શું ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફથી સતત આવી રહ્યા છે મેસેજ? શું છે કારણ આ મેસેજનું?

Spread the love
Reading Time: 3 minutes

શું આ મેસેજ મુશ્કેલીનો સંકેત છે? અથવા કરી શકાય આ મેસેજને “ઇગનોર”?

તા. 21.03.2022: ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફથી કરદાતાઓને વિવિધ પ્રકારે મેસેજ મોકલવામાં આવતા હોય છે. આ મેસેજ કરદાતાને પોતાના રિટર્ન ભરવાની યાદ અપાવવા, એડ્વાન્સ ટેક્સ ભરવાની યાદ અપાવવા, કરદાતાના કોઈ મોટા વ્યવહારની માહિતી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ પાસે છે તેની માહિતી આપવા, આધાર-PAN લિન્ક કરાવવાની બાબતો માટે આપવામાં આવતા હોય છે. આ ઉપરાંત કરદાતાને કોઈ નોટિસ કે પત્ર પાઠવવામાં આવ્યો હોય ત્યારે આવતા હોય છે. હમણાં થોડા સમયથી કરદાતાને આવતા આ મેસેજની સંખ્યામાં ખૂબ મોટા પ્રમાણમા વધારો થયો છે. ટેક્સ પ્રોફેશનલ્સને રોજ ઘણા અસીલો આ મેસેજ ફોરવર્ડ કરી પૂછતાં હોય છે કે શું છે આ મેસેજનું કારણ? કેમ આવે છે આ મેસેજ? કેવી રીતે રોકી શકાય છે આ મેસેજ ને?. ટેક્સ પ્રોફેશનલ્સ પછી તે CA હોય, એડવોકેટ હોય કે ટેક્સ કન્સલ્ટન્ટ હોય અસીલોને મેસેજ વાંચી આ અંગે પોતાની સલાહ આપતા હોય છે. પરંતુ જે કરદાતાઓ એવા છે જેઓ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા નથી લઈ રહ્યા તેઓ માટે આ મેસેજ વધુ દ્વિધા રૂપ બની જતાં હોય છે. આજે આ લેખમાં કરદાતાઓના સામાન્ય પ્રશ્નો અને તેના સમાધાન આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

કેવા પ્રકારના મેસેજ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા મોકલવામાં આવતા હોય છે?

સામાન્ય રીતે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા નીચે મુજબની બાબતો માટે SMS મોકલવામાં આવતા હોય છે.

  1. ઇન્કમ ટેસ્ક રિટર્ન ભરવા યાદી અપાવવા:

કરદાતાઓને સૌથી વધુ મેસેજ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની યાદી અપાવવા આપવામાં આવતા હોય છે. ખાસ કરીને માર્ચ મહિનામાં પાછલા વર્ષનું રિટર્ન ભરવાનો છેલ્લો મહિનો હોય ત્યારે આ પ્રકારના મેસેજ સૌથી વધુ આવતા હોય છે. ઇન્કમ ટેક્સ હેઠળ વ્યક્તિગત કે HUF કરદાતાઓએ જો તેમની આવક ટેક્સેબલ લિમિટથી વધુ (2,50,000 થી વધુ) હોય તો જ તેઓએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત રહેતું હોય છે. આ સિવાયના મોટાભાગના કરદાતાઓએ આવક હોય કે ના હોય રિટર્ન ભરવું ફરજિયાત રહેતું હોય છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ PAN ડેટાબેઇઝને ધ્યાને લઈ જે કરદાતાઓ દ્વારા રિટર્ન ભરવામાં ના આવ્યું હોય તેવા તમામ કરદાતાઓને મેસેજ મોકલતું હોય છે. જો કે ક્યારેક એવું પણ બનતું હોય છે કે ટેકનિકલ કારણોસર રિટર્ન ભર્યું હોય તો પણ આ મેસેજ કરદાતાને મોકલવામાં આવ્યો હોય. પરંતુ આ મેસેજ આવ્યો હોય તો કરદાતા દ્વારા એ તપાસ કરી લેવી જરૂરી છે કે તેઓનું રિટર્ન ભરાયા બાદ “ઇ વેરિફાય” થઈ ગયું છે કે નહીં. જે કરદાતા એવા છે જેઓની આવક કરપાત્ર મર્યાદાથી ઓછી છે તેઓ આ મેસેજને “ઇગનોર” કરી શકે છે. જે કરદાતા એવા છે કે જેઓની આવક કરમુક્તિ મર્યાદાથી વધુ છે, અને તેઓનું રિટર્ન ભરવાનું બાકી હોય તો આ મેસેજની ગંભીરતા સમજી ચોક્કસ પોતાનું ઇન્કમ ટેક્સ ભરી આપવું જોઈએ.

