ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવા ધ્યાન રાખો આ મહત્વની બાબતો (વેપારીઓ માટે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અંગે જાણવા જેવી મહત્વની બાબતો)
ઈન્પુટ ટેક્સ ક્રેડિટ વિશેષ લેખ શૃંખલાનો લેખ નંબર ૧
“વન નેશન વન ટેક્સ વન માર્કેટ” ની “ટેગ લાઇન” સાથે લાગુ કરવામાં આવેલ જી.એસ.ટી. કાયદામાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવામાં રાખવામા આવી છે અનેક શરતો
તા.24.11.2021: જી.એસ.ટી. કાયદો લાગુ કરવાનો સૌથી મોટો હેતુ કરદાતાને “સિમલેસ ક્રેડિટ” મળી રહે તે અંગેનો હતો. અગાઉ માલ ઉત્પાદન ઉપર લગતી એક્સાઈઝની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ છૂટક કે જથ્થાબંધ માલ વેચનાર ને મળતી ન હતી. તેવી રીતે અલગ અલગ રાજ્યોના વેટ કાયદા હેઠળ ક્રોસ ક્રેડિટ એટલેકે એક બીજા રાજ્યો પર લાગેલ વેટની ક્રેડિટ કરદાતાને મળતી નહતી. આ ઉપરાંત વેટ કાયદા હેઠળ માલનું વેચાણ કરતાં કરદાતાને તેના દ્વારા મેળવવામાં આવેલ સેવાની ક્રેડિટ મળતી નહીં તો સામે સેવા પૂરી પડતાં સર્વિસ ટેક્સ હેઠળ નોંધાયેલ કરદાતાને તેની ખરીદી ઉપરના વેટની ક્રેડિટ મળતી ન હતી. માલ ઉત્પાદન પર લગતા એક્સાઈઝ, માલ વેચાણ પર વિવિધ રાજ્યો દ્વારા લાગુ કરવામાં આવેલ વેટ તથા સેવા ઉપર લાગુ સર્વિસ ટેક્સના સ્થાને એક જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો છે. આમ, આ તમામ કાયદાના સ્થાને જી.એસ.ટી. કાયદો આવવાથી કરદાતાને “સિમલેસ ક્રેડિટ” એટલેકે કોઈ પણ બાધ વિના ક્રેડિટ મળી રહેશે તેવું માનવમાં આવી રહ્યું હતું. પરંતુ આજે 4 વર્ષે જ્યારે જી.એસ.ટી. નું આંકલન કરીએ ત્યારે એટલું ચોક્કસ કહી શકીએ કે જી.એસ.ટી હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ “સિમલેસ” રહી નથી.
જી.એસ.ટી. હેઠળ મૂળભૂત હેતુ ધંધાકીય વ્યવહારો ઉપર વધુમાં વધુ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ વેપારીઓને મળી રહે ત સુનિશ્ચિત કરવાનો હતો. આમ, વધુ માં વધુ ક્રેડિટ જ્યારે વેપાર જગતને આપવામાં આવે ત્યારે વિવિધ માલ તથા સેવાઓના ભાવ ઘટે તેવી સામાન્ય અર્થશાસ્ત્રનું ગણિત હતું. પરંતુ આજે જ્યારે જમીની સ્તરે જોવામાં આવે તો કેવી રીતે કરદાતાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ઉપર લગામ લગાડવી એ જ જી.એસ.ટી. ડિપાર્ટમેંટનો એક માત્ર હેતુ હોય તેવું ફલિત થાય છે. જી.એસ.ટી. કાયદા તથા નિયમો ઉપરાંત વિવિધ નોટિફિકેશન દ્વારા કરદાતાને પાળવા પાત્ર ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ઉપર રોક લગાડવામાં આવી છે. અમુક સંજોગોમાં ઈન્પુટ ટેક્સ કેદીટ ઉપર અમુક નિયંત્રણો તથા શરતો લાગુ કરવામાં આવી છે.
