જી.એસ.ટી. અધિકારી ગમે ત્યારે વેપારીને ત્યાં ત્રાટકી શકે છે જેવા મીડિયા અહેવાલો બાબતે CBIC દ્વારા કરવામાં આવ્યો મહત્વનો ખુલાસો
અધિકારી દ્વારા કરદાતાને રિટર્નમાં તફાવતનું કારણ પુછવામાં આવશે, સંતોષકારક જવાબ નહીં હોય ત્યારે જ કરવામાં આવશે કાર્યવાહી
13.01.2022: 01.01.2022 થી જી.એસ.ટી. કાયદાની કલમ 75 હેઠળ સુધારો કરવામાં આવ્યો છે. આ કલમમાં ખુલાસો દાખલ કરવામાં આવ્યો છે. આ ખુલાસા પ્રમાણે કરદાતા દ્વારા ફાઇલ કરવામાં આવેલ GSTR 1 (વેચાણ રજીસ્ટર)માં દર્શાવવામાં આવેલ પરંતુ GSTR 3B માં ટેક્સના ભરવામાં આવ્યો હોય તેવા વેચાણ માટે જી.એસ.ટી. અધિકારી “રિકવરી” (વસૂલાત) હાથ ધરી શકે છે. વિવિધ મીડિયા દ્વારા આ સુધારા બાબતે એવા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા કે આ સુધારા પછી જી.એસ.ટી. અધિકારી વેપારીને ત્યાં કોઈ પણ જાણ કર્યા વગર તપાસ હાથ ધરી શકશે. આ પ્રકારના મીડિયા અહેવાલોથી વેપારી આલમમાં ભયનો માહોલ ઊભો થયો હતો. આ બાબતે સ્પષ્ટતા કરતાં જી.એસ.ટી. નું નિયમન કરતી સંસ્થા સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમસ (CBIC) દ્વારા પરિપત્ર 01/2022 તા. 07.01.2022 બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે GSTR 1 માં હોય પરંતુ GSTR 3B માં દર્શાવવામાં આવેલ ના હોય તેવા “સેલ્ફ એસેમેંટ ટેક્સ” માટે અધિકારીને કાર્યવાહી કરવા સતા ચોક્કસ આપવામાં આવી છે. પરંતુ આ સત્તાનો ઉપયોગ કરતાં પહેલા અધિકારી દ્વારા શક્ય હોય ત્યાં સુધી વેપારીને ખુલાસો કરવાની તક આપવાની રહેશે. કરદાતા દ્વારા કરવામાં આવેલ ખુલાસો ધ્યાને લઈ આ રિકવરીની સત્તાનો ઉપયોગ કરવો કે નહીં તેનો નિર્ણય અધિકારી દ્વારા લેવામાં અવશે. આ ખુલાસો બહાર પાડવામાં આવતા મીડિયા અહેવાલોથી ઊભો થયેલ ભયનો માહોલ ઓછો થશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. આ સાથે નિષ્ણાંતો એ પ્રશ્ન પણ ઉઠાવી રહ્યા છે કે આ પરિપત્રમાં “The Officer May Send A Communication” શબ્દો દ્વારા જે વિકલ્પ અધિકારીને આપવામાં આવ્યો છે તે યોગ્ય નથી. આ પ્રકારની ગંભીર કાર્યવાહીમાં કરદાતાને ફરજિયાત સાંભળવાની તથા ખુલાસા કરવાની તક આપવામાં આવે તે જરૂરી છે. આ અંગે વિવિધ વેપારી સંગઠનો રજૂઆત કરે તે જરૂરી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે