RCM હેઠળ જવાબદાર વ્યક્તિની ક.૨૪ હેઠળ નોંધણી નંબર મેળવવાની જવાબદારી

Spread the love
Reading Time: 4 minutes

 

 

 

ધવલ એચ.પટવા, એડવોકેટ, સુરત.

જીએસટી કાયદા હેઠળ સામાન્ય રીતે માલ કે સેવાનો સપ્લાય કરનાર સપ્લાયર પર વેરો ભરવાની જવાબદારી આવે છે પરંતુ કેટલાક સંજોગોમાં માલ કે સેવાના સપ્લાયરને બદલે માલ કે સેવા મેળવનાર પર RCM (Reverse Charge Mechanism) હેઠળ જીએસટી ભરવાની જવાબદારી થાય છે, એટલું જ નહીં પરંતુRCM હેઠળ વેરાપાત્ર વ્યક્તિની ફરજિયાતપણે નોંધણી નંબર મેળવવાની પણ જવાબદારી રહે છે. આ અંગે ચર્ચા કરતા પહેલાસીજીએસટી કાયદામાં નોંધણી નંબર મેળવવાની જવાબદારી અંગે કલમ ૨૨, ૨૩ અને ૨૪માં જે જોગવાઈ કરવામાં આવી છે તેના અંગે થોડી ચર્ચા કરીએ.

  • ક.૨૨ ની જોગવાઈ મુજબ કરપાત્ર માલ કે સેવા કે બંનેનાં સપ્લાયર કે જેનું એકંદરે ટર્નઓવર (Aggregate Turnover) નાણાંકીય વર્ષ દરમ્યાન નક્કી કરેલ થ્રેસોલ્ડ લીમીટ (માલ તથા સેવાના અથવા માત્ર સેવાના સપ્લાયના કિસ્સામાં ૨૦ લાખ તથા ૦૧/૦૧/૨૦૨૦થી ફક્ત માલના સપ્લાયના કિસ્સામાં ૪૦ લાખ) કરતા વધતું હોય તો તેને ફરજીયાતપણે નોંધણી નંબર મેળવવાનો રહે છે.

 

  • ક.૨૩ ની જોગવાઈ મુજબ જો વ્યક્તિ વેરા માટે જવાબદાર ન હોય અથવા વેરાથી સંપૂર્ણ મુક્તિ મળેલ હોય તેવા માલ અથવા સેવા અથવા બંને સપ્લાય કરવાનો ધંધો કરતી હોય તેવી વ્યક્તિ જીએસટી કાયદા હેઠળ નોંધણી નંબર મેળવવા જવાબદાર રહેશે નહીં.

 

  • ક.૨૪ ની જોગવાઈ મુજબ ક.૨૨ માં ગમે તે જોગવાઈ હોય તેમ છતાં નીચે જણાવેલ સંજોગોમાં ફરજીયાત નોંધણી નંબર મેળવવાની જવાબદારી ઉભી થાય છે.

 

