અનાજ કઠોળ જેવી જરૂરિયાતની વસ્તુ પર જી.એસ.ટી.!! સામાન્ય લોકો માટે શું બનશે અસહ્ય???

Spread the love
Reading Time: 4 minutes

તા. 26.07.2022

અનાજ કઠોળ જેવી જરૂરિયાતની વસ્તુઓ પર વિચિત્ર રીતે જી.એસ.ટી. લાગુ કરવામાં આવતા સરકાર કરતાં અમુક ચાલક વેપારીઓને થઈ શકે છે ફાયદો!!

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એ “ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ” બની રહેશે તેવી જાહેરાત સરકાર દ્વારા જી.એસ.ટી. લાગુ થયો ત્યારે એટ્લે કે 01 જુલાઇ 2017 ના રોજ કરવામાં આવી હતી. જી.એસ.ટી. ઉતાવળે લાગુ કરવા સાથે કાયદામાં અનેક જટિલતા રહેલી હતી. આ જટિલતા દૂર કરવા જી.એસ.ટી.માં વિવિધ જાહેરનામાઑ તથા પરીપત્રો દ્વારા આ જટિલતા દૂર કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ જી.એસ.ટી. માં રહેલી આ જટિલતા દૂર થવાના બદલે દિવસેને દિવસે વધતી રહી. આ સુધારાઓ દ્વારા જી.એસ.ટી. “ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ” બનવાના બદલે ગૂંઢ અને ગુચવણ ભર્યો ટેક્સ બની રહ્યો છે. હાલ, 18 જુલાઇ 2022 થી જી.એસ.ટી. હેઠળ વિવિધ માલ તથા સેવાઓ ઉપર લાગુ જી.એસ.ટી. ના દરમાં ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. આ ફેરફારોમાં મુખ્યત્વે જી.એસ.ટી. ના દરોમાં વધારો કરવામાં આવ્યો છે. આ ફેરફારોના કારણે સરકારી આવક વધશે તેવો અંદાજ સરકાર દ્વારા લગાડવામાં આવી રહ્યો છે. સરકારી આવકમાં તો વધારો થતાં થશે પરંતુ જી.એસ.ટી. હેઠળ રહેલી ગુચવણોમાં તો ચોક્કસ વધારો આ ફેરફાર થયા સાથે જ થઇ ગયો છે.

અનાજ, કઠોળ, દંહી, છાસ જેવી જીવન જરૂરિયાતની વસ્તુ ઉપર જી.એસ.ટી. લાગુ!!

