શું સોનાના દાગીના ઉપર હૉલમાર્કિંગ થઈ ગયું છે ફરજિયાત???

Spread the love
Reading Time: 3 minutes

કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ જિલ્લાઓમાં 16 જૂનથી હોલમાર્કિંગ બની ગયું છે ફરજિયાતા!!!

તા. 29.06.2021: સોનુંએ વર્ષોથી ભારતમાં રોકાણ માટે તથા સામાજિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. દીકરીના લગ્ન પ્રસંગ હોય કે બાળકનો જન્મપ્રસંગ, સોનું એ ભેટ-સોગાદનું સૌથી પસંદગીનો વિકલ્પ રહેતો હોય છે. વડીલો સોનાને ઉતમ રોકાણનો સ્ત્રોત પણ ગણતાં આવ્યા છે. સોનાની શુદ્ધતા બાબતે ઘણીવાર પ્રશ્નો ઉઠતાં રહેતા હોય છે. સામાન્ય ગ્રાહક માટે સોનાની શુદ્ધતા નક્કી કરવી ક્યારેય શક્ય રહેતી હોતી નથી. બ્યૂરો ઓફ ઇંડિયન સ્ટાન્ડર્ડસ (BIS) ભારત સરકારની એવી કચેરી છે છે અલગ અલગ વસ્તુઓની શુદ્ધતા, યોગ્યતા અંગે પ્રમાણિત કરવાનું કામ કરે છે. BIS દ્વારા સોનાની શુદ્ધતા અંગે “હોલમાર્ક” આપવાનું કાર્ય વર્ષ 2000 ની સાલથી શરૂ કરવામાં આવ્યું છે. કોઈ પણ સોનાના ઘરેણાંમાં જ્યારે હૉલમાર્કનું પ્રમાણપત્ર મળે ત્યારે આ સોનાની શુદ્ધતા તથા તેનું વજન યોગ્ય છે તેમ માની લેવામાં આવે છે. સોનાના વેપારી (સોની)એ હોલમાર્ક યુક્ત સોનાનું વેચાણ કરવા B I S પાસેથી નોંધણી મેળવવાની રહેતી હોય છે. આ નોંધણી https://bis.gov.in ઉપર ઓનલાઈન મેળવવાની થતી હોય છે. સોનાની શુદ્ધતા અને વજન અંગે પ્રમાણિતતા માટે ગ્રાહકો હવે મોટા પાયે હોલમાર્ક વાળું સોનું ખરીદતા થયા છે.

