કરદાતા માટે આંધ્રપ્રદેશ હાઇકોર્ટનો આ ચુકાદો ઊભી કરી શકે છે સમસ્યા!!

Spread the love
Reading Time: 3 minutes

જી.એસ.ટી. હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ માંગવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ થાય ના મંજૂર: આંધ્ર પ્રદેશ હાઇકોર્ટ

આંધ્ર પ્રદેશ હાઇકોર્ટ દ્વારા જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) ને ગણાવી બંધારણની દ્રષ્ટિએ વૈધ

તા. 23.08.2023: જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) હેઠળ કોઈ પણ નાણાકીય વર્ષની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પછીના વર્ષના 30 નવેમ્બર સુધી ભરવામાં આવતા જી.એસ.ટી.આર. 3B દ્વારા માંગી શકાય છે. આ સમય મર્યાદામાં વધારો બજેટ 2022 દ્વારા કરવામાં આવ્યો હતો. આ સુધારા પહેલા એવો નિયમ હતો કે કોઈ પણ નાણાકીય વર્ષની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પછીના વર્ષના સપ્ટેમ્બર મહિનાના રિટર્ન ભરવાની મુદત સુધીમાં માંગવાની રહેતી હતી. આ જૂના નિયમ મુજબ સામાન્ય રીતે 20 કે 22 ઓક્ટોબર સુધી ભરવામાં આવતા GST રિટર્નમાં ક્લેઇમ કરવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ કરદાતાને મળતી હતી.  જી.એસ.ટી. કાયદાની આ જોગવાઈની બંધારણીય વૈધતાને ગુજરાત હાઇકોર્ટ સહિત દેશની ઘણી હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. આ જોગવાઈની બંધારણીય વૈધતા પડકારતા કેસો આંધ્ર પ્રદેશ હાઇકોર્ટ સિવાય પણ ગુજરાત સહિતની ઘણી હાઇકોર્ટમાં ચાલુ છે તેવી માહિતી મળી છે.

આ પ્રકારના એક કેસમાં આંધ્ર પ્રદેશ હાઇકોર્ટ દ્વારા કરદાતાની વિરુદ્ધનો ચુકાદો આપવામાં આવ્યો છે. થિરૂલાકોંડા પ્લાયવૂડ વી. આસી. કમિશ્નર સ્ટેટ ટેક્સ, રીટ પિટિશન 24235/2022 ના કેસમાં ચુકાદો આપતા હાઇકોર્ટ દ્વારા ઠરાવવામાં આવ્યું છે કે જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) બંધારણીય રીતે યોગ્ય છે. કરદાતા દ્વારા કોર્ટ પાસે એવી પણ દાદ માંગવામાં આવેલ હતી કે જી.એસ.ટી. કાયદા હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાની પ્રાથમિક શરતો જે કલમ 16(2) માં છે તે જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) થી ઉપરવટ ગણાય અને કરદાતા દ્વારા જ્યારે 16(2) ની પ્રાથમિક શરતો પૂર્ણ કરેલ હોય ત્યારે 16(4) ની સમયમર્યાદાનો બાધ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવામાં અસર કરે નહીં. આ બાબતે ચુકાદો આપતા હાઇકોર્ટ દ્વારા ઠરાવવામાં આવ્યું હતું કે જી.એસ.ટી. કાયદાની કલમ 16(2) અને કલમ 16(4) એ એકબીજા સાથે વાંચવી જરૂરી છે અને કલમ 16(2) એ કલમ 16(4) થી ઉપરવટ છે તેમ ગણી શકાય નહીં. કરદાતાએ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવા જી.એસ.ટી. કાયદાની કલમ 16(2) ની શરતો તો પૂર્ણ કરવી રહે જ પરંતુ 16(4) ની સમયમર્યાદા પણ જાળવવી પડે. કરદાતા દ્વારા વધુમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે જ્યારે જી.એસ.ટી. હેઠળના રિટર્ન લેઇટ ફી સાથે સ્વીકારવામાં આવ્યા હોય ત્યારે કલમ 16(4) ની મર્યાદા દૂર થઈ હોવાનું ગણવું જોઈએ. આ બાબતે પણ કરદાતા વિરુદ્ધ ઠરાવતા આંધ્ર પ્રદેશ હાઇકોર્ટ દ્વારા ઠરાવવામાં આવ્યું હતું કે લેઇટ ફી એ સંપૂર્ણપણે અલગ બાબત છે. આ લેઇટ ફી ભરવાથી સમયમર્યાદાનો બાધ દૂર થાય નહીં.

