પૂડુચેરીમાં પેટ્રોલ ઉપરના વેટમાં કરવામાં આવ્યો 3% નો ઘટાડો. શું ગુજરાત સહિત અન્ય રાજ્યો કરશે અનુકરણ???

Spread the love
Reading Time: 2 minutes

ક્રૂડના ભાવ ઘટતા વેટ વધારી સરકારી તિજોરીનું નુકસાન બચાવતી સરકાર જ્યારે ક્રૂડના ભાવ વધે ત્યારે વેટ ઘટાડવા નથી કરતી વિચાર!!

તા. 27.08.2021: પેટ્રોલ-ડીઝલના ભાવ હાલ રેકોર્ડ સ્તર પર પહોચી ગયા છે. સેન્ચ્યુરીની નજીક રહેલા હાલ આ ભાવમાં વધારાનું મુખ્ય કારણએ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવને ગણવામાં આવે છે. આ ભાવ વધારો રોકવો ચોક્કસ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારોના હાથની વાત નથી. પરતું પેટ્રોલ અને ડીઝલમાં મોટા પ્રમાણમા લગતા કેન્દ્ર અને રાજ્ય સરકારોના વેટના કારણે લોકોએ આટલી મોટી રકમ પેટ્રોલ તથા ડીઝલ માટે ચૂકવવી પડતી હોય છે. એક અહેવાલ પ્રમાણે અંદાજે પેટ્રોલ તથા ડીઝલ ઉપર લગતા વેરા પૈકી 60% થી ઉપર વેરો કેન્દ્ર સરકાર પાસે જતો હોય છે જ્યારે બાકીના 40% જેટલો વેરો રાજ્ય સરકારો પાસે જતો હોય છે.

સમાચાર પત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકારે સબસિડીના ભારણના કારણે કોઈ પણ જાતના કેન્દ્રિય વેરામાં કાપ મૂકવા ઇન્કાર કરેલ છે અને રાજ્યોને આ અંગે પોતાના વેરામાં કાપ મૂકવા આગ્રહ કરવામાં આવ્યો છે. દક્ષિણ ભારતના નાના એવા રાજ્ય પુડુચેરી દ્વારા આ અંગે પહેલ કરી વધતાં પેટ્રોલના ભાવોને રોકવા વેટમાં 3% જેવો ઘટાડો કર્યો છે. આ ઘટાડાથી પેટ્રોલ ભાવમાં રાજ્યમાં 2.43 રૂપિયા જેવો લિટરે ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ભારતના અન્ય રાજ્ય તામિલનાડુ દ્વારા અગાઉ પેટ્રોલ ઉપર લગતા વેટમાં 3% ઘટાડો જાહેર કર્યો છે. સામાન્ય રીતે જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ આંતરરાષ્ટ્રીય બઝારમાં ઘટે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર પોતાની તિજોરીને થતાં નુકસાનને બચાવવા ટેક્સના દરમાં વધારો કરતાં હોય છે. આશ્ચર્ય જનક વાત એ છે કે આજ સરકારો જ્યારે આ ક્રૂડ ઓઇલના ભાવ જ્યારે વધી જાય ત્યારે પેલો વધારો પાછો ખેચવા અંગે ગંભીર પણે વિચારતી પણ હોતી નથી!!

પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ બાબતે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો વેરામાં રાહત આપે તેવી માંગ પ્રજામાં ઉઠી રહી છે. પેટ્રોલ ડીઝલને જી.એસ.ટી. હેઠળ સમાવવામાં આવે તો પણ આ ભાવમાં ઘટાડો આવી શકે છે તેવો મત નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે પરંતુ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે રાજ્ય સરકારો પોતાની પાસે રહેલી એક માત્ર પેટ્રોલ-ડીઝલની વેટની આવક જતી કરવા જલ્દી સહમત થશે નહીં. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!