આ વ્યવહારો કરો તો PAN દર્શાવવો છે ફરજિયાત!!
કરંટ એકાઉન્ટ-કેશ ક્રેડિટ એકાઉન્ટન્ટ ખોલવા માટે PAN હોવો ફરજિયાત
તા. 11.05.2022: ઇન્કમ ટેક્સ હેઠળ મહત્વનો સુધારો 10 મે 2022 ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. આ સુધારા મુજબ હવે 20 લાખ કે તેથી વધુ રકમ રોકડમાં કોઈ વ્યક્તિ પોતાના કોઈ પણ ખાતામાં નાણાકીય વર્ષ દરમ્યાન જમા કરાવે તો તેઓએ આ વ્યવહારમાં PAN દર્શાવવો ફરજિયાત બનશે. આવી જ રીતે જ્યારે કોઈ વ્યક્તિ 20 લાખ કે તેથી વધુ રકમ રોકડમાં પોતાના કોઈ પણ ખાતામાંથી ઉપાડ કરે તેવા સંજોગોમાં પણ PAN દર્શાવવો ફરજિયાત બનશે. આ ઉપરાંત સહકારી બેન્ક સહિતની કોઈ પણ બેન્કમાં કરંટ ખાતું અથવા તો કેશ ક્રેડિટ (CC) ખાતું ખોલવામાં પણ PAN ફરજિયાત જોઈશે. આ વ્યવહારો કરવાના હોય તેવા વ્યક્તિએ આ વ્યવહાર કરવાના 7 દિવસ પહેલા PAN કાર્ડ મેળવવાની અરજી કરવાની રહેશે. આમ, હવે PAN વગર કરંટ ખાતું કે કેશ ક્રેડિટ ખાતું ખોલવવું શક્ય બનશે નહીં. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ પોતાના બેન્ક ખાતામાં 20 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવે કે ઉપાડ કરે તો PAN વગર આ વ્યવહારો કરી શકશે નહીં. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.