ન્યાયતંત્રની સ્વાયત્તતા અને જનહિતના રક્ષણ કાજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો શંખનાદ…
અમદાવાદ, તારીખ: ૦૩ ઓક્ટોબર, ૨૦૨૬
‘ગુજરાત ભાડા વિધેયક, ૨૦૨૬‘ માં સત્તાના પૃથક્કરણના સિદ્ધાંતોનું અનાદર: ન્યાયિક ક્ષેત્ર પર વહીવટી અતિક્રમણ સામે સમગ્ર રાજ્યના ધારાસાસ્ત્રીઓનો પ્રબળ આક્રોશ
ભારતીય સંવિધાનના મૂળભૂત આદર્શ ‘ન્યાયિક સ્વતંત્રતા’ અને ‘ન્યાયતંત્રના પૃથક્કરણ’ના દિવ્ય સિદ્ધાંતોનું રક્ષણ કરવું એ કોઈપણ સજાગ અને નિષ્ઠાવાન કાયદાકીય સંસ્થાનું પરમ કર્તવ્ય છે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પસાર કરવામાં આવેલા ‘ગુજરાત ભાડા વિધેયક, ૨૦૨૬‘ માં ભાડા સંબંધી અતિ સંવેદનશીલ તકરારોના નિવારણ માટે સ્મોલ કોઝ કોર્ટની પરંપરાગત ન્યાયિક સત્તાઓ આંચકી લઈ, તેને વહીવટી અધિકારીઓ (એડિશનલ કલેક્ટર તથા ડેપ્યુટી કલેક્ટર) હસ્તક સુપ્રત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ દૂરોગામી અને વિપરીત અસર નીપજાવનારી જોગવાઈ સામે સમગ્ર ગુજરાતના બુદ્ધિજીવી એડવોકેટો, પક્ષકારો અને જનસામૂહમાં વ્યાપક અસંતોષ અને વિરોધનો કલ્લોલ ઉઠ્યો છે.
ન્યાયમંદિરોની ગરિમા અને પ્રજાજનોના કાયદાકીય અધિકારોના હનનની આ ગંભીર સ્થિતિની ત્વરિત નોંધ લેતાં, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આજે તારીખ ૦૩/૧૦/૨૦૨૬ના રોજ એક અસાધારણ વર્ચ્યુઅલ સમીક્ષા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગંભીર વિચાર-વિમર્શના અંતે સર્વાનુમતે સ્પષ્ટપણે ઠરાવવામાં આવ્યું કે વહીવટી તંત્ર પાસે પૂર્વથી જ કાર્યભારનો અતિરેક હોવાથી અને પુરાવાઓના સૂક્ષ્મ મૂલ્યાંકન માટેની ન્યાયિક નિપુણતાનો અભાવ હોવાથી, આ જોગવાઈ માત્ર વકીલ આલમ જ નહીં પરંતુ સમગ્ર પ્રજાજનો માટે અસહ્ય પીડા અને ન્યાયમાં વિલંબનું કારણ બનશે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મુખ્ય નિર્ણયો અને ઠરાવના મુખ્ય અંશ:
૧. સંપૂર્ણ સમર્થન અને આંદોલનનું આહ્વાન: છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના વિવિધ વકીલ મંડળો દ્વારા દર્શાવવામાં આવેલા સ્વૈચ્છિક વિરોધને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પૂર્ણપણે સમર્થન જાહેર કરે છે. ૨. અનિશ્ચિતમુદ્દતની ન્યાયિક અળગાહટ (તા. ૦૫/૧૦/૨૦૨૬ થી): આગામી સોમવાર, તારીખ ૦૫ ઓક્ટોબર ૨૦૨૬ થી સમગ્ર ગુજરાતની તમામ અદાલતો, ટ્રિબ્યુનલો, અર્ધન્યાયિક ઓથોરિટીઓ તેમજ રેવેન્યુ કચેરીઓના કામકાજથી તમામ એડવોકેટશ્રીઓ અનિશ્ચિત મુદત સુધી સ્વૈચ્છિક રીતે અળગા રહેશે. ૩. શાંતિપૂર્ણ અને સક્રિય પ્રદર્શન: જ્યાં સુધી આ જોગવાઈમાં વકીલો અને પક્ષકારોના હિતમાં સંતોષજનક સુધારો કરવામાં ન આવે, ત્યાં સુધી તમામ બાર એસોસિએશનો અને હોદ્દેદારો કોર્ટ પરિસરની બહાર હાજર રહી પ્રતિદિન સક્રિય વિરોધ કાર્યક્રમો યોજશે. ૪. સરકારશ્રી સમક્ષ ઉચ્ચસ્તરીય રજૂઆત: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેનશ્રી પી.ડી. પટેલ સાહેબની અગ્રેસરતા હેઠળનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ અતિશીઘ્ર રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી તથા કાયદામંત્રીશ્રીની મુલાકાત લેશે. જેમાં આ ન્યાયિક સત્તાઓ પુનઃ સ્મોલ કોઝ કોર્ટ/ન્યાયિક ઓથોરિટીને સોંપવા અંગે મૂળભૂત કાયદાકીય સુધારાની સઘન રજૂઆત કરવામાં આવશે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આ તકે પુનરોચ્ચાર કરે છે કે, રાજ્યના તમામ વકીલ મંડળો, શ્રમજીવી એડવોકેટો અને અસીલોના હિતાર્થે સંસ્થા ખડકની જેમ અડીખમ ઊભી છે. ન્યાય પ્રણાલીની પવિત્રતા જાળવવા માટેની આ ધર્મલડતમાં સમગ્ર રાજ્યના તમામ એડવોકેટશ્રીઓને એકજૂટ થઈ સુયોજિત અમલવારી કરવા અપીલ કરવામાં આવે છે.
.
.
.
ટેક્ષ~એડવોકેટ અને નોટરી 🎓
હર્ષદકુમાર વસંતલાલ ઓઝા ✍
(ઉત્તર ગુજરાત ઝોન પ્રેસ રિપોર્ટર / અહેવાલકર્તા)
