લીઝ તબદીલ કરવા મળેલ રકમ ઉપર જી.એસ.ટી. લાગુ પડે નહીં: ગુજરાત હાઇકોર્ટ

Spread the love
Reading Time: 3 minutes

માનનીય ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાન્યુઆરી માસની શરૂતમાં એટલેકે 03 જાન્યુઆરી 2025 ના રોજ એક ખૂબ મહત્વપૂર્ણ ચુકાદો આપી વેપાર જગત માટે ખરેખર Happy New Year કહી શકાય તેવી કરી આપી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસટ્રીઝ અને અન્ય વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા અને અન્ય (સ્પેશિયલ સિવિલ એપ્લીકેશન 11335/2023) નો ચુકાદો આપતા માનનીય ગુજરાત હાઇકોર્ટની જસ્ટિસ ભાર્ગવ કારીયા અને જસ્ટિસ નિરલ મહેતાની ટેક્સ બેન્ચ દ્વારા ઠરાવવામાં આવ્યું છે કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (GIDC) દ્વારા ફાળવવામાં આવેલ જમીન અને તેના ઉપર લીઝ લેનાર દ્વારા કરવામાં આવેલ બાંધકામ અન્ય વ્યક્તિને તબદીલ કરવામાં આવે તો આ તબદીલ પેટે મળેલ રકમ ઉપર જી.એસ.ટી. લાગુ પડે નહીં.

કેસના તથ્યો:

આ મુદ્દા ઉપર ઘાણી રીટ પિટિશન માનનીય ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ તમામ પિટિશનને સાથે સાંભળવામાં આવી હતી. આ પિટિશન પૈકી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસટ્રીઝની પિટિશનને કોર્ટ દ્વારા “લીડ” મેટર ગણવામાં આવી હતી. આ કેસના તથ્યો એવા હતા કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (GIDC) એ ગુજરાત સરકાર વતી ઉદ્યોગોના પ્રોત્સાહન માટે કામ કરતી નોડલ એજન્સી છે. આ અજન્સી રાજયમાં ઉદ્યોગ માટે જરૂરી જમીનનું સંપાદન કરી તેને વિકસિત કરી નિર્ધારિત પદ્ધતિ દ્વારા ઉદ્યોગને આ જમીન લાંબાગાળાના લીઝ ઉપર આપે છે. GIDC દ્વારા 99 વર્ષના ભાડા પટ્ટે ઉદ્યોગોને આ જમીન  આપવામાં આવે છે. 99 વર્ષની આ લીઝ અંગે યોગ્ય સ્ટેમ્પ ડ્યૂટી ભરી લીઝ ડિડની નોંધણી કરવવામાં આવે છે. આ લીઝડિડમાં જે તે લીઝ ધારકને લીઝ સમયગાળા દરમ્યાન અન્ય વ્યક્તિને લીઝ તબદીલ કરવાના અધિકાર આપવામાં આવ્યા છે. જો કે આ બાબતે GIDC ની પરવાનગી લેવી જરૂરી હોય છે. 01 જુલાઇ 2017 થી જી.એસ.ટી. અમલમાં આવતા આ પ્રકારે તબદીલ કરવામાં આવેલ “લીઝહોલ્ડ” જમીન ઉપર શા માટે 18% જી.એસ.ટી. લાગુ ના પાડવો તે અંગે મોટા પ્રમાણમા કરદાતાઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ સામે અરાજકારતા ગુજરાત ચેમ્બર દ્વારા વારંવાર જી.એસ.ટી. ડિપાર્ટમેંટને “લીઝહોલ્ડ” જમીન ઉપર જી.એસ.ટી. ના લાગે તે અંગે ખુલાસો કરવાં વિનંતી કરવામાં આવી હતી. જો આ “લીઝહોલ્ડ” જમીન તબદીલ ઉપર જી.એસ.ટી. લાગે તો તે અંગેની ક્રેડિટ માટે તે બાબતે ખુલાસો કરવાં પણ રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતો બાબતે કોઈ ખુલાસા બહાર પાડવામાં ના આવ્યા હોય અરજ્કર્તા દ્વારા આ મુદ્દા ઉપર આ રિટ પિટિશન કરવામાં આવેલ છે.

કરદાતા તરફે દલીલ

કરદાતા તરફે જી.એસ.ટી. કાયદાની “ડેફીનેશન” અંગેની કલમ 2(17) “બિઝનેસ”, 2(52) “ગુડ્સ”, 2(102) “સર્વિસ” થી માંડી જી.એસ.ટી. કાયદાની કલમ 7 સાથે “શિડ્યુલ III” બંધારણના અનુછેદ 246A વિષે અભ્યાસ કરી દલીલ કરવામાં આવી હતી કે “લીઝહોલ્ડ” જમીન ઉપર જી.એસ.ટી. લાગુ પડી શકે નહીં. કરદાતાઓ તરફે દલીલ કરવામાં આવી હતી કે જી.એસ.ટી. કાયદાની કલમ 7(2) હેઠળ “શિડ્યુલ III” માં સૂચવવામાં આવેલ કર્યો આ કાયદા હેઠળ ના તો માલ ગણાશે ના તો સેવા. આ “શિડ્યુલ III” ની એન્ટ્રી 5 માં “સેલ ઓફ લેન્ડ” નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જી.એસ.ટી. કાયદા હેઠળ બહાર પાડવામાં આવેલ CGST રેઇટ નોટિફિકેશન 12/2017, તા. 28.06.2017 ની એન્ટ્રી 41 નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે એન્ટ્રી દ્વારા સ્પષ્ટ રીતે રાજ્ય સરકાર ઔધ્યોગિક વિકાસના કામ કરતાં એકમો દ્વારા ઉદ્યોગોને આપવામાં આવતા પ્લોટ ઉપર ભરવાના થતી રકમ ઉપર  જી.એસ.ટી. “Nil” રહેશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે તેવી દલીલ પણ રજૂ કરવામાં આવી હતી. કરદાતાઓ વતી ઉપસ્થિત વકીલો દ્વારા વિવિધ કોર્ટના અલગ અલગ ચુકાદાઓ ટાંકી એવી રજૂઆત કરવામાં આવી હતી કે જમીન માંથી ઉદ્ભાવતા લાભો પણ જમીન જ કહેવાય અને આ લાભો ઉપર જી.એસ.ટી. લાગી શકે નહીં.

