ફરજિયાત જમીન સંપાદનની આવક ઉપર ઇન્કમ ટેક્સ લાગે નહીં: ITAT Patna

Spread the love
Reading Time: < 1 minute

તા. 14.09.2022: ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT), પટના બેન્ચે એક મહત્વનો આદેશ કરતાં ઠરાવ્યું છે કે આવકવેરા અધિનિયમ, 1961 ની જોગવાઈઓ અનુસાર સરકાર દ્વારા જમીનના ફરજિયાત સંપાદન માટે વળતર ચૂકવવામાં આવ્યું હોય તેના ઉપર આવકવેરો લાગુ થતો નથી. કરદાતા સુરેશ પ્રસાદને ફરજિયાત જમીન સંપાદન પેટે રૂ. 3,68,19,767/- નું વળતર મળ્યું હતું. કરદાતા દ્વારા પ્રથમ એ રજૂઆત કરવામાં આવી હતી કે તેઓની જમીન ગ્રામ્ય વિસ્તારની ખેતીની જમીન છે અને ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 2(14) હેઠળ કેપિટલ એસેટ ગણાય નહીં. કરદાતાની આ રજૂઆત પુરાવાના અભાવે માન્ય રહી ના હતી. કરદાતા ઉપર જમીન સંપાદનની રકમ લાંબા ગાળાના મૂડી નફા તરીકે કરપાત્ર ગણી આકારણી આદેશ પસાર કરવામાં આવ્યો હતો. કરદાતા એ આ સામે કમિશ્નર અપીલમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. આ અપીલ કરદાતાની તરફેણમાં આવી હતી. કમિશ્નર અપીલના આદેશ સામે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા ઇન્કમ ટેક્સ અપેલેટ ટ્રિબ્યુનલમાં (ITAT) અપીલ દાખલ કરવામાં આવી હતી.  કરદાતા તરફે CBDT ના સર્ક્યુલર 36/2016, તા 25.10.2016 ટાંકીને એવી દલીલ કરવામાં આવી હતી કે ખેતીની જમીન હોય કે ખેતી સિવાયની જમીન, ફરજિયાત જમીન સંપાદનના કિસ્સામાં ટેક્સ લાગી શકે નહીં. શ્રી સંજીવ શર્મા , ન્યાયિક સભ્ય તથા મનીષ બોરડ, એકાઉન્ટ સભ્યની બનેલી બેન્ચ દ્વારા કરદાતાની આ દલીલ સ્વીકારી ઠેરવ્યું હતું કે ફરજિયાત જમીન સંપાદન થતી મિલ્કત ઉપર CBDT ના સર્ક્યુલર 36/2016 તથા RFCTLARR Act ધ્યાને લઈ કોઈ ટેક્સ લાગી શકે નહીં. ITAT પટના બેન્ચનો આ ચુકાદો કરદાતાઓને ઘણો ઉપયોગી બની શકે છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

 

error: Content is protected !!