  • જ્યારે કોઈ વ્યક્તિ આંતર રાજ્ય કરપાત્ર સપ્લાય કરે.
  • આકસ્મિક વેરાપાત્ર વ્યક્તિ (Casual Taxable Person)જ્યારે કોઈ વેરાપાત્ર સપ્લાય કરે.
  • રીવર્સ ચાર્જ હેઠળ વેરો ભરવા જવાબદારી વ્યક્તિ.
  • કલમ ૯ની પેટાકલમ(૫) હેઠળ જેને વેરો ભરવો આવશ્યક હોય તેવી વ્યક્તિઓ.
  • બિનનિવાસી વેરો ભરવાપાત્ર વ્યક્તિઓ (Non ResidentTaxable Person )જેઓ વેરાપાત્ર સપ્લાય કરતા હોય.
  • કલમ ૫૧ હેઠળ વેરાની કપાત કરવી જરૂરી હોય તેવી વ્યક્તિઓ.
  • એજન્ટ તરીકે અથવા અન્યથા બીજી વેરાપાત્ર વ્યક્તિઓને બદલે માલ અથવા સેવા અથવા તે બંનેનો વેરાપાત્ર સપ્લાય કરતી વ્યક્તિઓ.
  • ઇન્પુટ સેવા વિતરણકર્તા (Input Service Distributor).
  • ક.૫૨ હેઠળ વેરો ઉઘરાવવાને જવાબદાર હોય તેવા ઇલેક્ટ્રોનિક કોમર્સ ઓપરેટર મારફત કલમ ૯ (૫) હેઠળ નિર્દિષ્ટ કરેલા સપ્લાય સિવાયના માલ કે સેવા અથવા બંને પૂરા પાડતી હોય તેવી વ્યક્તિઓ.
  • ક.૫૨ હેઠળ વેરો ઉઘરાવવાને જવાબદાર હોય તેવા ઇલેક્ટ્રોનિક કોમર્સ ઓપરેટર.
  • નોંધાયેલ વ્યક્તિ સિવાયની ભારત બહારના સ્થળની ઓનલાઈન સૂચના અથવા માહિતી આધારિત પ્રવેશ અથવા પુનઃપ્રાપ્તિ સેવાઓ ભારતમાં કોઈ વ્યક્તિને પૂરી પાડતી દરેક વ્યક્તિ.
  • જીએસટી કાઉન્સિલની ભલામણને આધારે સરકાર દ્ઘારા જાહેર કરવામાં આવે તેવી બીજી કોઈપણ વ્યક્તિ.

આમ કલમ ૨૨ તથા કલમ ૨૩ની જોગવાઈ મુજબ જે વ્યક્તિનું નાણાંકીય વર્ષ દરમ્યાન એકંદરે ટર્નઓવરનક્કી કરેલ થ્રેસોલ્ડ કરતાં ઓછું હોય અથવા જો વ્યક્તિ વેરા માટે જવાબદાર ન હોય તેવા કે વેરાથી સંપૂર્ણ મુક્તિ મળેલ હોય તેવા માલ અથવા સેવા અથવા બંનેનો સપ્લાય કરતી હોય તેવી વ્યક્તિઓ જીએસટી કાયદા હેઠળ નોંધણી નંબર મેળવવાને પાત્ર નથી પરંતુ ક.૨૪(૩)ની જોગવાઈ મુજબ જ્યારે કોઈ વ્યક્તિએ કલમ ૯(૩)માં દર્શાવેલ RCMને પાત્ર માલ કે સેવા મેળવી હોય તો તેટલા માત્રથી જ તેણે જીએસટી કાયદા હેઠળ નોંધણી નંબર મેળવવાની જવાબદારી ઉભી થશે.

આ જોગવાઈ સબંધમાં એક પ્રશ્ન એ થાય છે કે શું કરમુક્ત માલ કે સેવા સપ્લાય કરનાર વ્યક્તિએ પણ માત્ર RCM હેઠળ વેરાપાત્ર માલ કે સેવા મેળવવાના કારણે નોંધણી નંબર મેળવવાની જવાબદારી રહે કે કેમ ?

આ સંદર્ભમાં મહારાષ્ટ્ર એડવાન્સ રૂલીંગ ઓથોરીટીનાં મે. જલારામ ફીડસ (GST – ARA – 110/2018-19/B-38) ના કેસમાં તા. ૧૦/૦૪/૨૦૧૯ માં આપવામાં આવેલ ચુકાદા મુજબ વેરામુક્ત માલનો સપ્લાય હોવા છતાં RCMને પાત્ર સેવા મેળવવાના કારણે અરજદારને નોંધણી નંબર મેળવવા જવાબદાર ઠરાવવામાં આવેલ છે.

આ કેસની હકીકત મુજબ મે. જલારામ ફીડસ એ એક એનીમલ ફીડસ (પશુ ખાદ્યપેદાશ HSN-2309)નાં ઉત્પાદનનો ધંધો કરતી પેઢી હતી. જે જીએસટી કાયદા હેઠળ માફી માલ છે. આ સિવાય તેનો અન્ય કોઈ ધંધો ન હતો અને આ પશુ ખાધપેદાશોનો મોટા ભાગનો ખરીદદાર વર્ગ ખેડૂતો હતા. આ પેઢીએ આ પશુ ખાધપેદાશોને લાવવા લઇ જવા માટે કલમ ૯(૩) હેઠળ RCMને પાત્ર ઠરાવવામાં આવેલ ગુડ્સ અને ટ્રાન્સપોર્ટ એજન્સીની (GTA)ની સેવાનો લાભ લીધો હતો.