B I S દ્વારા 15 જાન્યુઆરી 2021 થી સોનાના ઘરેણાંમાં હોલમાર્ક ફરજિયાત બનાવવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામામાં એક્સપોર્ટ માટેનું સોનું, બે ગ્રામથી નીચે હોય તેવા ઘરેણાં, મેડિકલ-ડેન્ટલ ઉપયોગ માટેનું સોનું, ઉત્પાદનની પ્રક્રિયામાં હોય તેવું સોનું, સોનાની દોરી, સોનાની લગડી, સોનાની પેન તથા ઘડિયાળ, કુંદન-પોકી જેવા આભૂષણોને ફરજિયાત હોલમાર્ક કરાવવા ના નિયમમાંથી મુક્તિ આપવામાં આવી હતી. ખાસ ઉલ્લેખનીય છે કે 40 લાખ સુધીના ટર્નઓવર ધરાવતા સોનીઑને પણ ફરજિયાત હોલમાર્કમાંથી મુક્તિ આપવામાં આવી છે. ફરજિયાત હોલમાર્કના આ નિયમનો અમલ 15 જાન્યુઆરી 2021 થી વધારવામાં આવ્યો હતો અને ત્યાર બાદ 01 જૂનથી લાગુ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. વધુ આ ફરજિયાત હોલમાર્કિંગના નિયમમાં વધારો કરી 16 જૂનથી આ નિયમ લાગુ કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આમ, 16 જૂન 2021 થી દેશભરમાં સોનાના દાગીના ઉપર ફરજિયાત હોલમાર્કિંગનો નિયમ લાગુ પડી ગયો છે. 23 જૂનના રોજ એક જાહેરનામું બહાર પાડી આ નિયમોમાં એવો ફેરફાર કરવામાં આવ્યો છે કે આ જાહેરનામામાં જે જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હોય તેવા જ જિલ્લાઑમાં આ ફરજિયાત હોલમાર્કિંગનો નિયમ લાગુ પડશે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો 27 જિલ્લાઓ પૈકી ગીર સોમનાથ, જુનાગઢ સહિતના  23 જિલ્લાઓમાં આ ફરજિયાત હોલમાર્કિંગનો નિયમ અમલી બની ગયો છે. 23 જૂનના જાહેરનામામાં દેશના અન્ય રાજ્યો અને કેન્દ્ર શાશીત પ્રદેશોના જિલ્લાઑનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ, દાદરાનાગર હવેલી, દમણ-દીવ જેવા મોટાભાગના નાના કેન્દ્ર શાશીત પ્રદેશોનો સમાવેશ આ યાદીમાં કરવામાં આવ્યો નથી. આમ, હાલ આ પ્રદેશોમાં ફરજિયાત હોલમાર્કિંગના નિયમનો અમલ થશે નહીં.

ફરજિયાત હોલમાર્કિંગ અંગે વાત કરતાં દીવના જાણીતા એસ. એમ. જ્વેલર્સના મૃગાંકભાઈ પટ્ટણી જણાવે છે કે “સોનાના ઘરેણાંએ ભારતીયોને ખૂબ પ્રિય છે. દરેક સારા પ્રસંગોમાં તેમજ તહેવારોમાં સોનાની ખરીદી કરવાનું ભારતીયો સુકનરૂપ માને છે. હું માનું છું કે ભલે દમણ તથા દીવમાં હાલ હૉલમાર્કિંગ ફરજિયાત નથી તો પણ અમારા સોની વેપારી ભાઈઓએ હોલમાર્ક માટે રજીસ્ટર થઈ જવું જોઈએ. જો આમ કરવામાં નહીં આવે તો જાગૃત નાગરિકો સોનાની ખરીદી દીવમાંથી નહીં કરી બહારથી કરશે અને સરવાળે તમામના ધંધામાં મંદી આવી શકે છે.”  આ અંગે વધુમાં જણાવતા ઉનાના જાણીતા જ્વેલર સી. જી. જ્વેલર્સના વિજયભાઈ વાળા જણાવે છે કે “હોલમાર્કિંગએ સોનાના વેચાણ માટે ખૂબ જરૂરી અને મહત્વનુ છે. હોલમાર્કના કારણે ગ્રાહક અને વિક્રેતા વચ્ચે વિશ્વાસ વધે છે. વેપારી તરીકે હોલમાર્ક દાગીનાનું વેચાણ કરવું સહેલું છે તેવી રીતે ગ્રાહક જ્યારે ભવિષ્યમાં પોતાના સોનાનો બદલો કરવા જાઈ ત્યારે પણ આ હોલમાર્ક તેમના માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. સરકાર દ્વારા હોલમાર્કિંગ અંગે વધુ માહિતી વેપારીઓને આપવામાં આવે તે જરૂરી છે.” આ અંગે એક ગ્રાહક તરીકે વાત કરતાં દીવના કૌશલ પારેખ જણાવે છે કે ” હું સોનાને એક રોકાણ તરીકે મહત્વનો સ્ત્રોત ગણું છું. એક ગ્રાહક તરીકે હું ચોક્કસ માનું છું કે હોલમાર્કિંગના આ નવા નિયમના કારણે સોનાની શુધ્ધતા બાબતેની શંકા-કૂશંકા ગ્રાહકોના મનમાંથી દૂર થઈ જશે. કદાચ આમ કરવાથી સોનાનો ભાવ ચોક્કસ વધી શકે છે.”

