જી.એસ.ટી. હેઠળ કસૂરદાર કરદાતાઓ માટે 30 જૂન છે છેલ્લી તક!!! આ મુદત ચૂકવાથી ભરવો પડે છે મોટો દંડ….

Spread the love
Reading Time: 3 minutes

જી.એસ.ટી. હેઠળ ભૂતકાળમાં રિટર્ન ભરવામાં ચૂક થયેલ હોય તેવા કરદાતા માટે છે આ અમુલ્ય તક

તા. 27.06.2023

-By Bhavya Popat

જી.એસ.ટી. કાઉન્સીલની 49 મી બેઠકમાં કરદાતા માટે અનેક રાહતોની જાહેરાતો કરવામાં આવી હતી. મોટાભાગે જી.એસ.ટી. હેઠળ કસૂરદાર કરદાતાઓ માટે આ જાહેરાતો અનેક રાહતો લઈને આવી હતી. આ પૈકી મોટાભાગની રાહતો મેળવવા 30 જૂન સુધીમાં કરદાતાએ આ કસૂર દૂર કરવા જરૂરી રહે છે. આ લેખ આપ વાંચી રહ્યા હશો ત્યાં સુધીમાં આ રાહતોનો લાભ લેવા માત્ર 4 દિવસ બાકી રહેશે. આ તકનો લાભ કસૂરદર કરદાતાઓએ ખાસ લેવો જોઈએ તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.

જી.એસ.ટી. હેઠળ કંપોઝીશન કરદાતાઓ માટે છે આ રાહતો

નોટિફિકેશન 02/2023, તા. 31.03.2023 મુજબ કંપોઝીન કરદાતાઑને ભરવાના થતાં NIL GSTR 4 ફોર્મ માટેની લેઇટ ફી સંપૂર્ણપણે માફ કરી આપવામાં આવી છે. જ્યારે આ સિવાયના GSTR 4 ભરવાની લેઇટ ફી મહત્તમ 500/- રૂપિયા કરી આપવામાં આવી છે. આ ફી માં CGST 250 + SGST 250 એમ ગણવાની રહેશે. આ રાહતોનો લાભ લેવા કરદાતા એ પોતાના GSTR 4 તારીખ 01 એપ્રિલ 2023 થી 30 જૂન 2023 સુધીમાં ભરી આપવાના રહેશે. આ રાહતોના કારણે અનેક કંપોઝીશન કરદાતાઓને ફાયદો મળશે. ખાસ કરીને Covid 19 દરમ્યાન ઘણા GSTR 4 ભરવાના બાકી રહી ગયા હોવાના સમાચાર મળી રહે છે. જો આ રાહતનો લાભ 30 જૂન સુધી લેવામાં ના આવે તો કરદાતા ઉપરઆ લેઇટ ફી 2000/- ભરવાની જવાબદારી લાગુ થઈ જશે.

જી.એસ.ટી. હેઠળ કંપોઝીશન સિવાયના કરદાતાઑ માટે વાર્ષિક રિટર્ન ભરવાની લેઇટ ફી માં આપવામાં આવી રાહત

કરદાતાઓના જૂના બાકી GSTR 9 એટ્લે કે વાર્ષિક રિટર્ન માટે પણ લેઇટ ફી માં મોટી રાહતો આપવામાં આવી છે. નાણાકીય વર્ષ 2017 18 થી માંડી નાણાકીય વર્ષ 2021 22 સુધીના કોઈ પણ બાકી GSTR 9 કરદાતાને ભરવાના બાકી હોય તો આ રિટર્ન માટેની મહત્તમ લેઇટ ફી 20000/- કરી આપવામાં આવી છે. મોટા કરદાતાઓ માટે આ પણ એક મોટી રાહત છે જ્યારે નાના કરદાતા માટે જૂના વાર્ષિક રિટર્ન ભરવામાં કોઈ વિશેષ લાભ આપવામાં આવ્યો નથી. જો કે કરદાતાઓએ આ જૂના રિટર્ન માટે આ નોટિફીકેશન નો ફાયદો લેવા પોતાના બાકી રિટર્ન 01 એપ્રિલ 2023 થી માંડી 30 જૂન 2023 સુધીમાં ભરી આપવાના રહેશે. કંપોઝીશન સિવાયના કરદાતા માટે વાર્ષિક રિટર્ન 30 જૂન પછી ભરવામાં આવશે તો આ લેઇટ ફીની રકમમાં ખૂબ મોટો વધારો થઈ જશે.

