ઇન્કમ ટેક્સ હેઠળ આવી રહી છે ડિમાન્ડ!! કરદાતાએ આ અંગે શું કરવું???
આ ડિમાન્ડ છે શેર બજાર જેવી “સ્પેશિયલ રેઇટ” આવક ઉપરની
21.09.2024: ઇન્કમ ટેક્સ હેઠળ નાણાકીય વર્ષ 2023 24 ના ઇન્કમ ટેક્સ રિટર્નમાં મોટા પ્રમાણમા ડિમાન્ડ આવી રહી હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ડિમાન્ડ મોટાભાગે શેર બજાર, મિલ્કત વેચાણ વગેરે જેવી “સ્પેશિયલ રેઇટ” આવક ઉપર “રિબેટ” નામંજૂર થવાના કારણે આવી રહી છે. ઇન્કમ ટેક્સ હેઠા નાણાકીય વર્ષ 2023 24 થી કલમ 115 BAC હેઠળ નવા દરો “ડિફોલ્ટ” બનાવવામાં આવ્યા છે. આમ, મોટાભાગના કરદાતા દ્વારા નવા દરે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે એવું માનવમાં આવી રહ્યું હતું કે ઇન્કમ ટેક્સ હેઠળ નવા દરોમાં 25000 રૂ સુધીનું રિબેટ બાદ મળે છે. આ રિબેટના કારણે જ 7 લાખ સુધી કરદાતાની આવક કરમુક્ત બની જતી હતી. 05 જુલાઇ 2024 સુધી તો ડિપાર્ટમેંટની વેબસાઇટ ઉપરની “યુટિલિટી” માં પણ આ પ્રકારની “સ્પેશિયલ રેઇટ” આવક ઉપર રિબેટ આપવામાં આવતું હતું. પરંતુ 05 જુલાઇના રોજ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટની યુટિલિટીમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને નવા દરો મુજબ ઇન્કમ ટેક્સ રિટર્ન બાબતે “સ્પેશિયલ રેઇટ” ઇન્કમ ઉપર રિબેટનો લાભ આપવાનું બંધ કરી આપવામાં આવ્યું હતું. 05 જુલાઇએ જે યુટિલિટી સુધારવામાં આવી હતી તેની અસર અલગ અલગ સૉફ્ટવેર દ્વારા લાગુ કરતાં 20 જુલાઇ જેવો સમય થઈ ગયો હતો. આમ, મોટા પ્રમાણમા ઇન્કમ ટેક્સ રિટર્નમાં “સ્પેશિયલ રેઇટ” ઇન્કમ ઉપર રિબેટનો લાભ લેવામાં આવ્યો હતો.
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા પણ આ બાબતે અસમંજસ સ્થિતિ પ્રવર્તતી હોય તેવું લાગી રહ્યું હતું. આ કારણે જ આ પ્રકારના “સ્પેશિયલ ટેક્સ રેઇટ” ધરાવતા ઇન્કમ ટેક્સ રિટર્ન “પ્રોસેસ” કરવામાં બાકી રાખવામા આવ્યા હતા. હવે, છેલ્લા ત્રણ દિવસથી આ રિટર્ન ઇન્કમ ટેક્સ દ્વારા પ્રોસેસ કરવામાં આવી રહ્યા છે અને મોટા પાયે આ રિટર્નમાં ડિમાન્ડ ઊભી કરવામાં આવી રહી છે. આ પ્રમાણે ડિમાન્ડ સાથે પ્રોસેસ થતાં કરદાતાઑ તથા તેમના ટેક્સ પ્રોફેશનલ્સ માટે કપરી સ્થિતિ ઊભી થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. આ બાબતે કરદાતાઑ એ શું કરવું એ પ્રશ્ન સૌ કોઈ કરદાતાઓમાં ચર્ચાનો વિષય બની ગયો છે. નિષ્ણાંતોનું માનવું છે કે આ પ્રકારે ડિમાન્ડ ઊભી થતાં કરદાતા પાસે બે વિકલ્પો રહે છે. પહેલો વિકલ્પ છે તેઓ આ રકમ ભરી આપે. બીજો વિકલ્પ છે આ ડિમાન્ડ બાબતે કોઈ ખાસ રાહત સરકાર દ્વારા આપવામાં આવે તેની રાહ જુવે. પરંતુ આ રાહ જોવામાં કરદાતા ઉપર 1% પ્રતિ માસ લેખે વ્યાજની જવાબદારી ચાલુ રહે છે તે જાણવું ખૂબ જરૂરી છે. હા, આ કારણે જે ડિમાન્ડ ઊભી થઈ છે તે મહત્તમ 25000/- સુધીની જ હોય તે સ્વાભાવિક છે. ડિમાન્ડ ભલે નાની ગણી શકાય પરંતુ નાના કરદાતાઓ ઉપર આર્થિક ભારણ વધશે તે ચોક્કસ છે. નવા દરો “ડિફોલ્ટ” થયા હોય તેનું આ પ્રથમ વર્ષ હોય, રિબેટ બાબતે ગેર સમાજ હોય, આ વર્ષે કરદાતાઓને સરકાર દ્વારા કોઈ ખાસ રાહત આપવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે