કોચિંગ ક્લાસ સાથે સંકળાયેલા કરદાતાઓના 48 જેટલા સ્થળો ઉપર જી.એસ.ટી. ના રાજ્યવ્યાપી દરોડા

Spread the love
Reading Time: < 1 minute

રાજ્ય જી.એસ.ટી. દ્વારા 13 જેટલા કરદાતાઓના 48 જેટલા કોચિંગ સેન્ટર ઉપર તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

તા. 11.05.2022:

ગુજરાત રાજ્ય જી.એસ.ટી. દ્વારા રાજ્ય વ્યાપી ટ્યુશનની સેવા પૂરી પડી રહેલા 13 જેટલા એકમો ઉપર ગઇકાલે 10 મે 2022 ના રોજ દરોડા પાડી કરચોરી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ પૈકી મોટાભાગના સેવા કરદાતાઓ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઑની તૈયારી કરાવતા કોચિંગ સેન્ટર હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી રહી છે. આ ઉપરાંત ધોરણ 10 થી 12 ના વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવાની સેવા પૂરી પડતાં કરદાતાઓનો પણ આ દરોડામાં સમાવેશ થયો છે તેવી માહિતી આપવામાં આવી છે. આ કોચિંગ સેન્ટરોમાં વર્લ્ડ ઈનબોક્સ નોલેજ શેરિંગ પ્રા. લી. ની ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ગોધરા, આણંદ, હિમંતનગર, સુરેન્દ્રનાગર તથા રાજકોટ ખાતેના 12 સેન્ટરો, વર્ડ ઈનબોક્સ એડયું. પેપર પ્રા. લી., ભાવનગર ખાતેના 2 એકમો, વર્ડ ઈનબોક્સ એકેડમીના અમદાવાદ, રાજકોટ, ભાવનગર, હીમતનગર ખાતેના 4 સેન્ટરો, સ્વામી વિવેકાનંદ એકેડમીના ગાંધીનગર તથા ભાવનગર ખાતેના 5 એકમો, વિવેકાનંદ એકેડમીના ગાંધીનગરના 3 સેન્ટરો, કિશોર ઇન્સ્ટીટ્યુટના ગાંધીનગર ખાતેના 4 એકમ,  યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના સુરત તથા નવસારીના 5 એકમો, પાનવાલા ક્લાસીસના તથા જરીવાલા ક્લાસીસના સુરત ખાતેના અનુક્રમે 1 તથા 3 એકમો, વેબસંકુલ પ્રા. લી. ના ગાંધીનગર, અમદાવાદ, જામનગર, ભાવનગર ખાતેના કુલ 6 એકમો, જી.પી.એસ.સી. ઓનલાઈન ગાંધીનગરના 1 એકમ, વેબસંકુલ કોમ્પ્યુટર ક્લાસીસ ગાંધીનગર ખાતેના 1 એકમ તથા કોમ્પિટિટિવ કેરિયર પોઈન્ટ, જુનાગઢ ખાતેના 1 એકમ મળી કુલ 48 જેટલા સ્થળોએ એક સામટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ એકમો દ્વારા યોગ્ય રીતે જી.એસ.ટી. ભરવામાં આવી રહ્યો છે કે નહીં તે અંગે અધિકારીઓની મોટી ટિમ દ્વારા તપાસ હાથ ધરાઇ રહી છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ તપાસની કાર્યાવહી મોટાભાગના સેન્ટરોમાં સતત બીજે દિવસે પણ ચાલુ રહેશે. તપાસ પૂર્ણ થયેથી કરચોરી અંગેની વિગતો તથા આંકડા બહાર પાડવામાં આવશે. રાજ્યવ્યાપી દરોડાની કાર્યવાહીના કારણે કરચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હોવાના સમાચારો મળી રહ્યા છે. બ્યૂરો રિપોર્ટ, ટેક્સ ટુડે. 

error: Content is protected !!