જી.એસ.ટી. હેઠળ વેપારીઓને ઇ વે બિલ અંગે ઉપયોગી એવા બે મહત્વના ચૂકદાઓ
તા. 24.02.2022:
જી.એસ.ટી. હેઠળ જે વ્યક્તિ માલની હેરફેર કરવા જવાબદાર હોય તેવા વ્યક્તિએ જ્યારે માલનું મૂલ્ય 50000/- રૂ ઉપર હોય અને માલનું વહન જ્યારે જેતે ગામની મ્યુનિસિપલ લિમિટ બહાર થતું હોય ત્યારે માલ વહન સાથે ઇ વ બિલ રાખવું ફરજિયાત રહેતું હોય છે. આ ઇ વે બિલ ના હોય તો વેપારીને મોટા દંડ સહન કરવા પડતાં હોય છે. ઇ વે બિલ બનાવેલું હોય છે ત્યારે પણ અમુક સંજોગોમાં વેપારી દ્વારા થતું માલ વહન અંગે ચેકપોસ્ટ અધિકારીઓ દ્વારા કાર્યવાહી થતી હોવાના કિસ્સાઑ રોજબરોજ સામે આવે છે. વેપારીઓને બે મુદ્દાઓ બાબતે અવારનવાર ચેકપોસ્ટ અધિકારીઓએ દ્વારા પ્રશ્ન ઊભો કરવામાં આવતો હોય છે. એ પૈકી પ્રથમ મુદ્દો છે માલ વહન દરમ્યાન માલનું મૂલ્ય વાસ્તવિક કરતાં ઓછું દર્શાવેલ હોવા અંગેનો મુદ્દો અને બીજો છે માલ ખોટા “રુટ” ઉપરથી પસાર થઈ રહ્યો હોવા અંગેનો મુદ્દો. આ બન્ને મુદ્દાઓ ઉપર અધિકારી દ્વારા વેપારીને દંડવામાં આવતા હોય છે. આ બન્ને મુદ્દા ઉપર વેપારીને બચાવમાં ઉપયોગી ચુકાદા આજે આ લેખમાં ચર્ચવામાં આવેલ છે.
K P Sugandh Vs State of Chhatisgrah, છત્તીસગઢ હાઇકોર્ટ, રિટ પિટિશન નંબર 36/2020, આદેશ તારીખ: 16.03.2020
કેસના તથ્યો:
કરદાતાએ કંપની કાયદા નીચે નોંધાયેલ કરદાતા હતા. કરદાતાએ ટોબેકો અને પાન મસાલાનું ઉત્પાદન કરતાં હતા. કરદાતા દ્વારા ટ્રાન્સપોર્ટ કંપની મારફત માલ મોકલવેલ હતો. આ માલ, રવિ એજન્સી, રાયપુરને મોકલવામાં આવ્યો હતો. માલ વહન શરૂ થયું ત્યારે વાહનના ડ્રાઈવરને ઇ વે બિલ તથા ટેક્સ ઇંવોઇસ આપવામાં આવ્યું હતું. આ માલ જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા રોકવામાં આવ્યો હતો. ગાડીના ડ્રાઈવર દ્વારા ઇ વે બિલ તથા ઇંવોઇસ અધિકારીને રજૂ કરવામાં આવ્યા હતા. અધિકારી દ્વારા માલના “વેલ્યૂએશન” (મૂલ્ય) બાબતે પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો હતો અને MOV-07 ની નોટિસ ડ્રાઈવરને આપવામાં આવી હતી. કરદાતા દ્વારા MOV-07 સામે માલ રીલીઝ માટેની અરજી કરવામાં આવી હતી. જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા આ અરજીની વિગતો ધ્યાને લીધા સિવાય માલ માલ જપ્તીનો આદેશ કરવામાં આવ્યો હતો.
કરદાતા તરફે દલીલ:
કરદાતા દ્વારા જી.એસ.ટી. કાયદાની કલમ 68, અને નિયમ 138 તથા 139 હેઠળ જરૂરી તમામ દસ્તાવેજો વહન સાથે રાખવામા આવ્યા હતા. આ દસ્તાવેજો જ્યારે માલ રોકવામાં આવ્યો ત્યારે અધિકારીને રજૂ કરવામાં આવ્યા હતા. માલની “વેલ્યૂ” બાબતેની તકરાર એ માલ વહન દરમ્યાન માલ જપ્તી કરવા માટે લઈ શકાય નહીં. માલ વહન દરમ્યાન માત્ર એ બાબતે જ ખરાઈ કરવાની રહે કે માલ સાથે જરૂરી બિલ છે અને ઇ વે બિલ છે કે નહીં. “વેલ્યુએશન” બાબતે ના પ્રશ્ન માટે જી.એસ.ટી. કાયદા હેઠળ પ્રસ્થાપિત અન્ય પદ્ધતિઑ દ્વારા આગળ વધવું જોઈએ પરંતુ માલના વહનને અટકાવવું જોઈએ નહીં. કરદાતાનો માલ એ બગડી જઇ શકે તેવો માલ હોય, તે બાબત પણ ધ્યાને રાખવી જોઈએ.
