ઈન્પુટ ટેક્સ ક્રેડિટને લઈને ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

Spread the love
Reading Time: 4 minutes

તા. 04.04.2022

દેશભરના કરદાતાઓને સિમલેસ ક્રેડિટ મળી રહે તે હેતુ સાથે 01 જુલાઇ 2017 થી જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો હતો. “સિમલેસ ક્રેડિટ” નો આ હેતુ જી.એસ.ટી. ને માર્ગદર્શન આપતી જી.એસ.ટી, કાઉન્સીલ તથા જી.એસ.ટી. નું નિયમન કરતી CBIC ભૂલી ગઈ હોય તેવું સતત પ્રતીત થઈ રહ્યું છે. કરદાતાને મળતી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ કેવી રીતે રોકવી એ લગતા અનેક પ્રવધનો તથા નિયમો જી.એસ.ટી. કાયદા તથા નિયમોમાં સતત ઉમેરવામાં આવી રહ્યા છે. જી.એસ.ટી. હેઠળ સાથે મળી ચોરી કરતાં ખરીદનાર તથા વેચનારાઓના કારણે હાલ પ્રમાણિક કરદાતાઓએ ભોગ બનવાનો વારો આવી રહ્યો છે. આ પ્રકારની એકતરફી તથા કુદરતી ન્યાય વિરુદ્ધની જોગવાઈ સામે ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જી.એસ.ટી. હેઠળના કરદાતાઓ માટે આ ચુકાદો ખાસ ઉપયોગી બનશે તેવી આશા.


ન્યુ નલબંધ ટ્રેડર્સ વી. ગુજરાત રાજ્ય અને અન્યો

સલગ્ન કાયદો: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, 2017

ચુકાદો આપનાર ફોરમ: ગુજરાત હાઇકોર્ટ

માનનીય જજ: જસ્ટિસ જે.બી. પારડીવાલા તથા જસ્ટિસ નિશા ઠાકોર

કરદાતા વતી વકીલ: હાર્દિક મોઢ

સરકાર વતી: સરકારી વકીલ

ચુકાદા તારીખ: 23 ફેબ્રુઆરી 2022


 કેસની હકીકતો:

  • કરદાતા માલિકી ધોરણે પાછલા 3 વર્ષથી MS સ્ક્રેપનો ધંધા સાથે સલગ્ન હતા. તેઓ દ્વારા 22.12.2020 અને 21.03.2021 ના રોજ મે. અનમોલ એન્ટરપ્રાઇઝ પાસેથી ખરીદી કરવામાં આવેલ હતી. ખરીદનાર-રિટ એપ્લિકંટ દ્વારા વેચનાર પાસેથી ટેક્સ ઇંવોઇસ, ટ્રાન્સપોર્ટ રસીદ, ઇ વે બિલ વગેરે જરૂરી કાગળો આપવામાં આવ્યા હતા. આ બિલો GSTR 2A માં દર્શાવતા હતા. અધિકારી દ્વારા જી.એસ.ટી. નિયમ 86A ની સત્તાનો ઉપયોગ કરી 97 લાખ ઉપરની ક્રેડિટ બ્લોક કરી આપવામાં આવી હતી. આ ક્રેડિટ બ્લોક કરવાનું કારણ અણમોલ એન્ટરપ્રાઇઝની ખરીદી દર્શાવવામાં આવેલ હતી. કરદાતાને 28.07.2021 ના રોજ SMS તથા ઇ મેઈલ દ્વારા જાણ કરવામાં આવી હતી. જી.એસ.ટી. પોર્ટલ ચેક કરતાં જાણવા મળ્યું હતું કે ઈન્પુટ ટેક્સ બ્લોક કરવા અંગે કોઈ કારણ અધિકારી દ્વારા દર્શાવવામાં આવ્યું ના હતા.

કરદાતા તરફે રજૂઆત:

  • કરદાતા તરફે રજૂઆત કરવામાં આવી હતી કે નિયમ 86A હેઠળ ક્રેડિટ બ્લોક કરવામાં આવેલ હોય ત્યારે કરદાતાને કારણ જણાવવા જરૂરી ગણાય. કરદાતા વતી ઉપસ્થિત એડવોકેટ હાર્દિકભાઈ મોઢ દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે કરદાતાને તેની ક્રેડિટ ક્યાં કારણે બ્લીક કરવામાં આવેલ છે તે કેવી રીતે ખબર પડે? તેઓ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે વેચનારા સાથેના તેઓના અસીલના વ્યવહારો ચોખ્ખા છે. માત્ર અમારા અસીલના વેચનાર પર શંકાના આધારે ખરીદનારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરી શકાય નહીં.

સરકાર તરફે રાજુઆત:

  • કરદાતાની દલીલનો સરકારી વકીલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અધિકારી પાસે માહિતી હોય તેવા સંજોગોમાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરવા સક્ષમ છે. અધિકારી દ્વારા રાજ્ય જી.એસ.ટી. ના સર્ક્યુલર 19,05.2020 મુજબ આ ક્રેડિટ બ્લોક કરેલ છે. સરકારી તિજોરીના હિતમાં આ બ્લોકિંગ જરૂરી છે.

