માલિકી ધોરણે ધંધો કરવો વધુ ફાયદાકારક છે કે ભાગીદારી પેઢી તરીકે??
તા. 06.09.2022
એક ટેક્સ પ્રોફેશનલ તરીકે આ પ્રશ્ન અસીલો દ્વારા અવારનવાર પુછવામાં આવતો હોય છે. ઇન્કમ ટેક્સ, જી.એસ.ટી. જેવા કરવેરા અંગેના કાયદા હેઠળ માલિકી ધોરણે ધંધો કરવો સારો વિકલ્પ રહે કે ભાગીદારી પેઢી બનાવી ધંધો કરવામાં આવે તે વધુ હિતાવહ રહે? એક બાબત સમજવી ખૂબ જરૂરી છે કે ધંધો માલિકી ધોરણે કરવામાં આવે કે ભાગીદારીમાં કરવામાં આવે, આ પૈકી શ્રેષ્ઠ વિકલ્પ અંગે નિર્ણય એ દરેક પરિસ્થિતી પ્રમાણે અલગ અલગ રહેતો હોય છે. આજે આ લેખમાં સામાન્ય સંજોગોમાં આ પ્રશ્નની માહિતી આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
માલિકી ધોરણે ધંધો કરાવવાના ફાયદા-ગેરફાયદા
માલિકી ધોરણે ધંધો કરવો એ ધંધો કરવાની સૌથી પ્રાથમિક વ્યવસ્થા છે. માલિકી ધોરણે ધંધો કરવા કરદાતા માટે સૌથી સરળ વિકલ્પ રહેતો હોય છે. માલિકી ધોરણે ધંધો કરવામાં ભાગીદારી પેઢી માટે બનાવવાનો રહેતો ભાગીદારી દસ્તાવેજ, કંપની કરદાતાઑ માટે બનાવવાના થતાં મેમોરેન્ડ્મ અને આર્ટિકલ્સ ઓફ એસોશીએશન જેવા કોઈ દસ્તાવેજો બનાવવાના રહેતા નથી. માલિકી ધોરણે ધંધો કરવા ઇચ્છતા કરદાતાઑ માટે ઇન્કમ ટેક્સ હેઠળ વ્યક્તિનો પોતાનો પરમેનન્ટ એકાઉન્ટન્ટ નંબર (PAN) એ જ માલિકી ધંધા માટે નો PAN ગણવામાં આવતો હોય છે. આમ, માલિકી ધોરણે ધંધો કરવા માટે અલગથી PAN લેવાની જરૂરિયાત રહેતી હોતી નથી. આ ઉપરાંત ઇન્કમ ટેક્સ હેઠળ વ્યક્તિગત PAN ઉપર ભરવામાં આવતું રિટર્ન માંજ માલિકી ધોરણે કરવામાં આવતા ધંધા માટેનું રિટર્ન ગણાય છે. આથી વ્યક્તિગત રિટર્ન ઉપરાંત માલિકી ધોરણે થતાં ધંધા માટે અલગ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની જરૂર રહેતી હોતી નથી. ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ઉત્પાદક, વેપાર, પ્રોફેશનલ્સ, ટ્રાન્સપોર્ટેશન જેવા માન્ય ધંધાઑ માટે કલમ 44AD, 44ADA, 44AE જેવી અંદાજિત આવક યોજના નો લાભ માલિકી ધોરણે થતાં ધંધામાં મહત્તમ મળે છે. આ લાભ સારી રીતે અને વધુ સલામત રીતે કર આયોજન કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. સામાન્ય રીતે માલિકી ધોરણે કરવામાં આવતા ધંધા માટે માત્ર મોટું ટર્નઓવર (1 કરોડથી વધુ) થાય તેવા સંજોગો માંજ ઓડિટ કરાવવાની જવાબદારી ઉપસ્થિત થતી હોય છે. વ્યક્તિગત કરદાતા માટે આવકવેરાના દર સૌથી ઓછા રહેતા હોય છે. વ્યક્તિગત કરદાતાને “બેઝિક એક્સેમ્પશનનો” લાભ મળતો હોય છે. આ “બેઝિક એક્સેમ્પશનનો” ઉપરાંત વ્યક્તિગત કરદાતાને 5%, 20% તથા 30% જેવા સ્લેબનો લાભ પણ મળતો હોય છે. આ ઉપરાંત માલિકી ધોરણે ધંધો ચલાવતા વ્યક્તિગત કરદાતાને આવકવેરા કાયદાની કલમ 87A હેઠળ રિબેટનો લાભ પણ મળતો હોય છે. માલિકી ધોરણે ધંધો કરતાં કરદાતા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું દરેક કિસ્સામાં ફરજિયાત રહેતું ના હોય. જ્યારે વ્યક્તિગત કરદાતાની આવક “બેઝિક એક્સેમ્પશનનો” થી વધુ હોય (હાલમાં 250000) ત્યારે જ કરદાતા ફરજિયાત ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા જવાબદાર બને. આ ઉપરાંત નિયત ચુકવણી ઉપર કર કપાત (TDS) કરવાની જવાબદારી પણ ત્યારે જ ઉપસ્થિત થાય જ્યારે અગાઉના વર્ષમાં માલિકી ધોરણે ચાલતા ધંધાનું ઓડિટ કરાવવામાં આવ્યું હોય. જી.એસ.ટી.ની વાત કરીએ તો પણ માલિકી ધોરણે ધંધો કરવામાં નોંધણી મેળવવી સૌથી સરળ માનવમાં આવે છે.