હાલ ચાલી રહેલી “એમ્નેસ્ટી સ્કીમ” ની અસરકારકતા ઉપર પણ ઉઠશે સવાલ!!

જી.એસ.ટી. હેઠળ જે કરદાતાઓના નોંધણી દાખલા રદ્દ થયેલ છે તેના માટે ખાસ “એમનેસ્ટી સ્કીમ” માફી યોજના લાગુ કરેલ છે. જે કરદાતાઓનો નોંધણી દાખલો રિટર્નના ભરવાના કારણે રદ્દ કરવામાં આવ્યો હોય અને તેઓની રિવોકેશન કરવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોય તેવા વેપારીઓ પોતાના રદ્દ થયેલ જી.એસ.ટી. નંબર પુનઃજીવિત કરવી શકે છે. આ યોજનાના કારણે ઘણા વેપારીઓને ફાયદો થશે તેવું માનવમાં આવી રહ્યું હતું. પરંતુ જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) ના મુદ્દા ઉપર આ પ્રકારે હાઇકોર્ટનો ચુકાદો આવતા આ પ્રકારના વેપારીઓને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળશે કે નહીં તે અંગે વીકટ પ્રશ્ન ઊભો થઈ ગયો છે.  આ પ્રકારે માફી યોજનાનો લાભ લઈ કરદાતા પોતાના જી.એસ.ટી. નંબર ફરી ચાલુ કરાવે તો પણ જો એમને પોતાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ના મળે તો આવા વેપારી ઉપર ગંભીર આર્થિક બોજ ઊભો થઈ જાય તે સ્વાભાવિક છે.

કરદાતાઓને “સિમલેસ ક્રેડિટ” મળી રહે તે હેતુ માટે લાગુ કરવામાં આવેલ જી.એસ.ટી. ની કલમ 16(4) ઊભી કરે છે વિવિધ પ્રશ્નો

જી.એસ.ટી. લાગુ કરવાનો સૌથી મહત્વનો હેતુ કરદાતાઓને “સિમલેસ ક્રેડિટ” મળી રહે તે બાબતનો હતો. જી.એસ.ટી. ની કલમ 16(4) આ મહત્વના હેતુ પૂર્ણ થવા બાબતે અનેક પ્રશ્નો ઊભા કરી આપે છે. પોતાને અન્યથા મળવા પાત્ર ઈન્પુટ ટેક્સ ક્રેડિટ માત્ર સમયમર્યાદાના કારણે ના મંજૂર થાય તેવા સંજોગોમાં કરદાતા ભયંકર આર્થિક નુકસાનનો સામનો કરી શકે છે. આ નુકસાન ઘણીવાર એટલું મોટું હોય છે કે કરદાતાના જીવન મરણનો આ પ્રશ્ન બની જતો હોય છે. આ જોગવાઈમાં ફેરફારો કરી છૂટછાટ આપવામાં આવે તેવી માંગ સતત ઉઠી રહી છે. આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવે તેવી પણ આશા સેવાઇ રહી છે.

આંધ્રપ્રદેશ હાઇકોર્ટનો આ ચુકાદો કરદાતાઓ માટે મોટી તકલીફો ઊભી કરી શકે છે. કરદાતાની નાની ચૂંક પણ કરદાતા માટે મોટી ઈન્પુટ ટેક્સ ક્રેડિટના નુકસાનમાં પરિણમી શકે છે. એવા અનેક કિસ્સા છે જેમાં કરદાતા દ્વારા ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) ની મુદત પૂર્ણ થયા બાદ માંગવામાં આવેલ છે. આવા તમામ કેસોમાં આ ચુકાદો વિપરીત અસર કરશે. આ ઉપરાંત એવા પણ ઘણા કિસ્સા છે જ્યાં કરદાતાએ જી.એસ.ટી. ડિપાર્ટમેંટની કોઈ “એમનેસ્ટી સ્કીમ” નો લાભ લઈ આ રિટર્ન ભરેલ છે અને મુદત બાદ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લીધેલ છે. આવા કિસ્સામાં પણ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બાબતેના પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે. જી.એસ.ટી. કાયદાની શરૂઆતના ગાળામાં ટેકનિકલ પ્રોબ્લેમને કારણે પણ કરદાતાની ક્રેડિટ લેવાની રહી ગયેલી. આ પ્રકારની ક્રેડિટ માટે પણ આ ચુકાદો મુશ્કેલી ઊભી કરશે. આ ઉપરાંત “સેસ” ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પણ સમય બાદ લેવામાં પણ મોટા અને વિકટ પ્રશ્નો ઊભા થશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.

-By Bhavya Popat

error: Content is protected !!