જી.એસ.ટી. લાગુ થયા પહેલા વેટ કાયદો અમલમાં હતો ત્યારે વેટ હેઠળના રિટર્ન ઘણા વિગતવાર રહેતા હતા. જી.એસ.ટી. લાગુ થયા બાદ લાગુ કરવામાં આવેલ સમરી રિટર્ન GSTR 3B માં ખૂબ ઓછી વિગતો જોવા મળે છે. આ કારણે સંજોગો એવા ઊભા થયા છે કે કરદાતાનું વ્યવસાયી રીતે કામ કરતાં કોઈ ટેક્સ એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે ટેક્સ કન્સલ્ટન્ટ પાસે કરદાતા દ્વારા લેવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ સાચી છે કે ખોટી તે તપાસવા ખૂબ ઓછા વિકલ્પો રહેલા છે. કરદાતા દ્વારા પોતાના ટેક્સ કન્સલ્ટન્ટને દરેક ક્રેડિટ લેવા અંગે પુછવામાં આવે અથવા તો કરદાતા પોતે આ ઈન્પુટ ક્રેડિટ અંગેના નિયમો અંગે જાણકારી રાખે અને જાણકાર બને તે બે જ વિકલ્પ રહેલા છે. આજે આ લેખમાં કરદાતાને ઈન્પુટ ટેક્સ ક્રેડિટના વિષયો અંગે જાગૃત બનાવવા તેઓએ ધ્યાને લેવાની જરૂરી માહિતી આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવા નીચેની શરતો પૂર્ણ થવી છે ફરજિયાત
કોઈ માલ કે સેવા પોતાના ધંધા માટે ખરીદી કરતાં ખરીદનાર વેપારીએ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવા નીચેની શરતો પૂર્ણ કરવી ફરજિયાત છે.
- વેપારી પાસે પોતે કરેલ ખરીદીનું ટેક્સ ઇંવોઇસ હોવું જરૂરી છે.
- વેપારી દ્વારા જે ત માલ કે સેવા ખરેખર મેળવવામાં આવેલ છે તે અંગેના પુરાવાઓ હોવા જરૂરી છે.
- વેપારી દ્વારા કરવામાં આવેલ ખરીદી ઉપર વેચનાર દ્વારા ઉઘરાવવામાં આવેલ ટેક્સ વેચનારે સરકારમાં જમા કરાવવો જરૂરી છે.
- ખરીદનાર વેપારીએ જે તે ક્રેડિટ મેળવવા સમયનું રિટર્ન ભરેલું હોવું જોઈએ.
ઉપરોક્ત શરતો પુર્ણ થાય ત્યારે જ કોઈ વેપારી જી.એસ.ટી. હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા હક્કદાર બને છે. પોતે કરેલ માલ કે સેવા ઉપર લાગેલ ટેક્સ દર્શાવતુ અસલ ઇંવોઇસ એટ્લે કે બિલ કરદાતા પાસે હોય તો જ તે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવી શકે છે. આમ, ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવા “ટેક્સ ઇંવોઇસ” એ ચલણી નોટ જેટલું મહત્વ ધરાવે છે તે બાબત વેપારીએ જાણવી ખૂબ જરૂરી છે. જેવી રીતે આપણે ચલણી નોટને સાચવીને રાખીએ છીએ તેવી રીતે વેચનાર દ્વારા આપવામાં આવેલ ટેક્સ ઇંવોઇસને સાચવવામાં આવે તે જરૂરી છે. ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે જે તે માલ કે સેવા વેપારી દ્વારા ખરેખર મેળવવામાં આવેલ છે તે સાબિત કરવાનો બોજો પણ ખરીદનાર વેપારી ઉપર નાંખવામાં આવેલ છે. માલના સંજોગોમાં માલ વહનના પુરાવા જેવા કે “લોરી રિસીપ્ટ” “બીલ્ટ્રી” વગેરે પણ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા જાળવવા ખૂબ જરૂરી છે. વેપારીએ જે વેચનાર પાસેથી માલ કે સેવા ખરીદવામાં આવેલ છે તે વેપારીએ તે વ્યવહાર ઉપર ઉઘરાવવામાં આવેલ ટેક્સ સરકારી