આ અંગે અરજદારની દલીલ હતી કે પોતે માફી માલનો ધંધો કરતો હોવાથી તથા કલમ ૨૩ હેઠળની એક સ્વતંત્ર જોગવાઈ હેઠળ સમાવિષ્ટ હોવાથી પોતે નોંધણી નંબર મેળવવા જવાબદાર થશે નહિ. કલમ ૨૪ એ કલમ ૨૨ને ઓવરરાઈડ કરતી જોગવાઈ હોવાથી તથા પોતે ક.૨૩ હેઠળ સમાવિષ્ટ હોવાથી તેણે નોંધણી નંબર મેળવવાનો રહેતો નથી.

આ રજૂઆતની સામે જીએસટી ઓથોરીટીનાં જણાવવા મુજબ ગુડ્સ અને ટ્રાન્સપોર્ટ એજન્સીની(GTA)ની સેવા જીએસટી કાઉન્સિલની ભલામણને આધારે સરકાર દ્વારા RCMને પાત્ર નોટીફાઈ કરવામાં આવેલ છે કલમ ૨૪ એ કલમ ૨૨ ને માત્ર એકંદર ટર્નઓવર પૂરતી ઓવરરાઈડ કરે છે અને RCMને પાત્ર સેવા મેળવવા માત્રથી વ્યક્તિ કરમુક્ત માલ કે સેવા પર વેરો ભરવાને જવાબદાર ઠરતો નથી. જો અરજદારની રજૂઆત સ્વીકારવામાં આવે તો સેવા મેળવનાર તથા સેવા આપનાર બંને જીએસટીના દાયરામાંથી બહાર રહી જાય જે કલમ ૨૪ના અર્થઘટન સાથે સુસંગત નથી.

ઉપરોક્ત રજૂઆતોના અંતે મહારાષ્ટ્ર એડવાન્સ રૂલીંગ ઓથોરિટીએ એવો ચુકાદો આપ્યો કે કલમ ૨૩ ભલે સ્વતંત્ર જોગવાઈ છે પરંતુ કલમ ૨૪ ની જોગવાઈના હેતુનો ભંગ ન થાય તે માટે કલમ ૨૩ તથા કલમ ૨૪ સાથે વાંચવી જોઈએ અને આ કારણોસર અરજદાર જીએસટી કાયદા હેઠળ નોંધણી નંબર મેળવવા જવાબદાર હોવાનું ઠરાવવામાં આવ્યું. આજ અભિપ્રાય મે. મેડીવિઝન સ્કેન એન્ડ ડાયગનોસ્ટીક રીસર્ચ સેન્ટર પ્રા.લિ. (KER/41/2019)નાં કેસમાં પણ તા.૧૨/૦૪/૨૦૧૯ ના રોજ કેરેલા એડવાન્સ રૂલીંગ ઓથોરીટી મારફત આપવામાં આવ્યો છે.

આમ કરપાત્ર માલનો ધંધો કરનાર વ્યક્તિ તો ભલે તેનું એકંદર ટર્નઓવરનિર્ધારિત મર્યાદા કરતાં ઓછું હોય તો પણ RCM પાત્ર માલ કે સેવા મેળવવાપાત્રથી ફરજિયાત નોંધણી નંબર મેળવવા જવાબદાર થાય જ છે પરંતુ  વેરામુક્ત માલનો ધંધો કરતી વ્યક્તિ પણ RCMને પાત્ર માલ કે સેવા મેળવે તો તેણે પણ ફરજિયાતપણે નોંધણી નંબર મેળવવો પડે જે ધ્યાનમાં રાખવું જરૂરી થઇ પડે છે.

error: Content is protected !!