18 જુલાઇ 2022 થી અનાજ, કઠોળ, દંહી, છાસ જેવી પાયાની જરૂરિયાત ગણાતી વસ્તુઓ ઉપર જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો છે. જો કે આ તકે એક બાબત જાણવી જરૂરી છે કે અત્યાર સુધી આ પૈકીની ઘણી ચીજવસ્તુઓ જે કોઈ જાણીતી બ્રાન્ડ હેઠળ વેચાણ કરવામાં આવતી હતી તેના ઉપર જી.એસ.ટી. લાગુ હતો જ!! પરંતુ આ બ્રાંડેડ તથા અનબ્રાંડેડ ચીજવસ્તુઓના વર્ગીકરણમાં અર્થઘટન અંગે અનેક મુશ્કેલીઓ ઊભી થતી હતી. આ મુશ્કેલીઓ દૂર કરવા હવે બ્રાન્ડ અને અન બ્રાંડેડના મૂળભૂત તફાવતને દૂર કરી“પ્રિ પેક્ડ એન્ડ લેબલ્ડ” નો નવો તફાવત આ ચીજવસ્તુઓ ઉપર લાગુ કરવામાં આવ્યો છે. હવેથી એટલેકે 18 જુલાઇ 2022 થી “પ્રિ પેક્ડ એન્ડ લેબલ્ડ” ચીજવસ્તુઓ ઉપર અગાઉ મળતી કરમુક્તિઓ પાછી ખેંચવામાં આવી છે અને આ પ્રકારની ચીજ વસ્તુઓ ઉપર મુખ્યત્વે 5% જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો છે. હવે આ “પ્રિ પેક્ડ એન્ડ લેબલ્ડ” એ વળી કઈ નવી બલા છે તે સમજવું જરૂરી છે!! “પ્રિ પેક્ડ એન્ડ લેબલ્ડ” એટ્લે વેપારીઓ દ્વારા કરવામાં આવતા એવા વેચાણ કે જેના પેકેટ ઉપર “લીગલ મેટ્રોલોજિ એક્ટ” ની જોગવાઈ પ્રમાણે “ડિકલેરેશન” આપવું ફરજિયાત હોય. હવે વેપારીઓ અને ખાસ કરીને ટેક્સ પ્રોફેશનલ્સ માટે આ વધુ “લીગલ મેટ્રોલોજિ એક્ટ” વાંચવાની જરૂર ઊભી થઈ. સામાન્ય શબ્દોમાં આ કાયદાની જોગવાઈનું અર્થઘટન કરવામાં આવે તો એમ ગણી શકાય કે 25 કિલો સુધીના અનાજ, કરિયાણા, દંહી, છાસ જેવી વસ્તુઓના જે પેકેટનું વેચાણ કરવામાં આવે તેના ઉપર “લીગલ મેટ્રોલોજિ એક્ટ” હેઠળ “ડિકલેરેશન” જરૂરી હોય આવા પેકેટ ઉપર જી.એસ.ટી. લાગુ થશે. પરંતુ 25 કિલો ઉપર પેકિંગ હોય તેના ઉપર આ કાયદા હેઠળ ડિકલેરેશન જરૂરી ના હોય આવા 25 કિલો ઉપરના પેકિંગ ઉપર જી.એસ.ટી. લાગુ પડશે નહીં!! આ બાબત ગળે ઉતારવામાં ટેક્સ પ્રોફેશનલ્સ તથા વેપારીઓ માટે ખૂબ મુશ્કેલ પડી રહી છે. 25 કિલોથી નીચેના પેકેટ ઉપર વેરો લાગુ કરવામાં આવતા તેનું ભારણ ગરીબ તથા મધ્યમ વર્ગને પડશે તેમ સામાન્ય રીતે માનવમાં આવે છે. 25 કિલો ઉપરના પેકિંગ કે જે સામાન્ય રીતે તવંગર લોકો કે ઈન્ડસ્ટ્રીયલ વપરાશ માટે લેવામાં આવતા હોય છે તેની ઉપર કરમુક્તિ ચાલુ રાખવામા આવી છે. આ જી.એસ.ટી. ના મૂળભૂત સિદ્ધાંતોથી વિરુદ્ધ હોય તેવું જણાય આવે છે. સામાન્ય રીતે જી.એસ.ટી. એવી રીતે લાગુ કરવામાં આવતો હોય છે કે જ્યાં ગરીબ મધ્યમવર્ગ દ્વારા વપરાશ થતી વસ્તુઓ ઉપર જી.એસ.ટી. હેઠળ કરમુક્તિ આપવામાં આવતી હોય છે જ્યારે મોંઘી તથા મોટા કદની ચીજવસ્તુઓ ઉપર જી.એસ.ટી. લાગુ કરવામાં આવતો હોય છે. જો કે આ તકે એક બાબત સ્પષ્ટ રીતે સમજવી જરૂરી છે કે જી.એસ.ટી. હેઠળ ગ્રાહકની સામે જેની જરૂરિયાત મુજબ અનાજ, કઠોળ, દંહી, છાસ જોંખીને આપવામાં આવે છે અને કોઈ રીતે “પ્રિ પેક્ડ” એટલેકે અગાઉથી પેક ના હોય તેવા માલ ઉપર કોઈ જી.એસ.ટી. લાગુ પડશે નહીં. સરકાર પોતાની આવક વધારવા જે પણ ફેરફારો કરે ત્યારે વેપાર જગતમાંના હોશિયાર વેપારીઓ આનો તોડ ગોતી લેતા હોય છે. જમીની સ્તરે મળતી માહિતી પ્રમાણે આ ચીજ વસ્તુઓ સાથે જોડાયેલા અનેક ઉદ્યોગોએ પોતાના માલ ઉપર કરમુક્તિ મળી રહે તે માટે 25 કિલો સુધીમાં થતાં વેચાણ વાળા પેકેટને 25 કિલો 500 ગ્રામના કરી આપવામાં આવ્યા છે!!

હવેથી હોટેલમાં રૂમ બુકિંગમાં નહીં મળે કોઈ કરમુક્તિ!!! 1000 સુધીના રૂમ ભાડા પર પણ લાગશે 12% જી.એસ.ટી.

18 જુલાઇ હોટેલ ઈન્ડસ્ટ્રીને મળી રહેલી 1000 સુધીના રૂમ ભાડા ઉપરની જી.એસ.ટી. કરમુક્તિ હટાવવામાં આવી છે. હવેથી હોટેલ ઈન્ડસ્ટ્રી માટે તમામ રૂમના ભાડા કરપાત્ર બનશે. 7500 સુધીના રૂમ ભાડા ઉપર 12% અને તેના ઉપરના રૂમ ભાડા ઉપર 18% જી.એસ.ટી. લાગુ પડશે.  આ કારણે નાના નાના ગેસ્ટ હાઉસ તથા ઘણી ધર્મશાળાઑ પણ જી.એસ.ટી. હેઠળ આવી શકે છે. આ ઉપરાંત ઘણા એવા ટ્રસ્ટ કે જેઓ ઇન્કમ ટેક્સ હેઠળ 12A હેઠળ માન્યતા ધરાવતા નથી તેઓની ઉપર પણ આ કરમુક્તિ પાછી ખેચવાના કારણે માંઠી અસર થઈ શકે છે. આ કરમુક્તિ પાછી ખેંચવામાં આવતા ઘણા કરદાતાઓ કે જેઓ અત્યાર સુધી જી.એસ.ટી. નંબર લેવા જવાબદાર ના હતા તેઓ એ જી.એસ.ટી. નંબર મેળવી તેના રૂમ ભાડા ઉપર ટેક્સ ચૂકવવાનો થશે. ઉલ્લેખનીય છે કે હોટેલ ઈન્ડસ્ટ્રી એ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ હેઠળ સેવા ગણાય છે અને જી.એસ.ટી. નોંધણી મેળવવા માટે તેઓની ઉપર 20 લાખની મર્યાદા લાગુ પડે છે. હોટેલ ઈન્ડસ્ટ્રી માટે 40 લાખની મર્યાદા લાગુ થાય નહીં. આ કરમુક્તિ 18 જુલાઇથી હટાવવામાં આવતા હોટેલ ઈન્ડસ્ટ્રીમાં જી.એસ.ટી. હેઠળ નોંધણી ધરાવતા કરદાતાએ ખાસ પોતાની સિસ્ટમમાં સુધારો કરી તેઓના સ્ટાફને આ અંગે જાણકારી આપવાની રહે કે હવેથી આ તમામ રૂમ ઉપર જી.એસ.ટી. ગ્રાહક પાસેથી ઉઘરાવવામાં આવે.

