જી.એસ.ટી. હેઠળ આ માલ તથા સેવાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે નહીં!!

Spread the love
Reading Time: 5 minutes

ઈન્પુટ ટેક્સ ક્રેડિટ વિશેષ લેખ શૃંખલાનો લેખ નંબર 3

(DATED : 20.12.2023 

સિમ લેસ ક્રેડિટએટલેકે કોઈ પણ બાધ વગરની ક્રેડિટ મેળવી શકાય તે માટે લાગુ કરવામાં આવેલ જી.એસ.ટી. હેઠળ અમુક ખાસ ક્રેડિટને ગણવામાં આવે છે બ્લોક ક્રેડિટ

બ્લોક ક્રેડિટની યાદીમાં આવતા માલ તથા સેવાની ક્રેડિટ માલ કે સેવા મેળવનાર વેપારી લઈ શકે નહીં. જો આ ક્રેડિટ લેવામાં આવે તો લાગી શકે છે દંડ તથા વ્યાજ!!

જી.એસ.ટી. કાયદો લાગુ કરવાનો સૌથી મોટો હેતુ કરદાતાને “સિમલેસ ક્રેડિટ” મળી રહે તે અંગેનો હતો. અગાઉ માલ ઉત્પાદન ઉપર લગતી એક્સાઈઝની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ છૂટક કે જથ્થાબંધ માલ વેચનાર ને મળતી ન હતી. તેવી રીતે અલગ અલગ રાજ્યોના વેટ કાયદા હેઠળ “ક્રોસ ક્રેડિટ” એટલેકે એક બીજા રાજ્યો પર લાગેલ વેટની ક્રેડિટ કરદાતાને મળતી ન હતી. આ ઉપરાંત વેટ કાયદા હેઠળ માલનું વેચાણ કરતાં કરદાતાને તેના દ્વારા મેળવવામાં આવેલ સેવાની ક્રેડિટ મળતી નહીં તો સામે સેવા પૂરી પડતાં સર્વિસ ટેક્સ હેઠળ નોંધાયેલ કરદાતાને તેની ખરીદી ઉપરના વેટની ક્રેડિટ મળતી ન હતી. માલ ઉત્પાદન પર લગતા એક્સાઈઝ, માલ વેચાણ પર વિવિધ રાજ્યો દ્વારા લાગુ કરવામાં આવેલ વેટ તથા સેવા ઉપર લાગુ સર્વિસ ટેક્સના સ્થાને એક  જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો છે. આમ, આ તમામ કાયદાના સ્થાને જી.એસ.ટી. કાયદો આવવાથી કરદાતાને “સિમલેસ ક્રેડિટ” એટલેકે કોઈ પણ બાધ વિના ક્રેડિટ મળી રહેશે તેવું માનવમાં આવી રહ્યું હતું. પરંતુ આજે 4 વર્ષે જ્યારે જી.એસ.ટી. નું આંકલન કરીએ ત્યારે એટલું ચોક્કસ કહી શકીએ કે જી.એસ.ટી હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ “સિમલેસ” રહી નથી.

જી.એસ.ટી. હેઠળ મૂળભૂત હેતુ ધંધાકીય વ્યવહારો ઉપર વધુમાં વધુ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ વેપારીઓને મળી રહે ત સુનિશ્ચિત કરવાનો હતો. આમ, વધુ માં વધુ ક્રેડિટ જ્યારે વેપાર જગતને આપવામાં આવે ત્યારે વિવિધ માલ તથા સેવાઓના ભાવ ઘટે તેવી સામાન્ય અર્થશાસ્ત્રનું ગણિત હતું. પરતું આ સાથે જ જી.એસ.ટી. કાયદો લાગુ થયો છે ત્યારથી અમુક ખાસ ઈન્પુટ ટેક્સ ક્રેડિટનો સમાવેશ “બ્લોક ક્રેડિટ” માં કરવામાં આવ્યો છે. “બ્લોક ક્રેડિટ” એટ્લે એવી ક્રેડિટ જેની ક્રેડિટ કોઈ પણ વેપારીઓ માટે અથવા તો ખાસ પ્રકારના વેપારીઑ માટે “બ્લોક” કરવામાં આવેલ છે. આ માલ કે સેવાની ઈન્પુટ તકે ક્રેડિટ આ માલ કે સેવા ખરીદવામાં વેપારી દ્વારા વેચનારને જી.એસ.ટી. ચુકાવ્યો હોવા છતાં મળી શકે નહીં. આ પ્રકારની “બ્લોક ક્રેડિટ” નો સમાવેશ જી.એસ.ટી. કાયદાની કલમ 17 માં કરવામાં આવ્યો છે. 

