બજેટ 2022: “એટરેક્ટટિવ” નહીં પણ “એગ્રેસિવ” અને “ફોકસ્ડ” બજેટ
તા. 08.02.2022:
નાણાં મંત્રી નિર્મલા સિથારમણ દ્વારા 01 ફેબ્રુઆરી 2022 ના રોજ પોતાનું તથા મોદી સરકાર 2.0 નું ચોથુ બજેટ રજૂ કરવામાં આવ્યું. દેશના ઉત્તર પ્રદેશ સહિત પાંચ મહત્વના રાજ્યમાં ચૂટણી નજીક હોય સામાન્ય રીતે એવું માનવમાં આવી રહ્યું હતું કે આ બજેટમાં અનેક લોક લુભાવનારી જાહેરાતો કરવામાં આવી શકે છે. સામાન્ય રીતે નાણાંમંત્રી આ પ્રકારની સ્થિતિમાં મોટી રાહતો જાહેર કરી ચૂટણીમાં આ જાહેરાતોનો ફાયદો લેવાનો પ્રયાસ જરૂર કરતાં હોય છે. પરંતુ નિર્મલા સીથારમણ દ્વારા ફરી એક વાર તેમની તથા પ્રધાનમંત્રી મોદીની એ “ઇમેજ” સાબિત કરી આપી છે કે તેઓ દેશના હિતમાં કઠોર નિર્ણયો લેવામાં અચકતા નથી. દર વર્ષે જ્યારે બજેટ બહાર પાડવાનું હોય ત્યારે ઇન્કમ ટેક્સ મુક્તિ મર્યાદા વધારવા તથા ઇન્કમ ટેક્સના દરો ઘટાડવાની આશા સૌ કોઈ સેવી રહ્યા હોય છે. આ બજેટમાં ઇન્કમ ટેક્સની મુક્તિ મર્યાદા યથાવત રાખી ઇન્કમ ટેક્સના દરોમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મધ્યમ વર્ગ ચોક્કસ આ બાબતથી નિરાશ થયો હશે. પરંતુ અંગત રીતે હું આ બજેટને “ફોકસ્ડ” બજેટ માનું છું. વ્યક્તિગત અર્થતંત્ર માટે કોઈ ફાયદો થયો નથી પરંતુ દેશના અર્થતંત્ર મતે આ પ્રકારના બજેટ ફાયદો કરતાં હોય છે તેવું હું અંગત રીતે માનું છું. સામાન્ય લોકો માટે ઇન્કમ ટેક્સ હેઠળ આ બજેટમાં પ્રસ્તાવિત કરવામાં આવેલ મહત્વના ફેરફારોની માહિતી આ લેખમાં આપવામાં આવી છે.
- Covid-19 ની સારવાર તથા મૃત્યુના કિસ્સામાં મળેલ આવક બાબતે મહત્વની રાહત:
દેશમાં-દુનિયા છેલ્લા બે વર્ષથી Covid 19 ની વિકટ પરિસ્થિતીનો સામનો કરી રહી છે. આ વિકટ પરિસ્થિતીમાં કરદાતાઓને ખાસ રાહત આપતી જોગવાઈ આ બજેટમાં પ્રસ્તાવિત કરવામાં આવી છે. આ સુધારા મુજબ કોઈ કરદાતાને કોઈ વ્યક્તિ પાસેથી પોતાના કે પોતાના પરિવારના સભ્યોની COVID-19 ની સારવાર માટે કોઈ રકમ મળેલ હોય તો આ રકમ ઉપર ઇન્કમ ટેક્સની કલમ 56 (ગિફ્ટ) હેઠળ કોઈ ટેક્સ લાગશે નહીં. આ ઉપરાંત Covid-19 ના કારણે મૃત્યુ પામનાર કોઈ વ્યક્તિના સગાને મૃત વ્યક્તિના નોકરીદાતા દ્વારા (એમ્પ્લોયર) પાસેથી કોઈ રકમ મળી હોય તો આ રકમ પણ ઇન્કમ ટેક્સ હેઠળ ટેક્સને પાત્ર રહેશે નહીં. આ ઉપરાંત Covid-19 ના કારણે મૃત્યુ પામનાર કોઈ વ્યક્તિના સગાને અન્ય કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ (એમ્પ્લોયર સિવાયના) પાસેથી કોઈ રકમ મળી હોય તો દસ લાખની મર્યાદામાં આ રકમ પણ ઇન્કમ ટેક્સ હેઠળ ટેક્સને પાત્ર ગણાશે નહીં. આ રકમ કરમુક્તિને પાત્ર તો