એક સંગ્રહાલય કે જે આપે છે પ્રેરણા…DHA MEMORIAL (ધીરુભાઈ અંબાણી મેમોરિયલ) ચોરવાડ, ગુજરાત…

Spread the love
Reading Time: 3 minutes

DHA MEMORIAL

(ધીરુભાઈ અંબાણી મેમોરિયલ)

તેમનાં માટે કે જે પૂરી દુનિયા ને જીતવાનું સાહસ કરે છે

                ચોરવાડ અરબી સમુદ્ર ના કાંઠે( સૌરાષ્ટ્ર ના ગીર-સોમનાથ જિલ્લા ) વસેલ એક નાનું ગામ છે. અહીથી સોમનાથ, જુનાગઢ, દીવ, પોરબંદર જેવા અનેક પર્યટક સ્થળો ખૂબ નજીક ના અંતરે આવેલ છે. આમતો ચોરવાડ તેમનાં રમણીય સમુદ્ર કિનારા અને ચારેકોરથી ઘેરાયેલ નાળોયરીના વૃક્ષોને લીધે પ્રચલિત હતું, પરંતુ એક સામાન્ય ઇન્સાન માથી જગવિખ્યાત નામનાં ધરાવતા બિઝનેસમેન શ્રી ધીરુભાઈ અંબાણી (Reliance Industries ના સ્થાપક) નું બાળપણ અહી વીત્યું હોવાના કારણે ચોરવાડ ગામ પૂરા વિશ્વમાં જાણીતું બન્યું. 17 વર્ષની ઉમેરે એડન (હાલ યમન) જતાં પહેલાં શ્રી ધીરુભાઈ અને શ્રીમતી કોકિલાબેનએ તેઓના જીવનનો ઘણો યાદગાર સમય અહી વિતાવ્યો હતો. આ કારણોસર રિલાયંસ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ અને ધીરુભાઈ અંબાણી ફાઉંડેશન ચોરવાડ ગામનો વિકાસ થાય તે અર્થે હુમેશા પ્રયત્નશીલ રહે છે

શ્રી ધીરુભાઈ અંબાણી કે જેમણે દુનિયા જીતવાનું સાહસ કર્યું અને એક સફળ બિઝનેસમેન તરીકે પૂરા વિશ્વમાં પ્રસિદ્ધિ મેળવી લાખો યુવાનો ના પ્રેરણાસ્ત્રોત બન્યા, એટલેજ તો આખા વર્ષ દરમિયાન હજારો યુવાનો પોતાના જીવન માં એક વાર આ મેમોરિયલ જોવા અચૂક આવે છે. મોટાભાગે આવતા યુવાનો ખુબ આતુરતા અને ધિરાજથી અહી દર્શાવેલ શ્રી ધીરુભાઈ અંબાણીના જીવનચરિત્ર ને નિહાળે છે.

અતિવ્યસ્તતા વચ્ચે પણ શ્રી ધીરૂભાઇ પોતાના પરિવાર સાથે અવાર-નવાર ચોરવાડ આવતા, એ પરંપરા હજૂ પણ તેમની ગેરહાજરીમાં પરિવાર ના સભ્યો નિભાવી રહ્યા છે. સાથે સાથે ચોરવાડના વિકાસ અર્થે રિલાયંસ ઇંડસ્ટ્રીઝ અને ધીરુભાઈ ફાઉંડેશન દ્વારા જાહેર જનતાને ઉપયોગી એવી આધુનિક હોસ્પિટલ, સ્કૂલ, ગાર્ડન વગેરેનું નિર્માણ કરેલ છે.