સરકાર તરફે દલીલ:
કરદાતા દ્વારા કરવામાં આવતા માલ વહનમાં “વેલ્યૂએશન” બાબતે પ્રશ્ન ઉપસ્થિત થયો હોય માલની જપ્તી કરવામાં આવી હતી. કરદાતાને આપવામાં આવેલ નોટિસનો જવાબ સંતોષકારક ન જાણતા જપ્તીનો આદેશ કરવામાં આવ્યો હતો. ડિપાર્ટમેંટ દ્વારા બજાવવામાં આવેલ આદેશ એ જી.એસ.ટી. કાયદાની કલમ 107 હેઠળ “અપિલેબલ ઓર્ડર” હોય કરદાતાની રિટ સાંભળવામાં ન આવે. કરદાતા દ્વારા જે MRP લખવામાં આવી છે તે અને જે મૂલ્યએ ગ્રાહકોને માલ વેચવામાં આવે છે તેમાં મોટો તફાવત છે. કરદાતા અધિકારી દ્વારા કરવામાં આવેલ આદેશનું પાલન કરે એટ્લે તુરંત માલ છોડી મૂકવામાં આવશે.
હાઇકોર્ટનો આદેશ:
માલ વહનમાં જરૂરી તમામ પુરાવા કરદાતા ના માલ સાથે હતા તે બાબતે કોઈ તકરાર નથી. માલની “વેલ્યૂ” બાબતે કરવામાં આવેલ આદેશ એ યોગ્ય ન ગણી શકાય. કરદાતા MRP થી નીચે માલનું વેચાણ ગ્રાહકને કરે છે તેવા કારણસર માલની જપ્તી કરી શકાય નહીં. આ બાબત કાયદા વિરુદ્ધ છે તેવું અધિકારીઓ માનતા હોય તો પણ કાયદાની અન્ય જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરવાની રહે, માલ જપ્તીનો કરવાનો આદેશ યોગ્ય નથી. આ પ્રકારની ત્રુટિ બાબતે જે તે ક્ષેત્રાધિકાર ધરાવતા અધિકારીને જાણ કરવી જરૂરી છે અને તેમના દ્વારા કાયદા હેઠળ કાર્યવાહી કરવી જરૂરી છે. માલ વહન દરમ્યાન માલનો જથ્થો એ ઇ વે બિલ તથા ટેક્સ ઇંવોઇસ સાથે સરખાવતા યોગ્ય જણાયો હતો. આ કેસન તથ્યોને આલ્ફા ગ્રૂપ વી. આશી. સ્ટેટ ટેક્સ ઓફિસર, (2020) 113 com 222(કેરેલા) તથા શકુલ નાઝા મહમદ વી. સ્ટેટ ઓફ ગુજરાત ના કેસો પણ સમાન જણાય છે. કરદાતા ઉપર બજાવવામાં આવેલ આદેશ ની ગેરકાયદેસરતા ધ્યાને લેતા તેઓ પાસે અપીલ કરવાના વિકલ્પ છે તેવી સરકારની દલીલ માની શકાય નહીં. આમ, જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા કરવામાં આવેલ માલ જપ્તીનો આદેશ રદ કરવા ઠરાવવામાં આવે છે. કરદાતાનો માલ તુરંત છોડવા ડિપાર્ટમેંટને આદેશ કરવામાં આવે છે. “વેલ્યૂએશન ઓફ ગુડ્સ” એ માલ વહન દરમ્યાન માલ જપ્તી માટે કારણ બની શકે નહીં.