  1. “ઇ વેરિફિકેશન” અંગેના મેસેજ:

કોઈ કરદાતા દ્વારા જ્યારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી આપવામાં આવ્યું હોય ત્યાર બાદ તે રિટર્નને “ઇ વેરીફાય” કરવાનું રહે છે. કરદાતા આધાર OTP વડે, બેન્ક EVC દ્વારા આ રિટર્ન ઇ વેરીફાય કરી શકે છે. કોઈ ટેકનિકલ ક્ષતિઓના કારણે જો આ રિટર્ન ઇ વેરિફાય ના થઈ શકે તેમ હોય તો કરદાતાએ આ રિટર્ન સહી કરી રિટર્ન ભર્યા તારીખથી 120 દિવસની અંદર ઇન્કમ ટેક્સ CPC બેંગલુરુ મોકલી આપવાનું રહેતું હોય છે. જો રિટર્ન ભર્યા બાદ ઇ વેરિફિકેશન બાકી હોય તો પણ ઇન્કમ ટેક્સ તરફથી મેસેજ મોકલવામાં આવતા હોય છે. આ મેસેજને ગંભીરતાથી લઈ રિટર્ન ઇ વેરિફાય કરવું જરૂરી છે. આમ, 120 દિવસમાં રિટર્ન ઇ વેરિફાય ના કરવામાં આવે તો ઇન્કમ ટેક્સ રિટર્ન “ઈનવેલીડ” (રદ) થઈ જતું હોય છે. આમ, આ મેસેજ તમામ કરદાતાઓ એ ગંભીરતાથી લેવો જોઈએ.

  1. “સિગ્નિફિકંટ ફાઈનાન્શિયલ ટ્રાન્સેકશન” (SFT) અંગે ના મેસેજ:

હાલ થોડા સમયથી નાણાકીય વર્ષ 2021 22 ના “સિગ્નિફિકંટ ફાઈનાન્શિયલ ટ્રાન્સેકશન” અંગેના મેસેજ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા મોકલવામાં આવી રહ્યા છે. આ મેસેજ કરદાતા દ્વારા કરવામાં આવેલ મોટા નાણાકીય વ્યવહાર સબંધી છે. કરદાતા દ્વારા મોટી રકમ બેન્કમાં જમા કરવામાં આવી હોય, મોટી રકમનું કમિશન મેળવવામાં આવ્યું હોય, મોંઘી સ્થાવર મિલ્કત કે મોટર કાર લેવામાં આવી હોય તેવા કિસ્સામાં આ પ્રકારના મેસેજ મોકલવામાં આવતો હોય છે. જો કોઈ વ્યક્તિએ આ પ્રકારના વ્યવહાર કર્યા હોય તો આ મેસેજને સામાન્ય ગણી શકે છે. આવ વ્યક્તિ ઓનલાઈન લૉગિન કરી આ વ્યવહારોનો સ્વીકાર કરી શકે છે. પરંતુ કોઈ વ્યક્તિએ આ પ્રકારના વ્યવહારો કર્યા ના હોય તો પણ આ મેસેજ આવ્યો હોય ત્યારે આ મેસેજની ગંભીરતા સમજી તેનો યોગ્ય પ્રતિઉત્તર ટેક્સ પ્રોફેશનલ્સની મદદ લઈ આપવી દેવો જોઈએ.

  1. આધાર PAN લિન્ક કરવા અંગેના મેસેજ:    

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કરદાતાના આધાર કાર્ડને PAN કાર્ડ સાથે લિન્ક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 છે. આ યાદ અપાવવા હાલ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફથી મેસેજ મોકલવામાં આવે છે. મહદ્દઅંશે જેમના આધાર-PAN લિન્ક નથી તેવા કરદાતાઓ નેજ આ પ્રકારના મેસેજ આવતા હોય છે. જો કોઈ કરદાતાએ આધાર-PAN લિન્ક કરાવવાનું બાકી હોય તો ચોક્કસ આ મેસેજ ધ્યાને લઈ આધાર-PAN લિન્ક કરવી આપવું જોઈએ. આધાર-PAN કોઈ તફાવતના કારણે લિન્ક ના થતું હોય તો આ તફાવતમાં સુધારો કરવા પ્રયાસો કરવા જરૂરી છે.

    5. શું ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટના મેસેજ બંધ કરવી શકાય નહીં?  

આ સવાલ ઘણી વાર એક ટેક્સ એડવોકેટ તરીકે મને પુછવામાં આવતો હોય છે. આ બાબતે અમે અસીલોને જણાવતા હોઈએ છીએ કે આ પ્રકારના મેસેજ એ “ટ્રાન્સેકશનલ” મેસેજ છે. આ મેસેજ DND (ડુ નોટ ડિસ્ટર્બ) થી પણ બંધ કરી શકાય નહીં. પરંતુ આ મેસેજનો અર્થ સમજી ક્યાં મેસેજની ગંભીરતા કેટલી છે તે જાણી યોગ્ય પગલાં લેવા કરદાતા માટે જરૂરી છે. આ મેસેજથી ટેન્શનમાં આવી જવાનું કોઈ કારણ નથી. હા, આ બાબતે જરૂર જણાય ત્યાં ટેક્સ પ્રોફેશનલ જેવા કે ટેક્સ એડવોકેટ, CA કે ટેક્સ કન્સલ્ટન્ટની સલાહ લેવી જોઈએ.

ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!