કોર્ટનો ચુકાદો:

  • નિયમ 86A ને જી.એસ.ટી. કાયદાની કલમ 16 તથા નિયમો હેઠળ નિયમ 36 સાથે વાંચન કરવા જરૂરી છે. નિયમ 86A હેઠળ અધિકારીને કરદાતાની લેજરમાં ડેબિટ એન્ટ્રી કરવા કોઈ સત્તા નથી પરંતુ તેઓને માત્ર કરદાતાની લેજરમાં ક્રેડિટ બ્લોક કરવ્વની સત્તા આપવામાં આવેલ છે. આ સત્તા મર્યાદિત સમય માટે જ આપવામાં આવેલ છે. નિયમ 86Aની સત્તાનો ઉપયોગ કરવા સમય બે બાબતો ફરજિયાત છે. a. અધિકારીને પોતાની પાસેની વિગતો પરથી ક્રેડિટ બ્લોક કરવા અંગે સંતોષ હોવો જરૂરી છે. b. અધિકારી આ ક્રેડિટ બ્લોક અંગેના કારણોની યોગ્ય નોંધ કરવી જરૂરી છે. નિયમ 86A માં અધિકારીને આપવામાં આવેલ સત્તા ખૂબ ભયંકર ગણાય માટે ઉપરોક્ત બન્ને શરતો પૂર્ણ થવી જરૂરી છે. કોઈ પણ પ્રશાશનિક સત્તા જે “ક્વાસી જ્યુડિશિયલ” (અર્ધ ન્યાયિક) હોય અને જેના કરદાતા ઉપર ગંભીર પરિણામ આવવાની શક્યતા હોય તે સત્તાનો ઉપયોગ વ્યાજબી રીતે કરવો જરૂરી છે. માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા મેનકા ગાંધી વી. યુનિયન ઓફ ઈન્ડિયા, AIR 1978 SC 597 ના કેસમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે “વ્યાજબી પણા” નો સિદ્ધાંત એ ભારતીય બંધારણના અનુછેદ 21 તથા 14 માં સમાવિષ્ટ થયેલ ગણાય. સામાન્ય સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ પગલાં લેતા પહેલા સુનાવણીની તક આપવી જરૂરી છે. પરંતુ અમુક સંજોગોમાં આદધિકારી દ્વારા કોઈ પગલાં લેતા પહેલા સુનાવણીની તક આપી શકાય તેમ ના હોય ત્યારે પગલાં લીધા બાદ સુનાવણીની યોગ્ય તક આપવી જરૂરી છે. સામાન્ય રીતે પગલાં લીધા બાદ સુનાવણી માટે મુદત તુરંત આપવી જોઈએ પરંતુ આ મુદત લેવામાં આવેલ પગલાંના 2 અઠવાડીયા સુધીમાં આપી દેવી જોઈએ. કરદાતાને આપવામાં આવેલ સુનાવણી બાદ અધિકારી દ્વારા પોતાની કાર્યવાહી અંગે યોગ્ય આદેશ પસાર કરવો જોઈએ. નિયમ 86A હેઠળનો શબ્દ “May” સૂચવે છે કે અધિકારી ક્રેડિટ બ્લોક કરવા સાથે કરદાતાને કારણો આપવા જરૂરી છે. કોઈ પણ પ્રશાશનિક આદેશ પાછળનો કારણ જાણવાનો કરદાતાનો અધિકાર છે. આંધ્રા બેન્ક વી. ઓફિશિયલ લિક્વિડેટર (2005) 3 SCJ 762 માં સુપ્રીમ કોર્ટ દ્વારા ઠેરવવામાં આવ્યું છે કે કારણ ના દર્શાવતો આદેશ “ડોકટરીન ઓફ ફેર પ્લે” નો સિદ્ધાંત પૂર્ણ કરતો નથી. જ્યાં “રીઝન રેકોર્ડ” કરવાની જરૂરિયાત કાયદા કે નિયમોમાં દર્શાવવામાં આવેલ હોય ત્યાં અધિકારીની ફરજિયાત કારણ આપવાની ફરજ ગણવામાં આવે છે. નિયમ 86A ની સત્તા દ્વારા આ કેસમાં પસાર કરવામાં આવેલ આદેશમાં કોઈ પણ કારણ દર્શાવવામાં આવેલ નથી. અધિકારી દ્વારા કારણ ના દર્શાવેલ હોય આ આદેશ કાયદાની દ્રષ્ટિએ અયોગ્ય ગણાય. જી.એસ.ટી. કાયદાની કલમ 43A હજુ નોટિફાય થયેલ નથી. આમ, નિયમ 86A ને કાયદાની કોઈ જોગવાઈનું સમર્થન નથી. “ક્વેસ્ટ મર્ચંટાઇઝીન્ગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ” વી. દિલ્હી સરકાર WP(C) No 6093/2017, 26.10.2017 જેવા ઘણા ચુકાદા છે જેમાં ઠરવાયું છે કે વેચનાર વેરો ના ભારે તો આ અંગે “બોનફિડે પરચેસર” (પ્રમાણિક ખરીદનાર) ને જવાબદાર ઠેરવી શકાય નહીં. શ્રી વિનયજ્ઞ એજન્સીઝ વી. આશી. કમિશ્નર WP no 2036 થી 2038/2013 તા. 29.01.2013, મદ્રાસ હાઇકોર્ટ જેવા કેસોને પણ ધ્યાને લેવામાં આવ્યા છે. ઉપરની તમામ ચર્ચાના અંગે એવું ઠરાવવામાં આવે છે કે અધિકારીનો ક્રેડિટ બ્લોક કરતો આદેશ રદ્દ કરવામાં આવે છે. અધિકારી ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાને લઈ નવો આદેશ કરી શકે છે.

(સંપાદક નોંધ: વેચનાર ઉપર બોગસ ડીલર તરીકે કાર્યવાહી શરૂ થાય ત્યારે તેના તમામ ખરીદનારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરી આપવામાં આવે છે. આવા કેસોમાં આ ચુકાદો ખૂબ ઉપયોગી સાબિત થશે.)

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબમાં તા. 04 એપ્રિલના રોજ પ્રસિદ્ધ થયેલ છે)

error: Content is protected !!