Karnataka Traders & Others Vs State of Gujarat, ગુજરાત હાઇકોર્ટ, SCA 19549/2021 Order dt. 06.01.2022
કેસના તથ્યો:
અરજદાર સોપારીનો ધંધો કરતાં હતા અને જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ કરદાતા હતા. તેઓ દ્વારા ખરીદનાર કે જેઓની ઓફિસ અમદાવાદ ખાતે હતી તેઓને માલનું વેચાણ કરવામાં આવ્યું હતું. અરજદાર નંબર 2 એ ટ્રકના માલિક હતા, જેઓના ટ્રકમાં માલ વહન થવાનો હતો. માલને અધિકારીઓ દ્વારા 20 નવેમ્બર 2021 ના રોજ સવારે અંદાજે 11:40 કલાકે રોકવામાં આવ્યો હતો. માલ સાથે કાયદા મુજબનું બિલ તથા ઇ વે બિલ હતું. અધિકારી દ્વારા માલની તપાસ અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ તપાસમાં અધિકારીને માલના જથ્થા જેવી બાબતમાં કોઈ તફાવત મળ્યો ના હતો. અધિકારી દ્વારા બે બાબતે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. 1) માલ જે જગ્યા એ પકડવામાં આવ્યો છે તે જગ્યા, જે જગ્યા ઉપર માલ મોકલવામાં આવી રહ્યો છે તેના રુટ પ્રમાણે બારોબાર ન હતી. 2) માલનું મૂલ્ય ખરેખર મૂલ્ય કરતાં ઓછું દર્શાવવામાં આવ્યું છે. અધિકારી દ્વારા માલ તથા ટ્રક જપ્ત કરવામાં આવ્યો હતો, જેના આદેશ સામે અરજદારો દ્વારા આ રિટ પિટિશન કરવામાં આવેલ છે.
કરદાતા તરફે રજૂઆત:
માલનું મૂલ્ય એ ટ્રક વાહન રોકવાનું કારણ બની શકે નહીં. આ બાબતે K P Sugandh Ltd Vs State of Chattisgrah 2020(38)GSTL 317 (Chhattisgarh) નો ચુકાદો ટાંકવામાં આવ્યો હતો. અલગ રુટ હોવાની બાબત પણ માલ જપ્તીનું કારણ બની શકે નહીં. અરજદારના વકીલ દ્વારા પોતાની દલીલના સમર્થનમાં Podran Foods India Pvt Ltd Vs State of Kerela તથા Kannangayathu Metals Vs Asst State Tax Officer, SGST Department, Thiruvananthpuram ના ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા.
સરકાર તરફે રજૂઆત:
અરજદાર દ્વારા કરવામાં આવેલ માલ વાહન એ સંપૂર્ણ રીતે ખોટી દિશામાં થઈ રહ્યું હતું જે અરજદારનો ચોરીનો ઇરાદો દર્શાવે છે. આ બાબત ધ્યાને લઈ આ રિટ પિટિશન ના સ્વીકારવા કોર્ટને રજૂઆત કરવામાં આવી હતી.
કોર્ટનો ચુકાદો:
માત્ર ખોટી દિશા તથા ખોટા રુટ હોવાના કારણે માલ જપ્ત કરવામાં આવે તે યોગ્ય નથી. માલની ઓછી કિમત બાબતે અધિકારી દ્વારા કોઈ પણ પુરાવા આપવામાં આવ્યા નથી. માલના મૂલ્ય બાબતે માલ જપ્તી થઈ શકે નહીં તે બાબતના વિવિધ હાઇકોર્ટના ચુકાદા સાથે કોર્ટ સહમત છે. કોર્ટ દ્વારા આ જપ્ત કરેલ માલ ત્વરિત છોડવા આદેશ કરવામાં આવે છે. કોર્ટ દ્વારા આ બાબતે સ્પષ્ટ આદેશ કરવામાં આવે છે કે માત્ર રુટ બદલવાના કારણે કર ચોરીનો ઇરાદો છે તે સાબિત ના કરી શકાય. આ ઉપરાંત સયોગિક પુરાવાઓ હોય તો આ બાબત પુરવાર કરવી શક્ય બની શકે. ઓછું મૂલ્ય દર્શાવેલ હોવાની તકરાર લઈ માલ જપ્ત કરવો પણ યોગ્ય નથી.
માલ વહન દરમ્યાન ઓછા મૂલ્ય (અંડર વેલ્યૂએશન) તથા ખોટા રુટ હોવાના કારણે અવારનવાર માલની જપ્તીની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. હવે, છતીસગઢ હાઇકોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના ચુકાદા કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સને ખૂબ ઉપયોગી બનશે તે બાબત ચોક્કસ છે.
(આ લેખ જાણીતા દૈનિક ફૂલછાબની પૂર્તિમાં તા. 21.02.2022 ના રોજ પ્રકાશિત થયેલ છે.)