વેચનાર તરીકે ઇન્કમ ટેક્સની નવી જોગવાઈથી બચવા શું મારે “Udhyam Aadhar” રદ્દ કરી નાંખવું જોઈએ?
તા. 27.02.2024
ઘણા નાના ધંધાર્થીને હાલ વેચાણમાં ઇન્કમ ટેક્સની નવી જોગવાઈના કારણે થઈ રહ્યું છે નુકસાન:
આ નિયમના કારણે ટૂંકા ગાળામાં થોડી મુશ્કેલીઓ ઊભી થશે પરંતુ લાંબા ગાળે સમગ્ર અર્થતંત્રને ફાયદો થશે: નિષ્ણાંતો
01.04.2023 થી ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ 43B(h) ની નવી જોગવાઈ લાગુ થયેલ છે. આ જોગવાઈ લાગુ થયા બાદ વેપારીઓમાં આ અંગે ઘણા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. જમીની સ્તરે તેવા પણ સમાચાર મળી રહ્યા છે કે MSE પાસેથી ખરીદી કરવાનું વેપારીઓ ટાળી રહ્યા છે અને તેના બદલે તેઓની ખરીદી મીડિયમ કે મોટા ધંધાર્થીઓ પાસેથી ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે. ઘણા નાના તથા લઘુ ધંધાર્થીઓ જેઓએ MSME કાયદા હેઠળનું ઉદ્યોગ આધાર લીધેલ છે તેઓ વેપાર ઘટવાના કારણે કે વેપાર ઘટવાના ડરના કારણે પોતાનો ઉદ્યોગ આધાર નોંધણી રદ્દ કરવી રહ્યા છે. નાના તથા લઘુ ઉદ્યોગોને મદદરૂપ જોગવાઈ હાલ તેઓના માટે મુશ્કેલ બની રહી છે તેવો અનુભવ થઈ રહ્યો છે. ગત અંકમાં ઇન્કમ ટેક્સની જોગવાઈનું ખરીદનારના દ્રસ્તિકોણના પ્રશ્નો આપવામાં આવેલ હતા. આજે આ લેખમાં વેચનારના દ્રષ્ટિકોણથી પ્રશ્નો આપવામાં આવ્યા છે.
શું ઉદ્યમ આધાર રદ્દ કરાવવું એ વેચનાર માટે સારો વિકલ્પ છે?
ના, MSME કાયદા હેઠળની મર્યાદામાં ટર્નઓવર તથા રોકાણ હોય તેવા કરદાતાએ ઉદ્યમ આધાર રદ્દ કરાવવો જોઈએ નહીં. MSME તરીકે મળી રહેલા અનેક ફાયદા આ સર્ટિફિકેટ રદ્દ કરવવામાં આવે તો મળી શકે નહીં. ઉદાહરણ તરીકે MSME ને બેન્ક લોનના કિસ્સામાં વ્યાજમાં રાહત આપવામાં આવે છે. ઘણા પ્રોજેક્ટ્સમાં ઇલેક્ટ્રીક વપરાશમાં પણ તેઓને ફાયદો આપવામાં આવે છે. અમુક કેસોમાં સબસિડી પણ આ ઉદ્યમ આધારના કારણે આપવામાં આવતી હોય છે. આ કારણે મારા મતે ઉદ્યમ આધાર હાલ ક્ષણિક પડી રહેલી વેપારની મુશ્કેલીના કારણે રદ્દ કરાવવું જોઈએ નહીં.
હું એક ટ્રેડર છું. હું કોઈ ઉત્પાદન કે સેવા સાથે સલગ્ન નથી. મારી ચુકવણી કોઈ 45 દિવસ બાદ કરે તો 43B(h) ની કલમ લાગુ પડે?
ના, ટ્રેડરને કરવામાં આવતી ચુકવણી બાબતે ઇન્કમ ટેક્સની આ નવી દાખલ કરવાની જોગવાઈ 43B(h) લાગુ પડતી નથી.