ચોરવાડ માં આવેલ ધીરુભાઈ મેમોરિયલ વેરાવળ-પોરબંદર હાઇવે ઉપર આવેલ છે. ધીરુભાઈ મેમોરિયલ હાઉસ નું નિર્માણ શ્રી ધીરુભાઈ અંબાણી ની યાદ માં બનાવવામાં આવ્યું છે. આ જગ્યા જૂના સમયમાં “માંગરોળવાળા” ના ડેલા તરીકે જાણીતી હતી અને આજ ઘરમાં શ્રી ધીરુભાઈએ પોતાનાં બાળપણ નાં દિવસો વિતાવ્યા હતા. તેમના પિતા એક પ્રાથમિક શાળા માં શિક્ષક હતા અને તેઓએ આ પરંપરાગત કારીગરી ધરાવતી ઇમારતનો એક નાનો હિસ્સો રહેવા માટે ભાડે લીધો હતો. વર્ષ 2002 માં આ પૂરી ઇમારત ધીરુભાઈ મેમોરિયલ ફાઉંડેશન દ્વારા ખરીદી લેવામાં આવી. આજે અહી શ્રી ધીરુભાઈ અંબાણી નાં જીવનચરિત્ર દર્શાવતી ફોટો ગેલેરી અને તેમની સાથે જ્યાં ધીરુભાઈ નો પરિવાર રહેતો તે સમયને અનુસંધિને તેમનો ઓરડો, રસોડુ, પિતળ અને તાંબાના વાસણો, રાચરચીલું, પાણી ગરમ કરવાનો બંબો, કૂવો વગેરે જોનારના મનમાં અચંભો જગાડે છે. ફોટો ગેલેરી માં ધીરુભાઈ નાં બચપણ અને ફક્ત ધીરુ માથી શ્રી ધીરુભાઈ અંબાણી બનવાની સફર, એડનમાં વિતાવેલ દિવસો, પોતાનાં પરિવાર સાથેની હળવાશની પળો, દેશ-પરદેશના ઉચ્ચ અધિકારીઓ અને વડાપ્રધાનો સાથેના ઘનિષ્ઠ સંબંધો,તેમના બચપણ ના અને શાળા ના મિત્રો સાથે જીવનની છેલ્લી ઘડી સુધી નિભાવેલ દોસ્તીની પરંપરા, પરિવાર સાથે વિતાવેલ પ્રવાસોની યાદીઓ, રિલાયંસ ઇંડસ્ટ્રીઝની સ્થાપના અને પાયા મુહરત ની તસ્વીરો, “વિમલ” બ્રાન્ડ દ્વારાં મળેલ સફળતા અને શેર બજાર માં વગાડેલ રિલાયંસ ઇંડસ્ટ્રીઝ નો ડંકો વગેરે ની ઝાંખી, રિલાયંસ પેટ્રોલિયમ, જામનગર ની સ્થાપના અને તેમનો પોતાનાં કંપની નાં સ્ટાફ સાથે નો પોતાનો વ્યવહાર આ દરેક ચિત્રો આપણાં મનને શ્રી ધીરુભાઈ માટે ખુબજ આદર ભાવ જગાડે છે. ધીરૂભાઇ અંબાણીના જીવનચરિત્ર દર્શાવતી ફિલ્મ જોવાનો પોતાનો એક લાહવો છે.

આ મેમોરિયલ માં આ ઉપરાંત પ્રવાસીઓ માટે એક કેન્ટીન, બગીચો, સોવેનિયર શોપ, થિએટર સાથે મુલાકાતે આવતા અપંગ અને વૃદ્ધ વ્યક્તિઓ માટે વ્હીલચેર ની સુવિધા પણ ઉપલબ્ધ છે. મેમોરિયલ મંગળવાર થી રવિવાર સવારે 9.30 થી સાંજના 5.00 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લુ હોય છે. અગર આપ દૂરથી મેમોરિયલની મુલાકાતે આવતા હો તો અવશ્ય જણાવેલ ફોન નંબર 0285-288455 ઉપર જાણકારી મેળવી લેવી.

આપ પણ પોતાના બાળકોને આ મેમોરિયલ ની મુલાકાતે અચૂક લાવશો જેથી તેઓને પણ સામાન્ય પરિવાર માં ઉછરેલ હોવા છતાં દુનિયા માં પોતાનું આગવું નામ કરનાર શ્રી ધીરુભાઈ અંબાણી ના જીવનચરિત્ર માથી આગળ વધવાની પ્રેરણા મળે, સાથે જીવન ની બધી અગવડો વચ્ચે જેમ શ્રી ધીરુભાઈ એ મોટા બનવાનાં સપનાં જોઈને સફળતા પ્રાપ્ત કરી તેમ તેઓ પણ શ્રી ધીરુભાઈ ના જીવન માથી પ્રેરણા લઈ પોતાના જીવન માં પણ મોટા બનવાના સપનાં જુવે અને ખૂબ મહેનત કરી પોતાના સપનાઓ ને સિદ્ધ કરે, આ ઉપરાંત ગમે તેટલી ઊંચાઈ એ પહોચીને પણ પોતાના ગામ, મિત્રો, પરિવાર અને સમાજ ને માટે કઈક કરી છૂટી ની ભાવના આપણને ઘણું શીખવે છે.

ધીરૂભાઇ ની એક પ્રખ્યાત ઉક્તિ છે…”Only if you can dream it you can do it”

                                                                                                                                                       કૌશલ પારેખ, ટેક્સ ટુડે – દીવ

 

4 thoughts on “એક સંગ્રહાલય કે જે આપે છે પ્રેરણા…DHA MEMORIAL (ધીરુભાઈ અંબાણી મેમોરિયલ) ચોરવાડ, ગુજરાત…

Comments are closed.

error: Content is protected !!