જંત્રીના દર વધે પછી સ્ટેમ્પ ડ્યૂટી તો ઠીક ઇન્કમ ટેક્સ પણ વધુ ભરવાનો થઈ શકે છે!!!

Spread the love
Reading Time: 3 minutes

જંત્રીના દર 15 એપ્રિલથી વધી રહ્યા છે. જૂના જંત્રી દરે જૂના સોદાના દસ્તાવેજ કરી લેવામાં આવે તે છે ખૂબ જરૂરી!!

તા. 27.02.2023: ગુજરાત રાજ્યમાં જંત્રીના દરમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ વધારો 04 ફેબ્રુઆરીએ અચાનક લાગુ કરી આપવામાં આવ્યો હતો. આ જંત્રીના નવા દરો અચાનક લાગુ કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં ખૂબ ઉહાપોહ ઊભો થયો હતો. આ ઉહાપોહને ધ્યાને લઈ જંત્રીના આ નવા દરોના અમલ 15 એપ્રિલ 2023 સુધી મોકૂફ રાખવામા આવ્યા છે. આમ, 15 એપ્રિલ 2023 થી સમગ્ર રાજ્યમાં જંત્રીમાં નવા દરો લાગુ થઈ જશે. હાલ પ્રવર્તમાન જંત્રીના દરો કરતાં આ નવા જંત્રીના દરો ખૂબ વધારે છે. જંત્રીના આ નવા દરો લાગુ થશે ત્યારે ખરીદનાર તથા વેચનાર માટે સ્ટેમ્પ ડ્યૂટી તથા નોંધણી ફી માં તો મોટો માર પડશે જ પરંતુ આ સાથે ખરીદનાર અને વેચનારના ઇન્કમ ટેક્સ પ્લાનિંગમાં પણ ઘણો ફેરફારો થશે. આમ, જે વ્યક્તિઑના જૂના સોદા ખરીદનાર અને વેચનાર વચ્ચે થઈ ગયા હોય તેવા સંજોગોમાં જૂની જંત્રીના દરે આ દસ્તાવેજોની નોંધણી કરવી લેવામાં આવે તે ખરીદનાર અને વેચનાર બન્ને માટે ખાસ જરૂરી છે.

જંત્રીના નવા દરો લાગુ થતાં વધુ ભરવી પડશે સ્ટેમ્પ ડ્યૂટી!!

ગુજરાત રાજ્યમાં નવા જંત્રીના દરો લાગુ થતાં સામાન્ય રીતે ખરીદનાર દ્વારા ભરવાની થતી સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની જવાબદારીમાં વધારો થશે તે બાબત ચોક્કસ છે. આ ઉપરાંત અવેજની વધુ રકમ થતાં ખરીદનાર વધુ રજીસટ્રેશન ફી ચૂકવવા પણ જવાબદાર બનશે. જો કે બજેટમાં સ્ટેમ્પ ડ્યૂટીનો દર ઘટાડવામાં આવશે તેવું ચોક્કસપણે માનવમાં આવી રહ્યું છે.

વેચનારની વધી જશે ઇન્કમની જવાબદારી!!

જંત્રીમાં વધારો થતાં ઇન્કમ ટેક્સ હેઠળ પણ વેચનારની ઇન્કમ ટેક્સ ભરવાની જવાબદારીમાં પણ વધારો થઈ શકે છે. ઇન્કમ ટેક્સની કલમ 50C ની જોગવાઈ હેઠળ કોઈ પણ સ્થાવર મિલ્કતના વેચાણ સંદર્ભે અવેજની રકમ પ્રવર્તમાન જંત્રીના દર કરતાં ઓછી હોય શકે નહીં. અવેજની રકમ જો પ્રવર્તમાન જંત્રીથી ઓછી દર્શાવવામાં આવેલ હોય તો કરદાતાએ પોતાની ટેક્સની જવાબદારી તો જંત્રીની કિંમત પ્રમાણે ભરવાની રહે છે.

ઉદાહરણ

શ્રી અમદાવાદીએ 01 જાન્યુઆરી 2023 ના રોજ શ્રી મુંબાઇકર પાસેથી એક વડોદરા ખાતેનું એક રહેણાંકી મકાન 50 લાખમાં ખરીદેલ છે. આ મકાનની જંત્રી સોદાના દિવસે 50 લાખ છે. પરંતુ આ દસ્તાવેજ શ્રી અમદાવાદી તથા શ્રી મુંબાઇકર દ્વારા આ સોદા અંગેનો દસ્તાવેજ 15 એપ્રિલ બાદ કરવવામાં આવે છે. 15 એપ્રિલ બાદ આ મિલ્કતની જંત્રી કિંમત 1 કરોડ થઈ ગઈ છે. હવે આવા સંજોગોમાં ભલે ખરીદનાર તથા વેચનારનો રહેણાંકી મકાનનો સોદો 50 લાખમાં થયેલ છે પરંતુ ઇન્કમ ટેક્સ કાયદાની જોગવાઈ હેઠળ 1 કરોડની રકમ ઉપર વેચનાર ઇન્કમ ટેક્સ ભરવા જવાબદાર બની શકે છે.

