GSTR 3B ભરવામાં આવ્યા છે આ મહત્વના ફેરફારો… જે જાણવા છે તમારા માટે જરૂરી

Spread the love
Reading Time: 4 minutes

તા. 12.09.2022

Article 50

જી.એસ.ટી. કાયદા હેઠળ કંપોઝીશનની પરવાનગી ધરાવતા હોય તે સિવાયના કરદાતાએ પોતાનું માસિક અથવા તો ત્રિમાસિક રિટર્ન GSTR 3B માં ભરવાનું રહેતું હોય છે. આ ઉપરાંત આવા કરદાતાએ પોતાની વેચાણની વિગતો GSTR 1 માં માસિક અથવા તો ત્રિમાસિક ધોરણે આપવાની થતી હોય છે. મૂળભૂત રીતે જી.એસ.ટી. હેઠળ GSTR 1, GSTR 2 અને GSTR 3 ભરવાની પદ્ધતિ સૂચવવામાં આવી હતી. પરંતુ જમીની સ્તરે આ પદ્ધતિ વ્યાવહારિક રીતે શક્ય બની ના હતી. આ કારણે GSTR 3B ના સ્વરૂપે એક “સમરી રિટર્ન” શરૂઆતના તબક્કામાં લાગુ કરવામાં આવ્યું હતું. પરંતુ આજે પાંચ વર્ષ પછી પણ આ GSTR 3B માં પ્રાથમિક રીતે શરૂ કરવામાં આવેલ રિટર્ન જ જી.એસ.ટી. હેઠળ મૂળભૂત રિટર્ન બની રહ્યું છે. આ GSTR 3B ભરવામાં 01 સપ્ટેમ્બર 2022 થી મહત્વના ફેરફારો સૂચિત કરવામાં આવ્યા છે. ઓગસ્ટ 2022 કે તે પછી ભરવાના થતાં રિટર્નમાં આ ફેરફારો લાગુ પડશે. ઓગસ્ટ 22 પહેલાના રિટર્નમાં આ ફેરફારોની કોઈ અસર રહેશે નહીં.  

શું છે આ GSTR 3B

અગાઉ જેમ જણાવ્યુ તેમ GSTR 3B એ કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઓ સિવાયના કરદાતાઓને ભરવાનું થતું હોય છે. આ ફોર્મ એ પોતાના ટર્નઓવર મુજબ માસિક કે ત્રિમાસિક ધોરણે કરદાતાએ ભરવાનું થતું હોય છે. આ ફોર્મ દ્વારા કરદાતા પોતાના કુલ વેચાણ, આ વેચાણ ઉપર ભરવાનો થતો IGST, CGST-SGST તથા Cess ની વિગતો આપવાની રહેતી હોય છે. આ ઉપરાંત કરદાતા દ્વારા માસિક કે ત્રિમાસિક ધોરણે માંગવાની થતી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પણ આ ફોર્મ દ્વારા માંગવામાં આવે છે. કુલ ભરવાપાત્ર ટેક્સ માંથી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બાદ કરવામાં આવે ત્યારે જે ભરવાપાત્ર ટેક્સ છે તે પણ આ GSTR 3B ફોર્મ દ્વારા જ “સેટ-ઓફ” થતો હોય છે.   

ઓગસ્ટ મહિના પછીના GSTR 3B ભરવામાં શું રાખવી પડશે કાળજી??

જી.એસ.ટી. હેઠળ નોટિફિકેશન 14/2022, તા: 05.07.2022 બહાર પાડી GSTR 3B માં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. કરદાતાના આઉટપુટ વિભાગની વાત કરીએ તો કરદાતાએ હવે પોતે જ્યારે “ઇ કોમર્સ ઓપરેટર” (ફ્લિપકાર્ટ, એમેઝોન, સ્વીગી, મિશો વી.) દ્વારા જ્યારે વેચાણ કરવામાં આવે અને જ્યારે તેનો ટેક્સ “ઇ કોમર્સ ઓપરેટર” દ્વારા ભરવાનો થતો હોય તેવી રકમ હવે કરદાતા દ્વારા પોતાના GSTR 3B માં 3.1.1 માં અલગથી દર્શાવવાનો રહેશે.