ફરજિયાત હોલમાર્કિંગના નિયમના કારણે સોનાના ઘરેણાંનું ઉત્પાદન તથા વેપાર કરનાર સોનીઓ ને ચોક્કસ થોડી તકલીફ પડશે પરંતુ નિષ્ણાંતો આ ફરજિયાત હોલમાર્કિંગના નિયમને ગ્રાહકો માટે ખૂબ જરૂરી અને મહત્વનો માની રહ્યા છે. આ નિયમથી સોનાના વેચાણમાં થતી ગેરરીતિઓ દૂર થશે અને સોનાના વેચાણને આ નિર્ણયથી વેગ મળશે તેવું પણ માનવમાં આવી રહ્યું છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

3 thoughts on “શું સોનાના દાગીના ઉપર હૉલમાર્કિંગ થઈ ગયું છે ફરજિયાત???

  1. અમે સોનાના આભૂષણના હોલ્સસેલર્સ છીએ. નીચે પ્રમાણે હોલમાર્કિંગને લઈને ઘણી મૂંઝવણ છે. જો તમે મને આ મૂંઝવણોમાં મદદ કરશે તો હું આભારી રહીશ

    1. શું હોલસેલર્સને હોલમાર્ક લાઇસન્સ લેવું ફરજિયાત છે?
    2. ઘરેણાંના જૂના સ્ટોકને હોલમાર્ક કરવું ફરજિયાત છે?
    3. જો હોલસેલર રિટેલરને વેચે છે અને રિટેલર ગ્રાહકને ઘરેણાં વેચે છે; હોલમાર્ક કોણ કરશે?
    4. જ્યાં સુધી અમને હોલમાર્ક લાઇસન્સ ન મળ્યો ત્યાં સુધી આપણે ઘરેણાં વેચી શકીએ?
    5. હોલમાર્ક લાઇસન્સ મેળવવા માટેની છેલ્લી તારીખ કેટલી છે?

    1. 1. શું હોલસેલર્સને હોલમાર્ક લાઇસન્સ લેવું ફરજિયાત છે? 40 લાખ સુધી મુક્તિ મળે તેવો મત છે.
      2. ઘરેણાંના જૂના સ્ટોકને હોલમાર્ક કરવું ફરજિયાત છે?મારા મતે ના
      3. જો હોલસેલર રિટેલરને વેચે છે અને રિટેલર ગ્રાહકને ઘરેણાં વેચે છે; હોલમાર્ક કોણ કરશે? કોઈ પણ એક કરવી શકે હૉલસેલર, રિટેલર
      4. જ્યાં સુધી અમને હોલમાર્ક લાઇસન્સ ન મળ્યો ત્યાં સુધી આપણે ઘરેણાં વેચી શકીએ? નિયમ મુજબ ફરજિયાત હોય તો લાઇસન્સ લઈને વેચાણ કરવું જરૂરી છે.
      5. હોલમાર્ક લાઇસન્સ મેળવવા માટેની છેલ્લી તારીખ કેટલી છે? 16 જૂનથી નિયમ લાગુ છે.
      (આ મારા આ વિષય અંગે અભિપ્રાય છે)

      1. સાહેબ, તમારા અભિપ્રાય બદલ આભાર.
        જો હું હોલસેલર છું અને મારી પાસે સોનાનો આભૂષણ સ્ટોક છે પરંતુ મને ખબર નથી કે હું રજિસ્ટર્ડ રિટેલરને અથવા બિન-નોંધાયેલ રિટેલરને વેચીશ કે નહીં, તો આવા સ્ટોકમાં મારે મારા હોલમાર્કને જોડવું જોઈએ?

Comments are closed.

error: Content is protected !!