જ બનશે જો વ્યક્તિનું મૃત્યુનું Covid-19 ના કારણે થયેલ હોય અને આ રકમ મૃત વ્યક્તિના મૃત્યુની તારીખથી 12 મહિના સુધીમાં આ રકમ ચૂકવવામાં આવેલ હોય. જો કે આ કરમુક્તિ બાબતે કેન્દ્ર સરકાર દ્વારા અન્ય શરતો પણ મૂકવામાં આવી શકે છે તેવી પણ જોગવાઈ કરવામાં આવેલ છે. ઉલ્લેખનિય છે કે કોરોના સબંધી આ જાહેરાતો 01 એપ્રિલ 2020 ની પાછલી તારીખથી અમલમાં લાવી કરદાતાઓને ખાસ રાહત આપવામાં આવી છે
- અપડેટેડ રિટર્ન ભરવાની સુવિધા:
સામાન્ય રીતે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 139 હેઠળ કરદાતાને પોતાના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાના થતાં હોય છે. આ ભરેલ રિટર્નમાં કોઈ ક્ષતિ જણાય તો હાલ કરદાતા રિવાઈઝ રિટર્ન આકારણી વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી ભરી શકતા હોય છે. હાલ, આકારણી વર્ષ પૂર્ણ થયા બાદ કરદાતાને કોઈ ક્ષતિ જણાય તો તેઓની પાસે આ ક્ષતિ સુધારવાનો કોઈ વિકલ્પ રહેલ નથી. આ બજેટમાં “અપડેટેડ રિટર્ન” નો નવો વિકલ્પ કરદાતાને આપવામાં આવ્યો છે. જે તે આકારણી વર્ષના અંતથી 24 મહિના સુધીમાં એટલેકે બે વર્ષ સુધીમાં પોતે દર્શાવેલ આવક ઓછી દર્શાવેલ હોય તો હવે “અપડેટેડ રિટર્ન” ભરી તેના ઉપર ટેક્સની જવાબદારી પૂર્ણ કરી શકે છે.
આ અપડેટેડ રિટર્ન ભરવા બાબતે નીચેની શરતો ધ્યાને લેવાની રહેશે.
- કરદાતા નુકસાન દર્શાવતુ રિટર્ન અપડેટેડ રિટર્ન તરીકે ભરી શકશે નહીં.
- આ અપડેટેડ રિટર્ન દ્વારા ઓરીજનલ રિટર્ન કે રીવાઇઝ રિટર્નમાં દર્શાવેલ ટેક્સની જવાબદારીમાં ઘટાડો કરી શકશે નહીં.
- અપડેટેડ રિટર્ન દ્વારા ઓરીજનલ રિટર્ન કે રિવાઈઝ રિટર્નમાં માંગવામાં આવેલ રિફંડ કરતાં કોઈ વધારાનું રિફંડ કે નવું રિફંડ માંગી શકાશે નહીં.
- સર્ચ કે સર્વેની કાર્યવાહી થઈ હોય તે વર્ષ તથા તે પહેલાના બે વર્ષના આકારણી વર્ષ માટેના અપડેટેડ રિટર્ન માટે પણ અપડેટેડ રિટર્ન ભરી શકાશે નહીં.
- અપડેટેડ રિટર્ન એક આકારણી વર્ષ માટે એક વાર જ ભરી શકાશે. એક વાર કોઈ આકારણી વર્ષ માટે અપડેટેડ રિટર્ન ભરવામાં આવ્યું હોય તો ફરી તે જ વર્ષ માટે અપડેટેડ રિટર્ન ભરી શકાશે નહીં.
- જે આકારણી વર્ષ માટેની આકારણી, ફેર આકારણી શરૂ થયેલ હશે અથવા પૂર્ણ થઈ ગઈ હશે તે વર્ષ માટે અપડેટેડ રિટર્ન ભરી શકાશે નહીં.
- કરદાતા દ્વારા અપડેટેડ દર્શાવવામાં આવેલ ટેક્સ આ રિટર્ન સાથે ભરી આપવો ફરજિયાત રહેશે.
- અપડેટેડ રિટર્ન ભરતા કરદાતા દ્વારા આકારણી વર્ષ પુર્ણ થયાના 1 વર્ષની અંદર જો ભરવામાં આવે તો ટેક્સ, વ્યાજ તથા લેઇટ ફી ઉપરાંત ટેક્સ તથા વ્યાજના 25% રકમ “એડિશનલ ટેક્સ” તરીકે ભરવાનો રહેશે.