માલિકી ધોરણે ધંધો કરવામાં કરદાતાને પોતે રોકવામાં આવેલ મૂડીના વ્યાજ તથા મહેનતાણું જેવા લાભ મળતાં નથી. આ ઉપરાંત માલિકી ધોરણે ધંધો કરવામાં માલિકની જવાબદારી સંપૂર્ણ રીતે અમર્યાદિત રહેતી હોય છે. ધંધો ફડચામાં જવાના કિસ્સામાં માલિકની અંગત મિલ્કત ઉપર પણ ટેક્સ ચૂકવવા તથા દેવું ચૂકવવાની જવાબદારી રહેતી હોય છે.
ભાગીદારી પેઢી બનાવી ધંધો કરવાના ફાયદા-ગેરફાયદા
ધંધો કરવાનો અન્ય એક વિકલ્પ ભાગીદારી પેઢી બનાવી ધંધો કરવાનો રહેતો હોય છે. ભાગીદારી પેઢીમાં 2 ભાગીદારોથી માંડીને 50 ભાગીદારો જોડાઈ શકતા હોય છે. ભાગીદારી પેઢી શરૂ કરવા ભાગીદારી દસ્તાવેજ બનાવવો જરૂરી રહેતો હોય છે. આ ભાગીદારી દસ્તાવેજ એ ભાગીદારી સ્થાપનાનો સૌથી મહત્વનો દસ્તાવેજ ગણવામાં આવે છે. આ ભાગીદારી દસ્તાવેજમાં ભાગીદારોના નામ, તેના હિસ્સા, ભાગીદારોને ચૂકવવાનું થતું વ્યાજ, મહેનતાણું, ભાગીદારોની જવાબદારી અંગે ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. ભાગીદારી પેઢીની “રજીસ્ટ્રાર ઓફ ફર્મ્સ” માં નોંધણી કરાવવી ફરજિયાત નથી. પરંતુ ભાગીદારી પેઢીની નોંધણી કરાવવામાં આવે તે ઇચ્છનીય માનવમાં આવે છે. ઇન્કમ ટેક્સ હેઠળ વાત કરીએ તો ભાગીદારી પેઢીમાં ભાગીદારોને મૂડીનું વ્યાજ અને તેઓના ભાગીદારીમાં કરવામાં આવેલ કર્યો બદલ મહેનતાણું ચૂકવવામાં આવે છે. ભાગીદારી પેઢીને આ ભાગીદારોને ચૂકવવામાં આવેલ મૂડી વ્યાજ અને મહેનતાણું ભાગીદારી પેઢીને ખર્ચ તરીકે બાદ મળતું હોય છે. હાલ, આવક વેરા કાયદાની જોગવાઈ અનુસાર ભાગીદારોની મૂડી ઉપર મહત્તમ 12% વ્યાજ ચૂકવી શકાય છે. આ ઉપરાંત ભાગીદારોને મહેનતાણું ચૂકવવા બાબતે પણ આવકવેરા કાયદા હેઠળ મહત્તમ મર્યાદા સૂચવવામાં આવી છે. ભાગીદારોની મૂડી જેટલી ઊંચી એટલો વધુ ફાયદો ભાગીદારી પેઢીને મળતો હોય છે. આમ, જે ધંધામાં ભાગીદારોની મૂડી વધુ રહેતી હોય છે તેવા ધંધા માટે માલિકી કરતાં ભાગીદારી પેઢી વધુ સારો વિકલ્પ સાબિત થતો હોય છે.
ભાગીદારી પેઢીનું અલગ PAN કરાવવાનું રહેતું હોય છે. આ સામે ભાગીદારી પેઢી માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત હોય છે. ધંધો કરવામાં આવ્યો હોય કે ના કરવામાં આવ્યો હોય, નફો થયો હોય કે ના થયો હોય, ભાગીદારી પેઢી માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત રહેતું હોય છે. ભાગીદારી પેઢીને કોઈ પણ “બેઝિક એક્સેમ્પશન” મર્યાદાનો લાભ મળતો નથી. ભાગીદારી પેઢી ઉપર ભાગીદારોને આપવામાં આવતા મૂડી વ્યાજ તથા મહેનતાણું બાદ કરી બાકી રહેતા નફા ઉપર 30% ના ફ્લેટ દરે આવકવેરો લાગે છે. આ ઉપરાંત ઉત્પાદન, વેપાર, પ્રોફેશન, ટ્રાન્સપોર્ટેશન જેવા માન્ય ધંધા માટે નિયત ટકાવારીથી ઓછી આવક દર્શાવવામાં આવે ત્યારે ઓડિટ કરાવવું ફરજિયાત રહેતું હોય છે. અન્ય રીતે કહીએ તો ભાગીદારી પેઢીનું ટર્નઓવર ગમે તેટલું ઓછું હોય સામાન્ય રીતે ઓડિટ કરાવવા જવાબદારી ઉપસ્થિત થતી હોય છે. ભાગીદારી પેઢી માટે કોઈ ટર્નઓવરની મર્યાદા વગર કર કપાતની (TDS) જવાબદારી ઉપસ્થિત થતી હોય છે. ભાગીદારી પેઢીમાં પણ તમામ ભાગીદારોની જવાબદારી અમર્યાદિત રહેતી હોય છે.
કોઈ પણ ધંધો માલિકી ધોરણે કરવામાં આવે કે ભાગીદારી પેઢી તરીકે કરવામાં આવે, આ દરેક કિસ્સામાં દરેક પરિસ્થિતી મુજબ નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે. આ નિર્ણય લેવામાં વ્યક્તિ પોતાના ટેક્સ પ્રોફેશનલ્સ એવા એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે ટેક્સ કન્સલ્ટન્ટની સલાહ લેવામાં આવે તે જરૂરી છે.
By Bhavya Popat
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં 05 સપ્ટેમ્બર 2022 ના રોજ પ્રકાશિત થયેલ છે)