જી.એસ.ટી. નોંધણી દાખલો રદ્દ કરાવવા સમયે ભરવાના થતાં GSTR 10 ફોર્મની લેઇટ ફી માં મોટી રાહત:

જી.એસ.ટી. કાયદા હેઠળ કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઓ સિવાયના કોઈ પણ કરદાતા પોતાનો જી.એસ.ટી. નંબર રદ્દ કરાવે અથવા તો જી.એસ.ટી. અધિકારી દ્વારા કરદાતાનો નોંધણી દાખલો રદ્દ કરી આપવામાં આવે ત્યારે કરદાતા દ્વારા પોતાના સ્ટોકની વિગતો આપતું ફોર્મ GSTR 10 માં ભરવાનું રહે છે. આ ફોર્મ ઘણા કરદાતાઓ ભરવાનું ચૂકી ગયા હતા. આ કારણે તેઓ 10000 જેવી માતબર લેઇટ ફી ભરવા જવાબદાર બની જતાં હતા. NIL ડેટા સાથેના આ ફોર્મ ભરવા ઉપર પણ 10000 જેવી લેઇટ ફી લાગુ પડતી હતી. આ અંગે રાહતો આપી કરદાતાને આ બાકી ફોર્મ ભરવાની લેઇટ ફી મહત્તમ 1000/- કરી આપવામાં આવી છે. જો કે કરદાતાઓએ આ જૂના રિટર્ન માટે આ નોટિફીકેશનનો ફાયદો લેવા પોતાના બાકી રિટર્ન 01 એપ્રિલ 2023 થી માંડી 30 જૂન 2023 સુધીમાં ભરી આપવાના રહેશે. 30 જૂન બાદ જો આ GSTR 10 ના જૂના ફાઇનલ રિટર્ન ભરવામાં આવે તો કરદાતાને 10000/- ની લેઇટ ફી ભરવા પાત્ર બનશે.

રિટર્ન ના ભરવાના કારણે રદ્દ થયેલ નોંધણી દાખલો ફરી ચાલુ કરાવવા આપવામાં આવી તક!!

જી.એસ.ટી. હેઠળ કલમ 29 હેઠળ રિટર્ન ના ભરવાના કારણે જી.એસ.ટી. નોંધણી દાખલો રદ્દ થયો હોય તેવા કરદાતા માટે મહત્વની રાહત જાહેર કરવામાં આવી છે. 31.12.2022 સુધી આ પ્રકારે રદ્દ થયેલ નોંધણી દાખલો કરદાતા ફરી પુનઃજીવિત કરી શકશે તે અંગેનું નોટિફિકેશન 03/2023, તા.31.03.2023 બહાર પાડી આ રાહતો આપવામાં આવી છે. કરદાતા કે જેઓનો નોંધણી દાખલો રદ્દ થઈ ગયેલ છે અને તેઓ આ નોંધણી દાખલો પુનઃજીવિત કરવા સમયસર અરજી કરી શક્યા નથી તેઓ હવે 30 જૂન 2023 સુધીમાં નોંધણી દાખલો પુનઃજીવિત કરવા અરજી કરી શકશે. આ અરજી કરતાં પહેલા કરદાતાએ પોતાના નોંધણી નંબર રદ થયો છે ત્યાં સુધીના બાકી રિટર્ન લેઇટ ફી અને વ્યાજ સાથે ભરી આપવાના રહેશે. એવા કરદાતાઓ કે જેઓ એ અગાઉ રિવોકેશનની અરજી કે અપીલ કરેલ હોય અને તે સમયમર્યાદાના કારણે રદ્દ થયેલ હોય તેવા કરદાતાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે. જી.એસ.ટી. નોંધણી દાખલો રદ થયાના કારણે તકલીફ ભોગવતા કરદાતાઓ માટે આ મોટા રાહતના સમાચાર છે. 30 જૂન પછી આ રદ્દ થયેલ નંબર પુનઃજીવિત કરવાનો કોઈ વિકલ્પ રહેશે નહીં.

ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે કે નહીં તે બાબતે રહે છે મોટો પ્રશ્ન???

જી.એસ.ટી. હેઠળ કસૂરદાર કરદાતાને રિવોકેશન જેવી મોટી રાહત તો ચોક્કસ આપવામાં આવેલ છે પરંતુ આ પ્રકારે રિવોકેશન ફાઇલ કરી નોંધણી દાખલો પુનઃજીવિત કરનાર કરદાતાને તેની ક્રેડિટ મળશે કે ક્રેડિટ અંગે પ્રશ્નો ઊભા કરવામાં આવશે તે એક મહત્વનો પ્રશ્ન બની રહ્યો છે. કર નિષ્ણાંતો માને છે કે આ બાબતે જો ખુલાસો કરી કરદાતાને રાહત આપવામાં આવી હોત તો વધુ કસૂરદાર  વેપારીઓ લાભ લઈ શક્યા હોય તેવી શક્યતા નકારી શકાય નહીં.

કરદાતાઓને આપવામાં આવેલ આ રાહતોનો લાભ લઈ કરદાતા પોતે ભૂતકાળમાં કરેલ ચૂકને સુધારી શકશે અને જી.એસ.ટી. હેઠળ ફરી નિયમિત કરદાતા બની શકે તે માટેની ઉત્તમ તક આપવામાં આવેલ છે. આ રાહતનો લાભ કસૂરદાર કરદાતાઓએ ચોક્કસ લેવો જોઈએ.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા. 26.06.2023 ના રોજ પ્રકાશિત થયેલ છે.)

error: Content is protected !!
18108