ઇન્કમ ટેક્સ રિટર્ન ભરો તુરંત, બચાવો લેઇટ ફી બચાવો વ્યાજ

Spread the love
Reading Time: 4 minutes

ઓડિટ કરવા જવાબદાર હોય તે સિવાયના કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે 31 જુલાઇ

તા. 18.07.2022

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે. બિઝનેસ આવક ધરાવતા કરદાતા પૈકી એવા કરદાતા કે જેઓએ પોતાના ચોપડા ઓડિટ કરાવવા જવાબદાર હોય, ટ્રસ્ટ જેવા અન્ય ઓડિટ માટે જવાબદાર કરદાતાઓ તેઓના માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર હોય છે. આ સિવાયના તમામ કરદાતાઓએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ 2022 છે.

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ક્યારે છે ફરજિયાત?

ભાગીદારી પેઢી તથા કંપની માટે આવક હોય કે ના હોય, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત રહેતું હોય છે. આ સિવાયના કરદાતાઓ માટે જો તેઓની આવક મહત્તમ મુક્તિ મર્યાદાથી વધુ હોય તેવા કિસ્સામાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત બની જતું હોય છે. આ તકે એક બાબત ધ્યાને લેવી જરૂરી છે કે હાલ ઇન્કમ ટેક્સ હેઠળ વ્યક્તિગત તથા HUF કરદાતા માટે મહત્તમ મુક્તિ મર્યાદા 2.5 લાખ છે (અઢી લાખ) 5 લાખ નથી. આમ, 2.5 લાખ ઉપર આવક ધરાવતા તમામ કરદાતાઓએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે.

31 જુલાઇ પહેલા રિટર્ન ભરી બચાવો લેઇટ ફી:

31 જુલાઇ પહેલા કરદાતાઓએ રિટર્ન ભરવું જરૂરી છે. આ રિટર્ન જો મોડુ ભરવામાં આવે તો કરદાતા 1000 થી માંડી 5000 જેવી લેઇટ ફી ભરવા જવાબદાર બની જાય છે. 31 જુલાઇ પછી રિટર્ન ભરવામાં આવે તો સામાન્ય રીતે 5000 ની લેઇટ ફી લગતી હોય છે. પરંતુ જે કરદાતાઓની કુલ આવક 5 લાખથી નીચે હોય તેઓને આ લેઇટ ફી માં રાહત આપવામાં આવેલ છે. તેઓ રિટર્ન મોડુ ભારે તો 1000 રૂ ની લેઇટ ફી ભરવા જવાબદાર બનશે. જે કરદાતાઓની આવક આવકવેરા છૂટની મહત્તમ મર્યાદાથી નીચે છે અને જેઓ ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ઇન્કમ ટેક્સ રિટર્ન ફરજિયાત ભરવા જવાબદાર નથી તેવા કરદાતાઓ ઉપર કોઈ લેઇટ ફી લગતી નથી.

31 જુલાઇ પહેલા રિટર્ન ભરી બચાવો વ્યાજ!!

31 જુલાઇ સુધીમાં રિટર્ન ભરવા જવાબદાર કરદાતાઓ માટે આ રિટર્ન મોડુ ભરવામાં આવે તો ટેક્સ ઉપરાંત વ્યાજની જવાબદારીઓ આવે છે. આ વ્યાજ બચાવવા પણ ઇન્કમ ટેક્સ રિટર્ન સમયસર 31 જુલાઇ સુધીમાં ભરવું આગ્રહ ભર્યું છે.

ચાલુ વર્ષનું નુકસાન આગળ લઈ ભવિષ્યની આવક સામે વળતર મેળવવા પણ રિટર્ન સમયસર ભરવું છે જરૂરી:

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કોઈ નાણાકીય વર્ષમાં કરદાતાને ધંધામાં, શેરબજારમાં અન્ય કોઈ આવકના સ્ત્રોતમાં નુકસાન થયેલ હોય તો નિયત શરતોને આધીન તથા નિયત વર્ષો સુધી આ નુકસાન પછીના વર્ષોની આવક સામે બાદ મળતું હોય છે. આ નુકસાન ભવિષ્યના વર્ષોની આવક સામે બાદ મેળવવા જે વર્ષમાં નુકસાન થયેલ હોય તે વર્ષનું રિટર્ન સમયમર્યાદામાં ભરવું ફરજિયાત છે. આમ, આવા કરદાતાઓએ 31 જુલાઇ (ઓડિટ વાળા કેસોમાં 31 ઓક્ટોબર) પહેલા પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી આપવું ફરજિયાત છે. ઘણીવાર કરદાતાને મોટું નુકસાન થયેલ હોય અને ભવિષ્યમાં થયેલ મોટા ફાયદા સામે આ “સેટ ઓફ” મળી શકતું હોય પરંતુ માત્ર જે તે નુકસાન વાળા વર્ષમાં રિટર્ન સમયસર ના ભરવામાં આવેલ હોય તે કારણે તેઓ આ લાભ મેળવવા માંથી વંચિત રહી જતાં હોય છે.

રિટર્ન ભરતા પહેલા TIS/AIS ચેક કરવાનું ચૂકશો નહીં!!

