ચન્દ્રયાન 2: મિશન સકસેસ અવેટેડ…

Spread the love
Reading Time: 3 minutes

તા: 07.09.2019:

રાત્રે 2 વાગ્યા આસપાસ નો સમય…. ચંદ્રયાન-2 ના “લેંડર” ગમે ત્યારે ચંદ્ર ઉપર ઉતારવાની શક્યતાઓ ગણાતી હતી. પણ હાલ જ્યાં સુધી આ વિગતો મળી રહી છે ત્યાં સુધી ચંદ્રયાન માં ટેકનિકલી બધુ સામાન્ય હતું પરંતુ “લેંડર” નો ISRO સાથે નો સંપર્ક તૂટી જવાના કારણે હાલ આ મિશન ની સફળતા બાબતે રાહ જોવાઈ રહી છે.

આ મિશન નું પરિણામ જે પણ હોય, પણ રાત્રે 2 કલાકે આ મિશન જોવાનો ઉત્સાહ અનેરો હતો. વૈજ્ઞાનિકો ની તત્પરતા, પ્રધાનમંત્રી ની ખાસ હાજરી, બાળ વૈજ્ઞાનિકો ની હાજરી…. અને ચન્દ્રયાન ના સફળ લેંડિંગ ની રાહ જોવાઈ રહી હતી… જાણે કોઈ ક્રિકેટ વર્ડ કપ ની ફાઇનલ ના હોય!!!! તમામ ન્યૂઝ ચેનલો ઉપર માત્ર એક જ ન્યૂઝ.

ચંદ્ર ઉપર લેંડિંગ ના 2.1 કિલો મીટર દૂર હતું ત્યારે ISRO નો સંપર્ક લેંડર સાથે છૂટી ગયો હતો. વૈજ્ઞાનિકો માં, ન્યૂઝ ચેનલો ના પ્રતિનિધિઓ માં, ઉપસ્થિત બાળ વેજ્ઞાનિકો માં ખાસ ડર તથા તણાવ જોવા મળી રહ્યો હતો. પણ એક ચહેરો જોઈ ખરેખર ગર્વ અનુભવ્યું. એ ચહેરો હતો ભારત ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો. આ તકે ખાસ જણાવી આપું કે હું કોઈ આંધળો મોદી ભક્ત ચોક્કસ નથી. પણ આ પ્રકાર ના મુશ્કેલ સમય માં ધૈર્ય, સયમ રાખી શકવાની અને આ પ્રકાર ના તણાવપૂર્ણ વાતાવરણ માં પણ પોતાનું હાસ્ય ટકાવી રાખવા ની તેમની ક્ષમતા ઉપર ખરેખર ગર્વ થયો. જ્યારે ISRO ના ચેરમેન ના ચહેરા પર થોડી નિરાશા દેખાઈ રહી હતી ત્યારે નરેન્દ્ર મોદી ના તમામ વૈજ્ઞાનિકો માટે ના શબ્દો હતા કે “દેશ ને તમારા પર ગર્વ છે. તમે લોકો એ દેશ તથા માનવ જાત ની મોટી સેવા કરી છે. આ મિશન સફળ થશે તેવી મને પુર્ણ આશા છે. હું હમેશા તમારી સાથે છું. “ મિત્રો, ત્યાર બાદ દેશભર (મને જ્યાં સુધી જાણકારી છે ત્યાં સુધી અન્ય દેશ ના પણ) બાળ વૈજ્ઞાનિકો ને મોદીજી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્રકાર ના ઉતાર ચઢાવ એ કોઈ પણ વૈજ્ઞાનિક મિશન માં આવતા હોય છે. સફળતા માટે મહેનત નો કોઈ વિકલ્પ નથી.

મિત્રો, ISRO ના મંગળ મિશન ઉપર બનેલ ફિલ્મ “મિશન મંગળ” થોડો સમય પહેલા જોઈ. આ ફિલ્મ જોઈ મને વૈજ્ઞાનિકો ના જીવન પર ખરેખર માન થયું. ખૂબ અનિશ્ચિતતા વચ્ચે તેઓ પોતાના કાર્ય માં લાગેલા હોય છે. આ ફિલ્મ હું તમામ વાચકો ને જોવા ખાસ આગ્રહ કરું છું. NASA જેવી સંસ્થા જે વિશ્વ ની સૌથી અગ્રણી “સ્પેસ” સંસ્થા છે પણ ભારતીય સંસ્થા ISRO પણ કોઈ રીતે ઊતરતી નથી આ બાબત આ ફિલ્મ પર થી ફલિત થાય છે. જે મિશન માટે વિશ્વ ના સ્પેસ સંસ્થાઓ જે ખર્ચ કરે છે તેના થી ખૂબ ઓછા ખર્ચ દ્વારા ભારતે મિશન મંગળ ને સફળ બનાવેલ. આ બાબત ખરેખર ગર્વ લેવા જેવી છે. આ ફિલ્મ જોઈ ત્યારે એક બાબત નું દુ:ખ પણ થયું કે વૈજ્ઞાનિક શોધ પાછળ ના ખર્ચ બાબતે ભારત ના બજેટ માં ચોક્કસ લોભ કરવામાં આવે છે. ઘણી વાર એમ થાય કે ભારત જેવા દેશ માં જોઈએ એટલી વૈજ્ઞાનિક શોધો કેમ થતી નથી??? પણ આ પ્રશ્ન નો એક જવાબ આ શબ્દ “ બજેટ” માં છુપાયેલો છે.

એક ટેક્સ અંગે ના સમાચાર-પત્ર ના એડિટર/કટાર લેખક તરીકે હમેશા ટેક્સ-સેસ ઘટાડા બાબતે આગ્રહ કરતાં લેખ લખવાના થતાં હોય છે. પણ જ્યારે મિશન મંગલ ફિલ્મ જોઈ ત્યારે એક બાબત નો વિચાર આવ્યો. ઇન્કમ ટેક્સ માં હાલ એજયુકેશન અને હાયર એજયુકેશન સેસ છે જ. આ સેસ ની રકમ સીધી રીતે જે તે કામ માટે જાય. આ પ્રકાર નો “સાઇંટિફિક સેસ” શું ના લાવી શકાય??? આ પ્રકાર ના સેસ ના કારણે ભારતીય વૈજ્ઞાનિકો ને નવી શોધ કરવા “બજેટ” ની સમસ્યા નું નિરાકરણ થઈ શકે છે!!!

લેંડર વિક્રમ સાથે નો સંપર્ક સ્થાપિત થાય ત્યારે ખબર પડશે કે મિશન 100% સફળ થયું છે કે નહીં. પણ એ વાત જાણવી તો ખૂબ જરૂરી છે કે આ મિશન નો અન્ય ભાગ “રોવર” તો સફળતા પૂર્વક ચંદ્ર ની કક્ષા માં ભ્રમણ કરી રહ્યું છે. આવનારા અંદાજે 1 વર્ષ સુધી આ “રોવર” ચંદ્ર ની કક્ષા માં ભ્રમણ કરી મહત્વ ની વિગતો આપતું રહેશે. મને વિશ્વાસ છે કે “રોવર” ની જેમ “લેંડર” પણ સફળ થશે. આ લેખ નો અંત ફરી પ્રધાનમંત્રી ના શબ્દો થી કરીએ…. “લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ”       ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

error: Content is protected !!
18108