કોરોના સંકટમાં જી.એસ.ટી. કાયદા હેઠળ પણ કરદાતાઓને આપવામાં આવી મહત્વની રાહતો

Spread the love
Reading Time: 3 minutes

જી.એસ.ટી. મોડો ભરવાં ઉપર લાગતું વ્યાજ, રિટર્ન મોડુ ભરવાં બદલ લગતી લેઇટ ફી કરવામાં આવી માફ પરંતુ *શરતો લાગુ!!

તા. 02.05.2021: કોરોના સંક્રમણનો આ બીજો તબક્કો સમગ્ર દેશમાં પ્રથમ તબક્કા કરતાં અનેક ગણી વધુ કહેર ફેલાવી રહ્યો છે. માર્ચ 2020 થી શરૂ થયેલ કોરોના કાળના પ્રથમ તબક્કામાં  સરકાર દ્વારા જે રીતે સમયસર જી.એસ.ટી. હેઠળ રાહતો આપવામાં આવી હતી તે પ્રકારે આ તબક્કામાં આપવામાં આવી ના હતી તેવી ફરિયાદ ઉઠવા પામી હતી. આ ફરિયાદો ઉપર ધ્યાન આપી સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા કરદાતાઓને મહત્વની રાહતો આપતા નોટિફિકેશન 01 મે 2021 ના રોજ મોડી રાત્રે બહાર પાડવામાં આવ્યા છે.

નોટિફિકેશન 8/2021 દ્વારા જી.એસ.ટી. હેઠળ ભરવાં પત્ર વ્યાજમાં કરદાતાને રાહત આપવામાં આવી છે. 5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓને માર્ચ તથા એપ્રિલનો જી.એસ.ટી. મોડો ભરવામાં આવે તો નિયત મુદતથી 15 દિવસ સુધી રાહતકારક વ્યાજદર 9% નો લાગુ પડશે. ત્યારબાદ જો ટેક્સ ભરવામાં આવશે તો કરદાતાઑ ઉપર 18% નો સામાન્ય વ્યાજ દર જ લાગુ પડશે. 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા માર્ચ તથા એપ્રિલ 2021 ના માસિક રિટર્ન ભરવાં જવાબદાર કરદાતાઓને પ્રથમ 15 દિવસ માટે કોઈ વ્યાજ લાગશે નહીં. ત્યારબાદના 15 દિવસ 9% નો રાહતકારક વ્યાજદર લાગુ પડશે અને ત્યારબાદ 18% નો સામાન્ય દર લાગુ પડશે. 5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા અને ત્રિમાસિક રિટર્ન ભરવાં જવાબદાર કરદાતાઓને પ્રથમ 15 દિવસ માટે કોઈ વ્યાજ લાગશે નહીં. ત્યારબાદના 15 દિવસ 9% નો રાહતકારક વ્યાજદર લાગુ પડશે અને ત્યારબાદ 18% નો સામાન્ય દર લાગુ પડશે. આ નોટિફિકેશન 18 એપ્રિલ 2021ની પાછલી અસરથી લાગુ પડશે.

નોટિફીકેશન 9/2021 દ્વારા 5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓને માર્ચ 2021 અને એપ્રિલ 2021 ના માસિક રિટર્ન મોડા  ભરવાંથી લગતી લેઇટ ફી, જે તે રિટર્નની મુદતથી પ્રથમ 15 દિવસ સુધી ભરવામાં આવે તો માફ કરવામાં આવી છે.  આવી રીતે 5 કરોડથી ઓછું ટર્નઓવર હોય તેવા માર્ચ તથા એપ્રિલ 2021 ના માસિક રિટર્ન ભરવાં જવાબદાર કરદાતાઓ તથા જાન્યુઆરીથી માર્ચનું ત્રિમાસિક રિટર્ન મોડુ ભરવાંથી લગતી લેઇટ ફી નિયત મુદતથી 30 દિવસમાં રિટર્ન ભરવામાં આવે તો માફ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જો આ રિટર્ન વધારાની મુદત બાદ ભરવામાં આવે તો કરદાતાને કોઈ લાભ મળતો નથી અને મૂળ ભરવાંપાત્ર લેઇટ ફી ભરવાંની થાય છે. આ નોટિફીકેશન 20 એપ્રિલ 2021 થી લાગુ ગણાશે. આમ, જેમની લેઇટ ફી આ દરમ્યાન સિસ્ટમ ઉપર લેવામાં આવી છે તે પણ કરદાતાઓને પરત કરવામાં આવશે.