નાણાકીય વર્ષ 2020 21 થી ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર કરદાતાઓ માટે AIS (એન્યોલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ) તથા TIS (ટેક્સપેયર્ ઇન્ફોર્મેશન સમરી) ની સગવડ આપવામાં આવી છે. આ AIS તથા TIS માં કરદાતાની આવકની માહિતી, વ્યવહારોની માહિતી આપવામાં આવેલ છે. આ માહિતી જે તે બેન્ક, શેર બજાર પર ટ્રેડિંગની સગવડ પૂરી પડતી કંપનીઓ, દસ્તાવેજોની નોંધણી કરતાં સબ રજીસ્ટ્રાર વગેરે દ્વારા પૂરી પાડવામાં આવેલ માહિતી ઉપરથી તૈયાર થતું હોય છે. હવે જ્યારે કરદાતાઓ પાસે આ માહિતી હોય તેઓ પોતાનું રિટર્ન AIS તથા TIS ને ધ્યાને લઈ ભારે તે જરૂરી છે. જો કરદાતાને લાગે કે AIS/TIS ની માહિતી ખોટી છે અને તેઓએ આ પ્રકારના વ્યવહારો કરેલ નથી તો તેઓ આ અંગે ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર જ ફીડબેક આપી શકે છે. લેખકના મતે, AIS/TIS માં કોઈ ખોટી માહિતી જણાય તો આ ફિડબેક આપવો વૈકલ્પિક (ઓપશનલ) હોવા છતાં ફરજિયાત આ ફિડબેક આપવો કરદાતા મતે હિતકારક રહે છે.

છેલ્લા દિવસની રાહ જોયા વગર શક્ય હોય ત્યાં સુધી વહેલું ભરાવો ઇન્કમ ટેક્સ રિટર્ન

ઘણીવાર કરદાતાઓ છેલ્લા દિવસ સુધી પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરાવવાની રાહ જોતાં હોય છે. છેલ્લી તારીખ 31 જુલાઇ હોય છેલ્લા અઠવાડીયામાં રિટર્ન ભરવા મોટા પ્રમાણમા ધસારો જોવા મળતો હોય છે. એ બાબત પર કરદાતાઓનું ધ્યાન દોરવું જરૂરી છે કે છેલ્લા છેલ્લા દિવસોમાં ભારે ઘસારાને કારણે ઇન્કમ ટેક્સ પોર્ટલ જોઈએ તેવી સરળ રીતે કામ કરતું ના હોય તે સામાન્ય છે. આ ઉપરાંત ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની સેવા પૂરી પડતાં એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ટેક્સ કન્સલ્ટન્ટ પણ કામના ભારે દબાણમાં રહેતા હોય છે. આ કારણે ક્યારેક ઉતાવળ થઈ જવાની સંભાવના પણ રહેતી હોય છે. છેલ્લા દિવસોમાં જ્યારે AIS/TIS પોર્ટલ પર યોગ્ય રીતે કામ કરતી હોય નહીં તેવી સંભાવના પણ રહેતી હોય છે. AIS/TIS જોયા વગર રિટર્ન ભરવામાં આવે ત્યારે ભવિષ્યમાં મુશ્કેલી થવાની સંભાવના રહેતી હોય છે. આ તમામ મુશ્કેલીઓ થી બચવા ઇન્કમ ટેક્સ રિટર્ન શક્ય હોય તેટલું વહેલું ભરી આપવું જરૂરી છે.

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખમાં 31 ઓગસ્ટ સુધી વધારો કરવો છે ખૂબ જરૂરી!!

હાલ, ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ઓડિટ સિવાયના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની નિયત તારીખ હાલ 31 જુલાઇ છે. નિષ્ણાંતોના મતે આ તારીખમાં કાયદા માંજ સુધારો કરી આ તારીખ 31 ઓગસ્ટ કરવી ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે 26AS, AIS-TIS ની માહિતી પોર્ટલ ઉપર જૂન મહિનામાં જ યોગ્ય રીતે દર્શાવતી હોય છે. આ માહિતી વગર ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું શક્ય રહેતું હોતું નથી. આમ, કરદાતાઓ માત્ર 1 મહિનાના ટૂંકા ગાળામાં પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા જવાબદાર બનતા હોય છે. આ કારણે કરદાતાઓ ખાસ કરીને ટેક્સ પ્રોફેશનલ્સ અસહ્ય માનસિક ત્રાસ ભોગવતા હોય છે. માત્ર 1 મહિના જેવી ટૂંકી મુદતમાં કામ પૂર્ણ કરવાનું હોય કામની “ક્વોલિટી” બાબતે પણ “કોંપ્રોમાઈઝ” થવાની સંભાવના રહેતી હોય છે. દર વર્ષે ટેક્સ પ્રોફેશનલ્સ એસો છેલ્લા દિવસ સુધી આ મુદતમાં વધારો કરવા રજૂઆતો કરતાં હોય છે. મુદત વધારા બાબતે અનેક વાર વિવિધ હાઇકોર્ટમાં “રિટ પિટિશન” કરવી પડી હોય તેવા પણ અનેક દાખલા છે. રિટર્ન ભરવાની મુદત જો 31 ઓગસ્ટ કરી આપવામાં આવે તો આ મુશ્કેલી મહદ્દ અંશે નિવારી શકાય છે.

ઇન્કમ ટેક્સ રિટર્ન જેઓએ ભરવાનું ફરજિયાત છે તેઓ મતે આજે કે કાલે આ અંગે વિગતો પૂરી પાડવાની મહેનત તો કરવાની જ છે. તો સમયસર આ રિટર્ન ભરી લેઇટ ફી તથા વ્યાજ શું કરવા બચાવવામાં ના આવે???

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં 11.07.2022 ના રોજ પ્રકાશિત થયેલ છે.)

error: Content is protected !!