રાજસ્થાનમાં માલના હેરફેર માટે ઇ વે બિલની મર્યાદા 50 હજારથી વધારી 1 લાખ કરવામાં આવી. શું ગુજરાત જેવા રાજ્યો કરશે અનુકરણ???
રાજસ્થાનમાં 01 એપ્રિલથી રાજ્યમાં થતી હેરફેર માટે 1 લાખ સુધીના માલ માટે નહીં જોઈએ ઇ વે બિલ! ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ તરફ એક વધુ કદમ
તા. 01.04.2021: રાજસ્થાન સરકાર દ્વારા SGST હેઠળ ઇ વે બિલની મર્યાદા 01 એપ્રિલ 2021 થી વધારવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ વેપારીએ 1 લાખ સુધીના માલની હેરફેર જ્યારે રાજસ્થાન રાજ્યમાં જ થતી હોય ત્યારે ઇ વે બિલ બનાવવું ફરજિયાત રહેશે નહીં. આ નિયમ જો કે તમામ પ્રકારના તમાકુ, ખૈની, સીગરેટ, બીડી જેવા (પ્રકરણ 24) તથા પણ મસાલા (ટેરિફ હેડિંગ 2106) ને લાગુ પડશે નહીં. “વન નેશન વન ટેક્સ” ના મૂળભૂત સિદ્ધાંતને અનુસરીને અમલમાં આવેલ જી.એસ.ટી. હેઠળ હવે ધીમે ધીમે રાજ્યો અલગ અલગ નિયમો બનાવી રહ્યા છે. રાજસ્થાન રાજ્ય સરકારનું આ પગલું ધંધાકીય સગવડ વધારવા ચોક્કસ સારું ગણાય પરંતુ આમ થવાથી જી.એસ.ટી. ના “વન નેશન વન ટેક્સ” ના મૂળભૂત હેતુને ચોક્કસ ખરાબ અસર પડી શકે છે તેવું જાણકારો માની રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.