ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફથી નીકળી રહી છે મોટા પ્રમાણમા નોટિસો…..તમને મળે જો ઇન્કમ ટેક્સ નોટિસ તો આટલું જરૂર કરજો!!
નાણાકીય વર્ષ 2013-14 થી 2016-17 સુધીના તમામ વર્ષના કેસોની ફેર આકારણી કરવાની નોટિસ 31.03.2021 પહેલા આપવી છે જરૂરી:
તા. 25.03.2021: ઇન્કમ ટેક્સ હેઠળ મોટા પ્રમાણમા નોટિસો નીકળી રહી હોવાની માહિતી અંગત સૂત્રો પાસેથી મળી રહી છે. બજેટ 2021માં કરવામાં આવેલ જોગવાઈ પ્રમાણે હવે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ વધુમાં વધુ ત્રણ વર્ષ સુધીના કેસોની જ ફેર આકારણી કરી શકશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને નાણાકીય વર્ષ 2013-14 થી મંડીને 2016-17 સુધીના કેસોની ફેરઆકારણીની નોટિસ 31 માર્ચ 2021 સુધીમાં નીકળી દેવા અંગે સૂચના આપવામાં આવેલ છે. મળતી માહિતી મુજબ આ કારણથી જ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટના અધિકારીઑ નોટિસો નીકળવાની કાર્યવાહી પૂરી કરવા દિવસ રાત એક કરી રહ્યા છે. મોડે સુધી ઇન્કમ ટેક્સ ઓફિસોમાં કામ થઈ રહ્યું છે અને આ નોટિસો સમયસર નીકળી જાય તેવા પ્રયત્નો થઈ રહ્યા છે.
બેન્કમાં મોટા પ્રમાણમાં રોકડ જમા કરાવવામાં આવ્યા હોય, કોઈ મોટી સ્થાવર મિલ્કત ખરીદવામાં આવેલ હોય, મોટા ક્રેડિટ કાર્ડના બિલોની ચુકવણી રોકડમાં કરવામાં આવી હોય જેવી અનેક માહિતીઓ બેન્ક, સરકારી કચેરીઓ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને આપતું હોય છે. આ પૈકી ઘણા કરદાતા એવા હોય છે જે આટલા મોટા વ્યવહારો કર્યા હોવા છતાં પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોતા નથી. આવા કરદાતાઓ ઉપર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટની ખાસ નજર હોય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રિટર્ન ના ભર્યું હોય તેવા કરદાતાઑને મોટા પ્રમાણમાં નોટિસ આપવાની તૈયારી ઇન્કમ ટેક્સ તરફથી કરવામાં આવી રહી છે.
આ નોટિસ મળે તો પણ ડરી જવાની જરૂર નથી. નિષ્ણાંતો માંને છે કે સમયસર પોતાની વિગતો સાથે એડવોકેટ, CA કે ટેક્સ પ્રેકટિશનરનો સંપર્ક કરી સમયસર આ નોટિસોનો જવાબ આપવામાં આવે તો આ પ્રકારની નોટિસોમાંથી કાયદાકીય રીતે બચવાના વિકલ્પો મળી રહે છે. આ બાબતે વાત કરતાં ટેક્સ ટુડે એક્સપર્ટ CA દિવ્યેશ સોઢા જણાવે છે કે “આ પ્રકારની નોટિસની ઘણીવાર કરદાતા દરકાર કરતાં નથી. નોટિસનો યોગ્ય અને સમયસર જવાબ ના આપવાના કારણે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા એક તરફી આકારણી કરી આપવામાં આવતી હોય છે. જ્યારે આ આકારણીમાં મોટી રકમ ભરવાની કાઢવામાં આવે અને કરદાતાના બેન્ક ખાતા ઉપર ટાંચ મૂકવામાં આવે ત્યારે કરદાતા સફાળા જાગતા હોય છે. આ સમયે કેસ ઘણો બગડી ગયો ગણાય. ટેક્સ પ્રોફેશનલ્સ તરીકે અમે કરદાતાઓને ખાસ સલાહ આપીએ છીએ કે કોઈ પણ નોટિસ આવે તો તરત પોતાનું કામ કરતાં ટેક્સ પ્રોફેશનલ્સનો અચૂક સમયસર સંપર્ક કરવો જોઈએ. સામાન્ય રીતે જેનો નિકાલ આવી શકે તેવા કેસો જો સમયસર જવાબ ના આપવામાં આવે તો બગડી જતાં હોય છે”. આ નોટિસથી ડર્યા વગર સમયસર તેનો જવાબ આપવો ખૂબ જરૂરી છે તે સમજવું કરદાતાઓ માટે મહત્વનુ છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.