સિનિયર સીટીઝનને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માંથી મુક્તિ… But Condition Applied**
માત્ર 75 વર્ષ કે તેથી ઉપરના સિનિયર સીટીઝનને લાગુ પડે છે આ રિટર્ન મુક્તિનો નિયમ, એ પણ વિવિધ શરતોને આધીન!!
તા 04.09.2021: નાણામંત્રી નિર્મલા સિથારમણ દ્વારા બજેટ 2021 માં સિનિયર સીટીઝનને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાંમાં રાહત આપવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ 194P ની કલમ દાખલ કરવામાં આવી હતી. આ કલમ હેઠળ ખાસ નિયત કરવામાં આવેલ સિનિયર સીટીઝન દ્વારા નિયત કરવામાં આવેલ બેન્કોને પોતાની સંપૂર્ણ આવક નિર્દિષ્ટ ફોર્મ ભરી દર્શાવી આપવામાં આવે અને આ સૂચિત બેન્કો દ્વારા આ સંપૂર્ણ આવક ઉપર TDS કાપવામાં આવે તેવા સંજોગોમાં સિનિયર સીટીઝનને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાંથી મુક્તિઆપવામાં આવેલ છે. આ ખાસ નિયત કરેલ સિનિયર સીટીઝન એટ્લે એવા સિનિયર સીટીઝન કે જેમની ઉમર 75 વર્ષ કે તેથી કરતાં વધુ હોય. સ્પેસિફાઇડ બેન્ક પણ કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત કરવામાં આવશે. 2 સપ્ટેમ્બર 2021ના રોજ ઇન્કમ ટેક્સનું નિયમન કરતી સંસ્થા સેન્ટરલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા આ નિયમો હેઠળ સિનિયર સીટીઝન દ્વારા બેન્કને આપવા માટેના ફોર્મ સૂચિત કરવામાં આવ્યા છે. ઇન્કમ ટેક્સ નિયમ 26D ઉમેરવામાં આવ્યો છે જેના દ્વારા આ ઇન્કમ ટેક્સ રિટર્ન મુક્તિનો લાભ લેવા માંગતા કરદાતાઓ એ બેન્કને ફોર્મ 12BBA ભરીને આપવાનું રહેશે જેમાં કરદાતા દ્વારા પોતાની જે તે બેન્ક સિવાય અન્ય આવક અને રોકાણની માહિતી પુરાવા સાથે આપવાની રહેશે. આ માહિતી ઉપરથી નિયત કરેલ બેન્ક સીટીઝનને ફોર્મ 16 આપશે અને ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ આ નિયત સિનિયર સીટીઝન દ્વારા ભરવાનો ટેક્સ કાપી ઇન્કમ ટેક્સમાં જમા કરાવશે. નિયત કરેલ બેન્ક દ્વારા સિનિયર સીટીઝન દ્વારા આપવામાં આવેલ આ ફોર્મ તથા તેના આધાર સાચવવાના રહેશે અને યોગ્ય સત્તાધિકારીને જ્યારે તેમના દ્વારા આ વિગતોની માંગવામાં આવે તો પૂરી પાડવાની રહેશે.
સિનિયર સીટીઝનને ઇન્કમ ટેક્સ રિટર્ન માં આપવામાં આવેલ મુક્તિના સમાચારો એ ખૂબ ચર્ચા જગાવી હતી. સિનિયર સીટીઝન આ સમાચાર વાંચી ખૂબ ખુશ થયા હતાં. પરંતુ જેમ જેમ આ અંગે વિગતો બહાર આવતી ગઈ છે તેમ આ મુક્તિ ખરેખર જમીની સ્તરે વધુ ઉપયોગી નહીં બને તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. આ અંગે વાત કરતાં જેતપુરના જાણીતા ટેક્સ એડવોકેટ લલિત ગણાત્રા જણાવે છે કે “આ પ્રકારે ફોર્મ ભરી બેન્કને પુરાવા રજૂ કરવાની વિધિ કરતાં કદાચ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું સિનિયર સીટીઝનને વધુ સરળ લાગશે. બેન્ક ઉપર પણ આ વધારાની જવાબદારી આવશે અને એવી શક્યતા પણ નકારી શકાય નહીં કે જ્યાં બેન્કો આ પ્રકારે 75 વર્ષ કે તેથી વધુ ઉપરના સિનિયર સીટીઝનના ખાતા શક્ય એટલા ઓછા પ્રમાણમા ખોલવાની નીતિ પણ અપનાવી શકે તેવી શક્યતા નકારી શકાય નહીં. જમીની સ્તરે આ નિયમોનો ફાયદો ખૂબ ઓછા પ્રમાણમા થશે તેવું હું માનું છું.” આમ, ઇન્કમ ટેક્સ રિટર્નમાં સિનિયર સીટીઝનને આપવામાં આવેલ મુક્તિનો લાભ જમીની સ્તરે મોટા પ્રમાણમા મળે તેવી શક્યતા ઓછી જણાઈ રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.