આ ઉપરાંત કરદાતા દ્વારા ક્લેઇમ કરવામાં આવતી ઈન્પુટ ટેક્સ ક્રેડિટના સંદર્ભે વધુ મહત્વના ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે. આ ફેરફારોને મુદ્દાવાર સમજાવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરવાના “કૉલમ” માં કરવામાં આવ્યો છે મહત્વનો ફેરફાર.

GSTR 3B માં સુધારેલા કૉલમ નીચે મુજબ છે.

  • અહિયાં કોષ્ટક મૂકવું (ટેબલ 4)

01 સપ્ટેમ્બર 2022  થી આ ઉપરના ટેબલ માં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સંદર્ભે GSTN દ્વારા બહાર પાડવામાં આવી છે અતિ મહત્વના સૂચનાઓ. ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરતાં કરદાતાઓએ નીચેની બાબતો પર ખાસ ધ્યાન આપવાનું રહેશે.  

  • એવી ઈન્પુટ ટેકસ ક્રેડિટ જે ભવિષ્યમાં ફરી ક્લેઇમ કરવાની થતી નથી તેવી તમામ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ઉપર પૈકી ટેબલ 4(B)(1) માં દર્શાવવાની રહેશે. આ ક્રેડિટમાં જી.એસ.ટી. નિયમ 38, 42 અને 43 હેઠળ રિવર્સ કરવાની થતી ક્રેડિટ અને જી.એસ.ટી. કાયદા હેઠળ કલમ 17(5) હેઠળ રિવર્સ કરવાની થતી ક્રેડિટનો સમાવેશ થશે. જી.એસ.ટી. નિયમો હેઠળ કોઈ કરદાતા કરપાત્ર તથા કરમુક્ત માલ કે સેવાનું વેચાણ કરતો હોય ત્યારે તેઓની ક્રેડિટ નિયમ 42 અને નિયમ 43 હેઠળ સપ્રમાણ રિવર્સ કરવાની રહે. જી.એસ.ટી. કાયદાની 17(5) હેઠળ બ્લોક ક્રેડિટ સૂચવવામાં આવેલ છે. આ ક્રેડિટમાં મોટર વિહીકલની ખરીદી, રેસ્ટોરન્ટમાં જમણ ઉપર ચૂકવાયેલ જી.એસ.ટી. ની ખરીદી, બ્યુટી ટ્રીટમેંટ, સ્થાવર મિલ્કત બાંધકામમાં ઉપર ચૂકવેલ જી.એસ.ટી. ની ઈન્પુટ ક્રેડિટ જેવી ક્રેડિટ ક્લેઇમ કરવાની સદંતર બ્લોક” કરવામાં આવેલ છે. આમ, જી.એસ.ટી. હેઠળ નિયમ 38, 42 તથા 43 તથા જી.એસ.ટી. કાયદાની કલમ 17(5) હેઠળની રિવર્સ કરવા પાત્ર ક્રેડિટ 4(B)(1) માં દર્શાવવાની રહે છે.
  • એવી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ કે જે હાલ રિવર્સ કરવામાં આવેલ છે પરંતુ ભવિષ્યમાં રી ક્લેઇમ કરવાની થાય તેવી ઈન્પુટ ટેક્સ ક્રેડિટને 4(B)(2) માં દર્શાવવાની રહે. આવી ક્રેડિટ જ્યારે ફરી ક્લેઇમ કરવામાં આવે ત્યારે આ ક્રેડિટને 4(A)(5)All Other ITC માં ક્લેઇમ કરવાની રહેશે. આ ફરી ક્લેઇમ કરવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટની વિગતો 3B ના કૉલમ 4(D)(1) માં દર્શાવવાની રહેશે. જી.એસ.