સરકાર તરફે દલીલ:

સરકાર વતી ઉપસ્થિત વકીલ દ્વારા વિવિધ ચૂકાદાઓ અને જોગવાઈ ટાંકી દલીલ કરવામાં આવી હતી કે CGST રેઇટ નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રી 41 માત્ર સરકારી નોડલ એજન્સી દ્વારા કરવામાં આવેલ લીઝ ઉપર ચૂકવવામાં આવેલ રકમને મુક્તિ આપે છે. કરદાતા આ વ્યાખ્યામાં પડતાં ના હોય તેઓને જી.એસ.ટી માંથી મુક્તિ મળે નહીં. સરકાર વતી દલીલ કરવામાં આવી હતી કે “એક્સેમ્પશન નોટિફિકેશન” નું અર્થઘટન “સ્ટ્રિક્ટ” કરવાનું રહે છે.

કોર્ટનો ચુકાદો:

કોર્ટ દ્વારા સરકાર તરફેની દલીલ માં ટાક્વામાં આવેલ ચૂકડાઓની સમિક્ષા કરી શા કારણે આ ચુકાદાઓ આ કેસમાં લાગુ પડશે નહીં તેની છણાવટ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા પોતાના ચુકાદામાં નોંધવામાં આવ્યું છે કે મિલ્કત ભાડે આપવામાં અને “લીઝહોલ્ડ” મિલ્કતના હક્કો તબદીલ કરવામાં ભેદ છે. “લીઝહોલ્ડ” મિલ્કતના હક્કો તબદીલ કરવાની પ્રવૃતિ એ ભાડે આપવાની પ્રવૃતિ ગણી શકાય નહીં અને આ “લીઝહોલ્ડ” મિલ્કતના હક્કો તબદીલ કરવાની પ્રવૃતિ એ “શિડ્યુલ III” ની એન્ટ્રી 5 હેઠળ સ્થાવર મિલ્કત વેચાણ કરવાના વ્યવહાર ગણવાના રહે. GIDC પાસે મિલ્કતની માલિકી હોવાના એક માત્ર કારણે આ વ્યવહારણે ભાડાના વ્યવહાર ગણી શકાય નહીં પરંતુ જમીન મકાન જેવી સ્થાવર મિલ્કત તબદીલના વ્યવહાર જ ગણાય. જ્યારે GIDC પાસે લીઝ ધરાવનાર વ્યક્તિ અન્ય વ્યક્તિણે આ લીઝ તબદીલ કરે છે ત્યારે કોઈ “સબલીઝ” નો કરાર ઉપસ્થિત થતો નથી પરંતુ લીઝ ધરાવનાર વ્યક્તિ તબદીલ થી લીઝ લેનાર વ્યક્તિના નામ પર સંપૂર્ણ પણે પોતાના હક્ક તબદીલ કરી આપે છે. લીઝ ટ્રાન્સફર કરનાર કરદાતા દ્વારા લીઝ લેનાર પાસેથી જે રકમ મળે છે તે કોઈ “પ્રીમિયમ” સ્વરૂપે નથી પરંતુ જમીન મકાનની સ્થાવર મિલ્કત વેચાણ સંદર્ભે મળેલ અવેજ સમાન જ છે. કોર્ટ દ્વારા એ બાબત નો સ્વીકાર કરવામાં આવ્યો હતો કે CGST રેઇટ નોટિફિકેશન 12/2017ની એન્ટ્રી 41 આ વ્યવહારમાં લાગુ પડે નહીં કારણકે લીઝ તબદીલ કરનાર એ સરકાર દ્વારા સ્થાપિત ઈન્ડસ્ટ્રી ડેવલોપમેન્ટ કોર્પોરેશન નથી. પરંતુ લોંગ ટર્મ લીઝ ટ્રાન્સફર કરવા ઉપર મળેલ રકમ એ જી.એસ,ટી. કાયદાની કલમ 7 અને “શિડ્યુલ-III” ની એન્ટ્રી 5 ને ધ્યાને લઈ “બેનિફિટ એરાઈસિંગ આઉટ ઓફ ઇમમુવેબલ પ્રોપર્ટી” ગણાય અને જી.એસ.ટી. હેઠળ સપ્લાય ગણાય નહીં. આ સાથે જ માનનીય ગુજરાત હાઇકોર્ટ દ્વારા અરજ્કર્તાને આપવામાં આવેલ કારણદર્શક નોટિસ, આકારણી આદેશ તથા અપીલ આદેશને રદ ઠરાવવામાં આવ્યા હતા. આ ચુકાદો ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવતા, સરકાર તરફે ઉપસ્થિત એડવોકેટ જનરલ દ્વારા આ ચુકાદા ઉપર સ્ટેની માંગણી કરવામાં આવી હતી જે કોર્ટ દ્વારા ન્કરવામાં આવી હતી.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં 13 જાન્યુઆરીના રોજ પ્રકાશિત થયેલ છે)

error: Content is protected !!