ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશન આવ્યું કરદાતાની વહારે: નોટિસો બાબતે સ્ટેટ જી.એસ.ટી. ના ઉચ્ચ અધિકારી સાથે કરી મુલાકાત

Spread the love
Reading Time: 2 minutes

છેલ્લા 3 દિવસથી મોટા પ્રમાણમા કરદાતાઓને આપવામાં આવતી નોટિસ બાબતે ચીફ કમિશ્નરશ્રી સમીર વકીલ સાથે કરી મુલાકાત:

કાયદાકીય રીતે અયોગ્ય તથા હકીકતોના આધારે ભૂલ ભરેલી નોટિસો કરવામાં આવશે ડ્રોપ: રાજ્ય જી.એસ.ટી. 

તા. 30.09.2023: છેલ્લા ત્રણ દિવસથી રાજ્યભરના કરદાતાઓને મોટા પ્રમાણમા 2017 18 માટેની નોટિસો પાઠવવામાં આવી રહી છે. જાણવા મળતી માહિતી પ્રમાણે સમગ્ર રાજ્યમાં 21 હજાર જેટલી નોટિસો 30 સપ્ટેમ્બર સુધીમાં આપવામાં આવનાર છે. મોટા પ્રમાણમા નોટિસો આપવામાં આવતા કરદાતાઓમાં ભય અને રોષની લાગણી પ્રસરી હોવાના અહેવાલો બહાર આવી રહ્યા હતા. આ બાબતની મહત્વતા સમજી ગુજરાતના જી.એસ.ટી. પ્રેકટિશનર્સના સૌથી મોટા એસોસીએશન એવા ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશન દ્વારા તાત્કાલિક ધોરણે રાજ્ય જી.એસ.ટી. ના ઉચ્ચ અધિકારીઓ સાથે આ મુદ્દે બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્ય જી.એસ.ટી. વતી ચીફ કમિશ્નર શ્રી સમીર વકીલ, એડિશનલ કમિશ્નર શ્રી કિરણ ઝવેરી અને તેમની ટિમ સાથે ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોના પ્રમુખ શ્રી જયેશ શાહ તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં લાંબી ચર્ચાના અંતે અધિકારીઓ દ્વારા સંસ્થાને વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે કાયદાકીય રીતે સાચી ના હોય તેવી તથા તથ્યોમાં ભૂલ હોય તેવી નોટિસો રદ (ડ્રોપ) કરવા એક SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર) ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત અગાઉ જે મુદાઑ ઉપર ASMT 10 અથવા ઓડિટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ હોય તેવા કેસોમાં પણ આ નોટિસ અથવા તો જે તે મુદ્દા ડ્રોપ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા સરળ રીતે પૂર્ણ કરવામાં આવશે તેવું આશ્વાસન મિટિંગમાં ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓએ સંસ્થાને આપવામાં આવ્યું હતું. કાયદાકીય પ્રક્રિયામાં સાથ આપવા રાજ્ય જી.એસ.ટી. દ્વારા સંસ્થાને અપીલ કરવામાં આવી હતી. બેઠક અંદાજે દોઢ કલાક સુધી ચાલી હતી જે બાદ સંસ્થાના પ્રમુખ શ્રી જયેશ શાહ દ્વારા બેઠક ખૂબ હકારાત્મક રહી હોવાની માહિતી આપી હતી. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે 

error: Content is protected !!