ટી. હેઠળ કરદાતા દ્વારા કોઈ પણ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરવામાં આવેલ હોય તે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અંગેના બિલની ચુકવણી વ્યવહાર થયો હોય તેના 180 દિવસમાં ચૂકવી આપવામાં આવે તે જરૂરી છે. જો આવી રકમ 180 દિવસમાં ના ચૂકવવામાં આવેલ હોય તો તે ક્રેડિટ કરદાતાએ રિવર્સ કરવાની રહે છે. કરદાતા જ્યારે આ ચુકવણી કરે ત્યારે તેઓને આ ક્રેડિટ રી ક્લેઇમ કરવાની રહે છે.   
  • જે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જે GSTR 2B માં દર્શાવતી હોય પરંતુ જી.એસ.ટી હેઠળ સમયમર્યાદાના કારણે અથવા તો “પ્લેસ ઓફ સપ્લાય” ના કારણે ના ક્લેઇમ થઈ શકે તેવી ક્રેડિટ GSTR 3B ના કૉલમ 4(D)(2) માં દર્શાવવાની રહે. કરદાતા સમાન્ય રીતે કોઈ પણ વર્ષની ક્રેડિટ પછીના વર્ષના સપ્ટેમ્બર મહિનાના GSTR 3B ની મુદત સુધી ક્લેઇમ કરી શકે છે. જ્યારે આવી ક્રેડિટ GSTR 2B માં દર્શાવે પરંતુ આ ક્રેડિટ માંગવાનો સમય જતો રહ્યો હોય ત્યારે આવી ક્રેડિટ આ કૉલમમાં દર્શાવવાની રહેશે. આ ઉપરાંત ઘણી વાર કરદાતાના GSTIN ઉપર એવી ક્રેડિટ દર્શાવવામાં આવે જેની “પ્લેસ ઓફ સપ્લાય” તેઓનો જી.એસ.ટી. નંબર જે રાજ્યમાં છે તે સિવાયના રાજ્યમાં હોય, તેવી ક્રેડિટ કરદાતાને મળવા પાત્ર નથી. આવી ક્રેડિટ પણ કરદાતાએ આ કૉલમ 4(D)(2) માં દર્શાવવાની રહે. ઉદાહરણ તરીકે જ્યારે ગુજરાતમાં જી.એસ.ટી. ધરાવતો વેપારી, મુંબઈ ધંધાના કામ માટે જાય અને હોટેલમાં રોકાય, અને આવી હોટેલ જ્યારે ગુજરાતના જી.એસ.ટી. નંબર ઉપર બિલ બનાવી મહારાષ્ટ્રનો CGST તથા SGST ઉઘરાવે અને GSTR 1 માં દર્શાવે ત્યારે, ગુજરાતના વેપારીના GSTR 2B માં દર્શાવતા હોય આમ છતાં ગુજરાતના કરદાતાને આ ક્રેડિટ મળે નહીં કારણકે આ વ્યવહાર માટેની પ્લેસ ઓફ સપ્લાય “મહારાષ્ટ્ર રાજ્ય છે. આ પ્રકારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ GSTR 3B માં કૉલમ 4(D)(2) માં દર્શાવવાની રહેશે.

સામાન્ય રીતે જી.એસ.ટી. હેઠળ રિટર્ન ભરવાની કામગીરી માટે કરદાતાઓ ટેક્સ પ્રોફેશનલ્સની સેવાઓ લેતા હોય છે. આ ટેક્સ પ્રોફેશનલ્સતો આ તમામ બાબતો વિષે અવગત હોતા હોય છે. પરંતુ થોડા ઘણા એવા કરદાતાઓ પણ છે જેઓ પોતાના જી.એસ.ટી. હેઠળના વિવિધ રિટર્ન પોતે જાતે અથવા એકાઉન્ટન્ટ દ્વારા જ કરાવતા હોય છે. આ લેખ ખાસ એવા કરદાતાઓ માટે ઉપરોક્ત માહિતી વધુ ઉપયોગી સાબિત થશે.

  • By Bhavya Popat

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા. 12.09.2022 ના રોજ પ્રકાશિત થયેલ છે)

error: Content is protected !!