જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા રાજયમાં વર્ષ 2017-18 માટે 30 સપ્ટેમ્બર સુધી આપવામાં આવી રહી છે અધધ 21000 જેટલી નોટિસો!!!

Spread the love
Reading Time: < 1 minute

કરદાતાઓમાં ચર્ચતો પ્રશ્ન: શું તમને નોટિસ મળી???

તા. 29.09.2023: રાજ્ય જી.એસ.ટી. દ્વારા નાણાકીય વર્ષ 2017-18 માટે અધધ 21 હજાર જેટલી નોટિસો આપવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ નોટિસો 30 સપ્ટેમ્બર સુધીમાં આપવામાં આવનાર છે. આમ, એક કે બે દિવસમાં આ તમામ નોટિસો ઇ મેઈલ દ્વારા કરદાતાઓને આપી દેવામાં આવશે. આ નોટિસોમાં ખૂબ મોટા પ્રમાણમાં એવી નોટિસો આપવામાં આવી છે જ્યારે કરદાતાએ કરપાત્ર સાથે કરમુક્ત વસ્તુ કે સેવાની સપ્લાય પણ કરેલ હોય. આ નોટિસોમાં ઘણા પેટ્રોલ પંપનો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં મહત્તમ વેચાણ નોન જી.એસ.ટી. માલ જેવા કે પેટ્રોલ, ડીઝલ નું થયેલ હોય અને કરદાતા દ્વારા આ નોન જી.એસ.ટી. માલની ક્રેડિટ લેવામાં આવેલ જ નથી અથવાતો ક્રેડિટ રિટર્નમાં દર્શાવી તેને રિવર્સ કરેલ છે. આ નોટિસો સિસ્ટમ જનરેટેડ ઊભી થયેલ હોય, માનવીય વિચારશક્તિનો ઉપયોગ કર્યા વગર આપવામાં આવ્યો હોય તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.  આ નોટિસનો જવાબ આપવા માટે 1 મહિના જેવી મુદત આપવામાં આવેલ છે. આ નોટિસનો જવાબ ના આપવામાં આવે તો કરદાતા સામે વસૂલાત (રિકવરી) ની વિધિ શરૂ કરવામાં આવી શકે છે. માટે આ નોટિસની ગંભીરતા સમજી જવાબ આપવો ખૂબ જરૂરી છે. આટલા મોટા પ્રમાણમા નોટિસો આપવામાં આવતા કરદાતાઓમાં એ પ્રશ્ન સામાન્ય બની ગયો છે કે શું તમને નોટિસ આવી??. આવી જ રીતે ટેક્સ પ્રોફેશનલ્સમાં એ પ્રશ્ન સામાન્ય બની ગયો છે કે તમારે કેટલાં અસીલોમાં નોટિસ આવી?? ખૂબ ટૂંકા ગાળામાં આ નોટિસો આટલા મોટા પ્રમાણમા આવતા કરદાતાઓમાં ભયનો માહોલ ઊભો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. પ્રતિક મિશ્રાણી, જુનાગઢ, ટેક્સ ટુડે

error: Content is protected !!