હું એક નાના કદ પર ઉત્પાદન કરતો વેપારી છું. પણ મે ઉદ્યમ આધાર કઢાવેલ નથી. શું મારી પાસેથી ખરીદી કરતાં વેપારીઓ ઉપર પણ ઇન્કમ ટેક્સ કાયદાની જોગવાઈ લાગુ પડે?
ના, MSME કાયદા હેઠળ નોંધાયેલ ના હોય તેવા વેચનાર વેપારી પાસેથી કરવામાં આવેલ ખરીદી બાબતે ઇન્કમ ટેક્સ કાયદાની 43B(h) ની જોગવાઈ લાગુ પડે નહીં.
હું MSME કાયદા હેઠળ નોંધાયેલ મીડિયમ એન્ટરપ્રાઇઝ છું. શું મારી પાસેથી કરવામાં આવેલ ખરીદી બાબતે ઇન્કમ ટેક્સની આ જોગવાઈ અસર કરે?
ના, મીડિયમ એન્ટરપ્રાઇઝ પાસેથી કરવામાં આવેલ ખરીદી બાબતે આ જોગવાઈ લાગુ પડે નહીં.
(મીડિયમ એન્ટરપ્રાઇઝ એટ્લે એવા ધંધા જેનું વાર્ષિક ટર્નઓવર 250 કરોડથી વધુ હોય અને જેમનું પ્લાન્ટ તથા મશીનરીમાં રોકાણ 50 કરોડથી વધુ હોય)
ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ હું નાના વેપારી માટેની અંદાજિત આવક યોજનાની જોગવાઈ મુજબ 8% થી વધુ નફો દર્શાવી રિટર્ન ભરું છું. શું વેચનાર તરીકે મારી પાસેથી કરવામાં આવતી ખરીદી બાબતે પણ આ નિયમ લાગુ થશે?
હા, ઇન્કમ ટેક્સ હેઠળ વેચનાર વેપારી અંદાજિત આવક યોજના હેઠળ રિટર્ન ભારે કે ના ભરે તે જોવાનું રહે નહીં. આ જોગવાઈ આવા વેપારી પાસેથી કરવામાં આવતી ખરીદી બાબતે પણ લાગુ પડે.
શું આ જોગવાઈ એ સમગ્ર વેપાર જગત માટે નુકસાનકારક છે?
ના, ઇન્કમ ટેક્સની આ નવી દાખલ કેરવામાં આવેલ જોગવાઈ ખરેખર લઘુ તથા નાના ઉદ્યોગો મતે ફાયદાકારક છે. આ જોગવાઈ દાખલ કરવાનો મુખ્ય હેતુ, શૂક્ષ્મ તથા નાના એકમોને ખરીદનાર તરફથી ચુકવણી સમયસર કરવામાં આવે તે અંગેનો છે તેવું માની શકાય. આ જોગવાઈ MSME કાયદાની જોગવાઈનો વધુ અસરકારક અમલ થઈ શકે તે સુનિશ્ચિત કરવાંનો પણ ગણી શકાય.
ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ 43B(h) ની જોગવાઈ લાગુ થઈ છે ત્યારે વેપારીઓમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે આ જોગવાઈના કારણે ધંધાને ખૂબ માઠી અસર થશે. મારૂ અંગત રીતે માનવું છે કે આ જોગવાઈ ના કારણે જો MSME કાયદાનો અમલ સારી રીતે અને ખરા અર્થમાં કરવામાં આવે તો શૂક્ષ્મ તથા નાના ઉધોગ વેપાર મતે આ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વેપારજગતમાં સૌકોઈ જાણે છે કે ઘણા ધંધા ઉદ્યોગ ઉઘરાણીના કારણે નિષ્ફળ ગયા હોય છે. રોકડ તરલતાએ માત્ર કોઈ વ્યક્તિગ્ત ધંધા માટે જ નહીં પરંતુ સમગ્ર અર્થતંત્ર માટે ફાયદાકારક સાબિત થાય તે ચોક્કસ છે.