રિફંડ માટે સમયમાં વધારો કરી કરદાતાઓને મળી આ રાહત… પણ આ રાહત સાથે કરદાતાઓ માટે છે આ માઠા સમાચાર

Spread the love
Reading Time: < 1 minute

રિફંડ અરજી કરવાની મુદતમાં 01 માર્ચ 2020 થી 28 ફેબ્રુઆરી 2022 નો “કોવિડ” કાળનો સમય રહેશે બાકાત

તા. 06.07.2022: જી.એસ.ટી. કાઉન્સીલની 47 મી બેઠકની એક મહત્વપૂર્ણ ભલામણ પૈકીની એક ભલામણ જી.એસ.ટી. હેઠળ રિફંડ અરજીમાં વધારો કરવા અંગેની ગણી શકાય. CBIC દ્વારા આ ભલામણોનો સ્વીકાર કરી કરદાતાઓને રાહત આપવામાં આવી છે. CBIC દ્વારા આ અંગે નોટિફિકેશન 13/2022, તા. 05.07.2022 બહાર પાડવામાં આવ્યું છે. જી.એસ.ટી. હેઠળ કલમ 54 હેઠળ રિફંડ મેળવવા હક્કદાર કરદાતાઓને રિફંડ અરજી કરવાની મર્યાદાઓમાં 01 માર્ચ 2022 થી 28 ફેબ્રુઆરી 2022 સુધીનો સમયગાળો બાકાત રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. રિફંડ મેળવવા હક્કદાર કરદાતાઑ માટે આ ખુશ ખબર છે. ગુજરાત હાઇકોર્ટ સહિત વિવિધ હાઇકોર્ટમાં આ અંગે અનેક કરદાતાઓએ રિટ પિટિશન કરવામાં આવી છે. આ સાથેજ કરદાતાઑ માટે એક માઠા સમાચાર પણ છે. રિફંડની મુદત વધારા સાથે જી.એસ.ટી. અધિકારી દ્વારા કરવામાં આવતી “રિકવરી” (ઉઘરાણી) ની સમયમર્યાદામાં પણ વધારો કરી આપવામાં આવ્યો છે. જી.એસ.ટી. કાયદાની કલમ 73(10) હેઠળ નાણાકીય વર્ષ 2017 18 માટેની સમયમર્યાદા જે વાર્ષિક રિટર્નની છેલ્લી તારીખથી 3 વર્ષની રહેતી હોય છે, તે ગણતરી કરવામાં પણ કોવિડ કાળને બાદ કરી આપવામાં આવ્યો છે. આમ, 01 માર્ચ 2020 થી 28 ફેબ્રુઆરી 2022 સુધીનો સમયગાળો હવે આ ત્રણ વર્ષની મર્યાદામાં ગણાશે નહીં. સામાન્ય રીતે કહીએ તો હવે અધિકારી કરદાતા પાસેથી રિકવરી હવે ત્રણના બદલે પાંચ વર્ષ સુધી કરી શકશે. રિફંડની મુદતમાં વધારો થતાં અમુક કરદાતાઓને ચોક્કસ ફાયદો થશે પરંતુ તેની સામે “રિકવરી” ની મુદત વધારો કરવામાં આવતા ઘણા મોટા પ્રમાણમા કરદાતાઓ ખરાબ રીતે પ્રભાવિત થશે તેવું માનવમાં આવી રહ્યું છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!