તિજોરીમાં જમા કરાવેલ છે તે સાબિત કરવાનો બોજો પણ ખરીદનાર વેપારી ઉપર નાંખવામાં આવેલ છે. વેચનાર વેપારીએ ખરીદનાર વેપારી પાસેથી ટેક્સ ઉઘરાવવામાં આવ્યો હોવા છતાં જો વેચનાર વેપારી તે વેરો ભરવામાં કસૂર કરે તો ખરીદનાર વેપારીને પોતાની ખરીદી ઉપર ચૂકવવામાં આવેલ વેરાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો ખરીદનાર વેપારી આવા સંજોગોમાં એક વ્યવહાર ઉપર બે વખત વેરો ભરવા જવાબદાર બને છે. ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવા બાબતેની આ શરત ના કારણે હાલ ઘણા કેસો વિવિધ હાઇકોર્ટમાં ચાલી રહ્યા છે. ભવિષ્યમાં આ મુદ્દા ઉપર અનેક વડો થાય તેવી શક્યતા રહેલી છે. કરચોરી ડામવા બનાવવામાં આવેલ આ શરત વેપાર જગત માટે ખૂબ મુશ્કેલી ઊભી કરી રહી છે અને ભવિષ્યમાં પણ મોટી મુશ્કેલી ઊભી કરશે તે ચોક્કસ છે. હાલ, વેપાર જગત ખૂબ મોટા પાયા ઉપર કામ કરે છે. અનેકવાર તેવા કિસ્સા જોવા મળે છે જ્યાં ખરીદનાર વેપારી વેચનાર વેપારીને ઓળખતા હોતા નથી. આવા કિસ્સામાં વેચનાર ઉપર ભરોસો રાખ્યા સિવાય વેપાર કરવો શક્ય નથી. આ ભરોસો રાખી કરવામાં આવેલ વ્યવહાર ક્યારેક ખરીદનાર વેપારી માટે ખૂબ મોટી મુશ્કેલી ઊભી કરી આપતો હોય છે. વેચનાર વેપારીને જી.એસ.ટી. હેઠળ નોંધણી આપી જી.એસ.ટી. ઉઘરાવવાની સત્તા જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા આપવામાં આવી છે. આવા વેપારી જી.એસ.ટી. ભરવામાં ચૂક કરે તેવા સંજોગોમાં ખરીદનાર વેપારીને દંડ કરવામાં એ ખરેખર અન્યાયી બાબત કહેવાય. “પાડાના વાંકે પખાલીને ડામ” આપતા આ નિયમોમાં ફેરફાર થાય તે ખૂબ જરૂરી છે. હા, જી.એસ.ટી. ડિપાર્ટમેંટ જ્યાં સાબિત કરી શકે કે સરકારી તિજોરીને નુકસાન કરવાના હેતુથી ખરીદનાર તથા વેચનાર દ્વારા સાથે મળી કોઈ કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવા સંજોગોમાં આ શરત લાગુ પડે તે ચોક્કસ જરૂરી છે. પરંતુ સામાન્ય સંજોગોમાં પ્રમાણિક વેપારીઓ ઉપર આ પ્રકારની શરત દૂર કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવા ખરીનાર દ્વારા પોતાનું રિટર્ન GSTR 3B ભરવું જરૂરી છે. જ્યાં સુધી આ GSTR 3B ભરવામાં ના આવે ત્યાં સુધી વેપારીનો ઈન્પુટ ટેક્સ ક્રેડિટનો હક્ક ઊભો થયો ગણાય નહીં. આમ, ખરીદનાર વેપારીએ પોતાનું રિટર્ન સમયસર ભરવું ખૂબ જરૂરી છે.
ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અંગેના વિશેષ લેખોની શ્રુંખલાનો આજે આ પ્રથમ લેખ છે. આ કટારમાં આવનારા લેખોમાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અંગેની સમજૂતી વાચકોને ખાસ કરીને વેપારીઓને સરળ ભાષામાં મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવશે. આ વિષય ઉપર વેપારીઓ જાગૃત બને તે ખૂબ જરૂરી છે.
(આ લેખ ફૂલછાબ દૈનિકની વ્યાપારભૂમિ પૂર્તિમાં 22 નવેમ્બર 2021 ના રોજ પ્રકાશિત થયેલ છે.)