1000 સુધીની કરમુક્તિ મર્યાદા પાછા ખેચવાનું મુખ્ય કારણ નિષ્ણાંતો કરચોરીને માની રહ્યા છે. વિવિધ જી.એસ.ટી. અન્વેષણ કાર્યવાહીમાં એ પ્રકારેની વિગતો બહાર આવી

હવે ઘર ભાડા ઉપર પણ લાગશે 18% જી.એસ.ટી.!!!

જી.એસ.ટી. હેઠળ 18 જુલાઇ 2022 થી ઘણા મહત્વના ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે. ઘર ભાડા ઉપર હાલ કરમુક્તિ હતી. 18.07.2022 થી એક મહત્વનનો ફેરફાર કરી ઘર ભાડાની કરમુક્તિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ કરદાતા કોઈ ઘર ભાડે લે છે અને તેનું ભાડું ભરે છે ત્યારે આવા રજિસ્ટર્ડ વેપારીએ રિવર્સ ચાર્જના ધોરણે 18% લેખે જી.એસ.ટી. ભરવાનો રહેશે. આ અંગે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં ક્યાં પણ એ બાબતનો ઉલ્લેખ નથી કે રજિસ્ટર્ડ વેપારી જ્યારે ધંધાના કામ માટે (ફરધરન્સ ઓફ બિઝનેસ) રહેણાંકી ઘર ભાડે રાખે ત્યારે જ આ જી.એસ.ટી. લાગુ પડે. આનો બીજો અર્થ એ થાય કે હાલની પરિસ્થિતીમાં જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ કોઈ પણ કરદાતા પોતાના અંગત રહેઠાણ માટે પણ ઘર ભાડે રાખે ત્યારે તેઓ રિવર્સ ચાર્જ મુજબ આ ઘર ભાડા ઉપર જી.એસ.ટી. ભરવા જવાબદાર બનશે. આ બાબત ખરેખર અવ્યવહારિક ગણી શકાય. આ બાબતે CBIC દ્વારા ખુલાસો બહાર પાડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જો એક વ્યક્તિગત કરદાતા ઉપર પોતાના અંગત ઘર ભાડા ઉપર પણ RCM લાગુ કરવામાં આવે તો આ વેપારી માટે ખૂબ મુશ્કેલી ઊભી થાય કારણકે અંગત રહેઠાણ ઉપર ભરેલ RCM ઉપરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓ મેળવી શકે નહીં. આમ થવાથી આ RCM ટાળવા આવા રજિસ્ટર્ડ વેપારીઓ પોતાનું ઘર ભાડું રોકડમાં ચૂકવવાનું શરૂ કરી શકે છે અને આમ થવાથી જી.એસ.ટી.ની આવક તો થતાં થશે પરંતુ સરકાર ભાડા ઉપરની ઇન્કમ ટેક્સની આવક પણ ગુમાવી શકે છે તેવું ટેક્સ નિષ્ણાંતો માની રહ્યા છે.

જી.એસ.ટી. હેઠળ લાગુ કરવામાં આવેલા આ વધાર 18 જુલાઇ 2022 થી લાગુ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે જી.એસ.ટી. હેઠળ કરદાતાની આકારણી જે તે નાણાકીય વર્ષ પૂર્ણ થાય તે પછી ત્રણ થી પાંચ વર્ષ પછી હાથ ધરવામાં આવતી હોય છે. આકારણી સમયે આવી “ઓડ” તારીખથી લાગુ કરવામાં આવેલ જી.એસ.ટી. હેઠળ દરોમાં ફેરફાર વેપારીઓ, ટેક્સ પ્રોફેશનલ્સ તથા અધિકારીઓ માટે ખૂબ ગુચવણ ઊભી કરતાં હોય છે. આ પ્રકારે કોઈ મહિનાના અધવચ્ચે લાગુ કરવાના બદલે જે તે મહિનો પૂર્ણ થાય કે શક્ય હોય તો જે તે ત્રિમાસ પૂર્ણ થાય ત્યારે લાગુ કરવામાં આવે તે ઇચ્છનીય છે.

error: Content is protected !!