જી.એસ.ટી. હેઠળ નવો નોંધણી દાખલો મેળવવો બનશે વધુ મુશ્કેલ!! વાંચો આ મહત્વના સમાચાર..

Spread the love
Reading Time: 2 minutes

માત્ર આધાર ઓથેનટીકેશન નહીં હવે બાયોમેટ્રિક આધાર ઓથેનટીકેશન બનશે જરૂરી!!

તા. 24.12.2020: 22 ડિસેમ્બર 2020 ના રોજ મોડી રાત્રે જી.એસ.ટી. કાયદા હેઠળ મહત્વના નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. આ પૈકી નોટિફિકેશન 94/2020 દ્વારા જી.એસ.ટી. રજીસ્ટ્રેશન માટેની પદ્ધતિમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આ પદ્ધતિ મુજબ જી.એસ.ટી. નોંધણી માટે અરજી કરનાર કરદાતાએ બાયોમેટ્રિક ઓથેનટીકેશન કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. હાલ, માત્ર આધાર ઓથેનટીકેશન કરવાની પદ્ધતિ અમલમાં છે. આ બાયોમેટ્રિક પદ્ધતિ દાખલ થતાં અરાજકર્તાના અંગૂઠાના નિશાન પણ નોંધણી દાખલો મેળવતા સમયે વેરીફાય કરાવવાના રહેશે. આ નવી પદ્ધતિમાં બાયોમેટ્રિક વેરિફિકેશન ઉપરાંત ઓનલાઈન ફોટો અપલોડ કરવો પણ જરૂરી બનાવી આપવામાં આવ્યો છે. આ મુજબ આધાર ઓથેનટીકેશન કરવી ન શકતા અરજ્કર્તાએ બાયોમેટ્રિક વેરિફિકેશન સરકાર દ્વારા સૂચિત “ફેસિલિટેશન સેન્ટર” ઉપર કરાવવાનું રહેશે. આ ઉપરાંત આ અરજ્કર્તાઓએ પોતાના નોંધણી અરજી સાથેના પુરાવાઓની ચકાસણી આ “ફેસિલિટેશન સેન્ટર” ઉપર કરવવાની રહેશે. આ પ્રકારે વિધિ પૂર્ણ કર્યા બાદ જ નોંધણી દાખલા માટે અરજીની પ્રક્રિયા પૂર્ણ થયેલ ગણાશે.

આ ઉપરાંત જી.એસ.ટી. હેઠળ આધાર ઓથેનટીકેશન થતાં મહત્તમ 3 દિવસમાં નોંધણી આપી દેવાના નિયમમાં પણ ફેરફાર કરી આ મર્યાદા 7 દિવસ કરવામાં આવી છે. આધાર ઓથેનટીકેશન ન કરાવતા કરદાતા અથવા એવા કરદાતા કે જેમના સ્થળની તપાસ કરવી અધિકારીને જરૂરી જણાય, તેવા કિસ્સામાં જે નોંધણી દાખલો આપવાની મુદત 21 દિવસ હતી તેમાં પણ વધારો કરી 30 દિવસ કરી આપવામાં આવી છે. અરજી અન્વયે ત્રુટીઓની જાણ કરતી નોટિસ આપવાના સમયમાં પણ વધારો કરી 3 ની જગ્યાએ 7 દિવસ તથા 21 ની જગ્યાએ 30 દિવસ કરવામાં આવ્યા છે.  જો ઉપર જણાવેલ વધારેલી મુદતોમાં જો અધિકારી નોંધણી દાખલો આપી શકે નહીં તો આ નોંધણી “ડિમ એપરુવડ” ગણાશે.

જી.એસ.ટી. હેઠળ “ફેક ઇનવોઇસ” દ્વારા કરચોરી અંગે અનેક કૌભાંડો પકડવામાં આવ્યા છે. આ પ્રકારના કરચોરો જી.એસ.ટી. હેઠળ સરળ નોંધણી પ્રક્રિયાનો ફાયદો લેતા હોવાની માહિતી સરકારને મળી હતી. આ પ્રકારની કરચોરી ડામવા નોંધણી પ્રક્રિયાને વધુ કડક બનાવવા આ ફેરફારો કરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. કરચોરી ડામવી જરૂરી છે તે અંગે કોઈ બેમત નથી પરંતુ કરચોરી ડામવા કડક બનાવવામાં આવેલ જોગવાઈઓના કારણે પ્રમાણિક કરદાતાઓને સહન કરવાનું થશે તેવું ફલિત થઈ રહ્યું છે. હાલ, આ નવી નોંધણી પ્રક્રિયા લાગુ કરવામાં આવેલ નથી અને સરકાર આ પ્રક્રિયા લાગુ કરવાની તારીખ અંગે હવે પછી જાહેરાત કરશે તેવું આ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે. આ પ્રક્રિયા શરૂ થાય ત્યારેજ ખબર પડશે કે પાડાના વાંકે પખાલીને કેટલો ડામ પડે છે!!! ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

error: Content is protected !!