આ ઉપરાંત નોટિફીકેશન 10/2021 થી કંપોઝીશન કરદાતાઓ એ ભરવાંના થતાં GSTR 04 નામના વાર્ષિક પત્રક ભરવાં માટેની મુદતમાં 30 એપ્રિલથી વધારો કરી 31 મે 2021 કરવામાં આવેલ છે. આ નોટિફીકેશન 30 એપ્રિલ 2021 થી અમલી બનાવવામાં આવેલ છે.

નોટિફીકેશન 11/2021 થી જોબ વર્ક માટે મોકલવામાં આવેલ માલ અંગે ભરવાનું થતું જાન્યુઆરી 21 થી માર્ચ 21 માટેનું  ITC 04 ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરી 31 મે 2021 કરવામાં આવેલ છે. આ નોટિફિકેશન 25 એપ્રિલ 2021 થી લાગુ પડશે.

આ ઉપરાંત નોટિફિકેશન 12/2021 દ્વારા એપ્રિલ મહિનામાં ભરવાનું થતું GSTR 1 ફોર્મ જે મે 11 સુધી ભરવાનું થતું હતું તેની મુદતમાં વધારો કરી 26 મે 2021 કરવામાં આવી છે.

નોટિફીકેશન 13/2021 દ્વારા એક મહત્વનો સુધારો જી.એસ.ટી. હેઠળના નિયમ 36(4) માં કરવામાં આવ્યો છે જે હેઠળ હવે આ નિયમ ઈન્પુટ ટેક્સ ક્રેડિટની ગણતરી એપ્રિલ અને મે 2021 ની સાથે કરવાની આવશે. આ ઉપરાંત ત્રિમાસિક રિટર્ન ભરવાં જવાબદાર કરદાતા પોતાનું એપ્રિલ મહિનાનું B2B વેચાણ માટેનું મરજિયાત ફોર્મ IFF હવે 28 મે સુધી ભરી શકશે.

આ ઉપરાંત નોટિફીકેશન 14/2021 દ્વારા જી.એસ.ટી. હેઠળ કરવાની થતી વિવિધ કામગીરીમાં 15 એપ્રિલ 2021 થી 31 મે 2021 સુધીમાં કરવામાં આવતી કામગીરી જેવી કે કોઈ નોટિસનો જવાબ આપવો, અધિકારી દ્વારા માંગવામાં આવેલ કોઈ વિગતો રજૂ કરવાની વગેરે માટેની કામગીરીની મુદતમાં 31 મે સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો આપવાની તારીખ 01 મે થી 30 મે વચ્ચે પડતી હોય તેમાં વધારો કરી અધિકારીઓને 15 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ નોટિફીકેશનને પણ 15 એપ્રિલની પાછલી તારીખથી અમલી બનાવવામાં આવ્યૂ છે.

આ નોટિફીકેશન સેન્ટરલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST)  હેઠળ બહાર પાડવામાં આવ્યા છે. આ અંગે અનુષંગીક નોટિફિકેશન IGST તથા UTGST માં પણ આ સાથેજ બહાર પાડવામાં આવ્યા છે. આ સાથેજ રાજ્યો પણ પોતાના SGST હેઠળના નોટિફિકેશન ટૂંક સમયમાં બહાર પાડશે.

ઉલ્લેખનીયા છેકે ઉપરના તમામ નોટિફિકેશન માત્ર એપ્રિલ અને મે જેવી ટૂંકા ગાળાની મુદતો માટે બહાર પાડવામાં આવ્યા છે. આનો અર્થ એમ પણ માનવમાં આવી રહ્યો છે કે સરકારનો અંદાજ છે કે કોરોનાની આ ભીષણ બીજી લહેર ઉપર ટૂંક સમયમાં કાબૂ મળી જશે. આ તમામ નોટિફીકેશનની રાહ લાંબા સમયથી જોવાઈ રહી હતી. ચાલો દેર આયે દુરુસ્ત આયે!!! ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!