GSTમાં વ્યાજની ગણતરી અંગે કરદાતાઓને મોટી રાહત
ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો – ઇલેક્ટ્રોનિક કેશ લેજરમાં સમયસર જમા કરાવેલી રકમ પર વ્યાજ વસૂલ કરી શકાય નહીં
-By Darshit Shah, Advocate
અમદાવાદ, તા. 27 જુલાઈ
ગુજરાત હાઈકોર્ટે GST હેઠળ વ્યાજની વસૂલાત અંગે કરદાતાઓને મોટી રાહત આપતો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. Anas Enterprise v. Union of India કેસમાં હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કરદાતાએ GSTની કર રકમ રિટર્નની નિયત તારીખ પહેલાં જ Electronic Cash Ledgerમાં જમા કરાવી દીધી હોય, તો માત્ર GSTR-3B રિટર્ન મોડું ભરવાના કારણે તે જમા કરાવેલી રકમ પર વ્યાજ વસૂલ કરી શકાય નહીં.
શું હતો વિવાદ?
Anas Enterprise દ્વારા કેટલાક સમયગાળાના GSTR-3B રિટર્ન મોડા ભરવામાં આવ્યા હતા. જોકે, મોટાભાગના કેસોમાં કરની રકમ નિયત તારીખ પહેલાં જ Electronic Cash Ledgerમાં જમા થઈ ગઈ હતી. તેમ છતાં GST વિભાગે રિટર્ન મોડું ભરાયું હોવાથી રિટર્ન ફાઇલ કરવાની તારીખ સુધીનું વ્યાજ વસૂલ કર્યું હતું. બાદમાં કરદાતાએ વધારાનું ચૂકવાયેલું વ્યાજ પરત મેળવવા (Refund) અરજી કરી હતી, પરંતુ વિભાગે Rule 88Bમાં થયેલો સુધારો માત્ર ભવિષ્ય માટે લાગુ પડે છે તે કારણ દર્શાવી રિફંડ નામંજૂર કર્યો હતો.
હાઈકોર્ટે શું કહ્યું?
હાઈકોર્ટે પોતાના અગાઉના Arya Cotton Industries ચુકાદાનો આધાર લઈને જણાવ્યું કે Electronic Cash Ledgerમાં જમા કરાવેલી રકમ સરકાર પાસે અગાઉથી જ ઉપલબ્ધ હોય છે. તેથી તે રકમ પર માત્ર રિટર્ન મોડું ભરાયું હોવાથી વ્યાજ વસૂલ કરવાનો કોઈ આધાર નથી.
કોર્ટે નોંધ્યું કે Rule 88Bમાં 10 જુલાઈ, 2024થી ઉમેરવામાં આવેલ Proviso માત્ર કાયદાની સ્પષ્ટતા (Clarificatory) માટે છે, અને વિભાગ આ સુધારાને બહાનું બનાવી અગાઉના સમયગાળામાં રાહત નકારી શકતો નથી. જો કેસ Arya Cottonના સિદ્ધાંતો હેઠળ આવતો હોય તો કરદાતાને તેનો લાભ મળવો જ જોઈએ.
વિભાગની કાર્યવાહી પર કોર્ટની કડક ટિપ્પણી
હાઈકોર્ટે નોંધ્યું કે વિભાગે Arya Cottonના ચુકાદો લાગુ પડતો હોવાની વાત નકારી નહોતી, છતાં માત્ર Rule 88Bના સુધારાને Prospective ગણાવી રિફંડ નામંજૂર કર્યો હતો. કોર્ટે આ વલણને “Selective Denial” ગણાવ્યું અને જણાવ્યું કે આ નિર્ણય મનસ્વી (Arbitrary) તથા કાયદાનો યોગ્ય વિચાર કર્યા વિના લેવાયો હતો.
કોર્ટે આપેલા આદેશ
હાઈકોર્ટે:
- રિફંડ નામંજૂર કરતો આદેશ રદ કર્યો.
- વ્યાજની વસૂલાત અંગેની Recovery Notice પણ રદ કરી.
- કરદાતાને વધારામાં ચૂકવાયેલું વ્યાજ પરત આપવા આદેશ કર્યો.
- રિફંડ સાથે 6% વાર્ષિક વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો.
- છ અઠવાડિયામાં રિફંડ ન આપવામાં આવે તો વધુ 12% વાર્ષિક વ્યાજ ચૂકવવાનું પણ નિર્દેશ આપ્યો.
- ઉપરાંત વિભાગ પર ₹5,000નો ખર્ચ (Cost) પણ ફટકાર્યો.
કરદાતાઓ માટે શું મહત્વ?
આ ચુકાદો એવા હજારો કરદાતાઓ માટે અત્યંત મહત્વનો છે જેમણે સમયસર GSTની રકમ Electronic Cash Ledgerમાં જમા કરાવી હતી પરંતુ GSTR-3B મોડું ભરવાના કારણે વધારાનું વ્યાજ ચૂકવવું પડ્યું હતું. આવા કરદાતાઓ હવે પોતાના કેસના તથ્યોને આધારે વધારાના વ્યાજના રિફંડ માટે દાવો કરવાની તક મેળવી શકે છે.
લેખક વિશ્લેષણ:
આ ચુકાદાથી ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે GSTમાં વ્યાજનો હેતુ સરકારને થયેલા નાણાકીય વિલંબની ભરપાઈ કરવાનો છે, દંડ વસૂલવાનો નથી. જો સરકાર પાસે કરની રકમ પહેલેથી જ ઉપલબ્ધ હોય તો માત્ર રિટર્ન મોડું ભરવાના કારણે તે જ રકમ પર વ્યાજ વસૂલ કરવું કાયદેસર નથી. આ નિર્ણય સમગ્ર દેશમાં આવા પ્રકારના વિવાદોમાં મહત્વપૂર્ણ માર્ગદર્શક પુરવાર થઈ શકે છે.
