનાર વેપારી સમયસર, ખરીદનારનો યોગ્ય GST નંબર દર્શાવી પોતાનું GSTR 1 ભરી આપે.

_____________________________________________________________________________________________

GSTR 2B માં ખરીદી દર્શાવતી ના હોય તો ખરીદનાર વેપારી પાસે શું છે વિકલ્પો?

ખરીદનાર વેપારીને જ્યારે પોતાના દ્વારા કરવામાં આવેલ ખરીદીઓ પોતાના GSTR 2B માં ના દેખાઈ તો તેઓ દ્વારા તુરન્ત્જ પોતાના વેચનાર વેપારીનો સંપર્ક કરવો જરૂરી છે. આ ખરીદી ના દર્શાવતી હોવાના અનેક કારણો હોય શકે છે. વેચનાર વેપારી દ્વારા પોતાનું GSTR 1 ભર્યું જ ના હોય, રિટર્ન ભર્યું હોય પરંતુ સમયમર્યાદા બાદ ભર્યું હોય, રિટર્ન ભર્યું હોય પરંતુ જે તે વેપારીને કરવામાં આવેલ વેચાણ દર્શાવવાનું ચૂકી ગયા હોય વગેરે અનેક કારણો હોય શકે છે. ખરીદનાર દ્વારા વેચનાર વેપારીનું ધ્યાન આ અંગે શક્ય હોય તેટલું જલ્દી દોરવું જરૂરી છે. પ્રવર્તમાન જોગવાઈ મુજબ જે તે નાણાકીય વર્ષને લગતા સુધારા વધારા વેચાણ કરનાર વેપારી પછીના નાણાકીય વર્ષની 30 નવેમ્બર સુધી કરી શકે છે. 

 

કાયદા પદ્ધતિમાં એવું માનવમાં આવે છે કે દરેક વ્યક્તિ કાયદાને જાણે છે. જો કે આ માન્યતા જમીની સ્તરે તદ્દન ખોટી સાબિત થતી હોય છે. વેચનાર દ્વારા વેરો ભરવામાં થયેલ ચૂક ના કારણે કે પોતાના રિટર્ન ભરવામાં થયેલ ચૂક ના કારણે ખરીદનારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ નામંજૂર કરવાની પદ્ધતિ સંપૂર્ણ પણે અતાર્કિક અને કુદરતી ન્યાયના  સિદ્ધાંત વિરુદ્ધ ગણી શકાય. આ મુદાઓ ઉપર વિવિધ હાઇકોર્ટમાં ઘણા કેસો પણ ચાલી રહ્યા હોવાની માહિતી મળી રહી છે.        

 

error: Content is protected !!