- અપડેટેડ રિટર્ન ભરતા કરદાતા દ્વારા આકારણી વર્ષ પુર્ણ થયાના 1 વર્ષ પછી તથા બે વર્ષ પહેલા અપડેટેડ રિટર્ન ભરવામાં આવે તો ટેક્સ, વ્યાજ તથા લેઇટ ફી ઉપરાંત ટેક્સ તથા વ્યાજના 5૦% રકમ “એડિશનલ ટેક્સ” તરીકે ભરવાનો રહેશે.
“અપડેટેડ રિટર્ન” અંગે જ્યારે નાણાંમંત્રીએ જાહેરાત કરી ત્યારે ઘણા ટેક્સ પ્રોફેશનલ્સ આ જાહેરાતને કરદાતાઓ માટે ખૂબ સારી માની રહ્યા હતા. પરંતુ “ફાઇનન્સ બિલ” માં જ્યારે આ “અપડેટેડ રિટર્ન” ની શરતોનું વાંચન કર્યું ત્યારે તેમના મોટાભાગના ટેક્સ પ્રોફેશનલ્સને નિરાશા થઈ હશે. “અપડેટેડ રિટર્ન” ની શરતો જોઈ આ રિટર્નની સગવડને એક સતત ચાલુ “ઇન્કમ ડિસ્કલોસર સ્કીમ” ગણી શકાય. આ “અપડેટેડ રિટર્ન” સાથે ભરવાનો થતો એડિશનલ ટેક્સ, ખાસ કરીને 12 મહિના પછી ભરવાનો થતો એડિશનલ ટેક્સ લગભગ ઇન્કમ ટેક્સ કાયદાની 115BBE જેટલો થઈ જાય તો નવાઈ નહીં!!
ક્રિપ્ટો કરન્સી જેવી “ડિજિટલ એસેટ” ઉપર લગાડવામાં આવ્યો 30% ટેક્સ: ક્રિપ્ટો કરન્સીને માન્યતા આપવા તરફ પ્રથમ કદમ?
દેશમાં ક્રિપ્ટો કરન્સીની વૈધતા બાબતે અનેક પ્રશ્નો ઉઠતાં રહ્યા છે. માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા એક કેસની સુનાવણીમાં કેન્દ્ર સરકારને ક્રિપ્ટો કરન્સી બાબતે પોતાનું વલણ જલ્દી સ્પષ્ટ કરવા તાકીદ કરવામાં આવી હતી. બજેટ 2022 માં ક્રિપ્ટો કરન્સી જેવી ડિજિટલ એસેટની ખાસ અલગ વ્યાખ્યા દાખલ કરી “વર્ચ્યુલ ડિજિટલ એસેટ” તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. ક્રિપ્ટો કરન્સી જેવી “વર્ચ્યુલ ડિજિટલ એસેટ” ની આવક ઉપર 30% વેરો આ બજેટ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. આ આવકની ગણતરી કરવામાં આવી “વર્ચ્યુલ ડિજિટલ એસેટ” ની ખરીદ કિંમત સિવાય કોઈ ખર્ચ કરદાતાને બાદ આપવામાં આવશે નહીં. આ ઉપરણ બજેટમાં પ્રસ્તાવિત જોગવાઈ મુજબ, આ “વર્ચ્યુલ ડિજિટલ એસેટ” ના વેચાણની રકમ ચૂકવનર વ્યક્તિ (ટ્રેડિંગ પ્લેટફોર્મ) પર ઉદભાવી હશે તેના દ્વારા કરદાતાને ચુકવણી કરતાં પહેલા વેચાણ કિંમત ઉપર 1% TDS પણ કાપી લેવાનો રહશે. આ “વર્ચ્યુલ ડિજિટલ એસેટ” એ મૂડી નફા (કેપિટલ ગેઇન) તરીકે કરપાત્ર બનશે કે અન્ય સ્ત્રોતની આવક તરીકે કરપાત્ર બનશે તે બાબતે વધુ ખુલાસો કરવામાં આવે તે જરૂરી છે. લેખકના અંગત મતે, આ “વર્ચ્યુલ ડિજિટલ એસેટ” ને કેપિટલ ગેઇન તરીકે કરપાત્ર કરવામાં આવી શકે છે.
બજેટ 2022 ના ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ પ્રસ્તાવિત સામાન્ય લોકો માટેની આ મહત્વની જોગવાઈઑ ઉપર ચર્ચા કરવામાં આવી છે. આગામી અંકમાં બજેટ 2022 ની જી.એસ.ટી. હેઠળના પ્રસ્તાવિત સુધારા અંગે વિગતો આપવા પ્રયાસ કરવામાં આવશે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા. 07.02.2022 ના રોજ પ્રકાશિત થયેલ છે.)