ખરીદનાર માટે થઈ શકે છે વધુ રકમ અવેજ તરીકે દર્શાવવાની જવાબદારી:

જંત્રીમાં વધારો થતાં સ્થાવર મિલ્કત વેચનાર વ્યક્તિતો વધુ ટેક્સનો ભોગ બનશે જ પરંતુ તેની બીજી અસર ખરીદનાર ઉપર પણ થશે. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 56 હેઠળ ખરીદનાર પણ જંત્રીના પ્રવર્તમાન દરે અવેજ દર્શાવવા જવાબદાર બને છે. જો તેઓ અવેજ જંત્રીના મૂલ્ય કરતાં ઓછો દર્શાવશે તો આ તફાવતની રકમ વેચનાર તરફથી ખરીદનારને “ગિફ્ટ” મળી છે તેમ માની લેવામાં આવશે અને આ તફાવત ઉપર ખરીદનાર પણ ઇન્કમ ટેક્સ ભરવા જવાબદાર બનશે.

ઉદાહરણ

શ્રી અમદાવાદીએ 01 જાન્યુઆરી 2023 ના રોજ શ્રી મુંબાઇકર પાસેથી એક વડોદરા ખાતેનું એક રહેણાંકી મકાન 50 લાખમાં ખરીદેલ છે. આ મકાનની જંત્રી સોદાના દિવસે 50 લાખ છે. પરંતુ આ દસ્તાવેજ શ્રી અમદાવાદી તથા શ્રી મુંબાઇકર દ્વારા આ સૌદા અંગેનો દસ્તાવેજ 15 એપ્રિલ બાદ કરવવામાં આવે છે. 15 એપ્રિલ બાદ આ મિલ્કતની જંત્રી કિંમત 1 કરોડ થઈ ગઈ છે. હવે આવા સંજોગોમાં ભલે ખરીદનાર તથા વેચનારનો રહેણાંકી મકાનનો સોદો 50 લાખમાં થયેલ છે પરંતુ ઇન્કમ ટેક્સ કાયદાની જોગવાઈ હેઠળ 1 કરોડની રકમ અવેજની રકમ હોવી જરૂરી છે અને જો ખરીદનાર અવેજની રકમ 50 લાખ જ દર્શાવે તો બાકીના 50 લાખ એ વેચનાર તરફથી ખરીદનારને ગિફ્ટ મળી છે તેમ માની લેવામાં આવે છે.

આ તકલીફો થી બચવાના છે આ રસ્તા

ઘણીવાર ખરીદનાર તથા વેચનાર જંત્રીની નવી કિંમતો લાગુ થયા પહેલા દસ્તાવેજ નોંધણી કરાવવા અસમર્થ હોય ત્યારે તેઓના માટે આ અમુક પગલાં લેવામાં આવે તે ખૂબ જરૂરી છે. જે કિસ્સાઑમાં ખરીદનાર તથા વેચનાર વચ્ચે કરારની તારીખ અને દસ્તાવેજ નોંધણીની તારીખ અલગ અલગ હોય અને બન્ને તારીખો વચ્ચે જંત્રીના દરોમાં ફેરફાર હોય તેવા સંજોગોમાં જો ખરીદનાર દ્વારા વેચનાર વચ્ચે કરાર લેખિતમાં કરવામાં આવ્યો હોય અને અવેજની સંપૂર્ણ રકમ અથવા અંશતઃ રકમ એકાઉન્ટ પેયી ચેક દ્વારા કરવામાં આવેલ હોય ત્યારે કરદાતાને જૂના જંત્રી દરોનો લાભ મળી શકે છે.

હવે જ્યારે જંત્રીના દરોમાં જંગી વધારો થવા જઇ રહ્યો છે ત્યારે ખરીદનાર અને વેચનાર દ્વારા શક્ય હોય ત્યાં સુધી દસ્તાવેજની નોંધણી 15 એપ્રિલ પહેલા કરી આપવામાં આવે તે જરૂરી છે. કોઈ સંજોગોમાં આ દસ્તાવેજની નોંધણી 15 એપ્રિલ પહેલા ના થાય તો પણ આ અંગેનો લેખિત કરાર કરી અવેજની રકમ ચેકથી કરી આપે તે ચોક્કસ જરૂરી છે.

error: Content is protected !!