જી.એસ.ટી. કાયદાની કલમ 17(5) હેઠળ ન મળવા પાત્ર ઈન્પુટ ટેક્સ ક્રેડિટ:

  1. ડ્રાઈવર સહિત 13 વ્યક્તિઓ સુધીની બેઠક વ્યવસ્થા ધરાવતી મોટર કારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં.

જી.એસ.ટી. હેઠળ મોટર કારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં. આ નિયમ જાણવો વેપારીઓ માટે ખૂબ જરૂરી છે. અવારનવાર એવા કિસ્સા જોવા મળતા હોય છે કે વેપારીઓએ પોતાનો જી.એસ.ટી. નંબર ગાડી ખરીદી માટે આપવામાં આવ્યો હોય છે અને GSTR 2A માં આ ખરીદી દર્શાવતી હોય ત્યારે વેપારી આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરી લેતા હોય છે. ઘણી વાર એકાઉન્ટન્ટ મિત્રો પણ આ જોગવાઈ અંગે અજાણ હોય, આ ક્રેડિટ ક્લેઇમ કરી લેતા હોય છે. પરંતુ આ પ્રકારની ક્રેડિટ ક્લેઇમ કરેલ હોય તે જો જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા પકડી પાડવામાં આવે તો વેપારી ઉમર મોટા વ્યાજ તથા દંડની જવાબદારી ઉપસ્થિત થતી હોય છે. હા, મોટર કાર ખરીદ વેચાણ સાથે જોડાયેલ વેપારી પોતાના ધંધાકીય ખરીદ વેચાણ માટે મોટર કારની ખરીદી કરે તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ચોક્કસ મળે અને આ નિયમ તેઓને લાગુ પડે નહીં. આ ઉપરાંત ટેક્સી સર્વિસ કે જેના ઉપર જીએસ.ટી ભરવામાં આવતો હોય કે એવી મોટર કાર કે જેનો ઉપયોગ મોટર ચલાવવા શીખવવા (મોટર ટ્રેનીંગ) માટે થતો હોય તો પણ આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટનો બાધ તેઓને નડશે નહીં. 

આ ઉપરાંત જે સંજોગોમાં મોટર કારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં તેવા કિસ્સાઓમાં આ મોટર કારને સંલગ્ન વીમા, સ્પેર્સ તથા પાર્ટસની, રિપેર્સની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પણ મળી શકે નહીં તે જાણવું ખૂબ જરૂરી છે.

2. ખાદ્ય પદાર્થો એટલેકે રેસ્ટોરન્ટ, કેટરિંગ સેવા મેળવવામાં ચૂકવવામાં આવેલ જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં:

રેસ્ટોરન્ટ, કેટરિંગ સેવા મેળવવા વેપારી દ્વારા જે ચુકવણી કરવામાં આવે તે ચુકવણી ઉપર લાગેલ જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જી.એસ.ટી. કલમ 17(5) હેઠળ “બ્લોક” કરવામાં આવેલ છે. ઉદાહરણ તરીકે કોઈ વેપારી પોતાના ડીલર્સની મિટિંગનું કોઈ હોટેલમાં આયોજન કરે ત્યારે આ મિટિંગમાં ખાદ્ય પદાર્થો એટ્લે કે રેસ્ટોરન્ટ બિલ ઉપર જે જી.એસ.ટી. લગાડવામાં આવ્યો હોય તે જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ વેપારી લઈ શકે નહીં. 

3. બ્યુટી ટ્રીટમેંટ, હેલ્થ સર્વિસ, પ્લાસ્ટિક સર્જરી જેવી વ્યક્તિગત સેવા માટેની ક્રેડિટ મળી શકે નહીં:

કોઈ વેપારી પોતાના કે પરિવાર માટે બ્યુટી ટ્રીટમેંટ કે પ્લાસ્ટિક સર્જરીની સેવા મેળવવામાં આવી હોય ત્યારે તેના ઉપર લગતા જી.એસ.ટી.ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં. આ ઉપરાંત “હેલ્થ સર્વિસ” જેવી કે જિમનેશિયમ ઉપર ચૂકવવામાં આવતા જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પણ મળી શકે નહીં. ઘણી વાર એવું ધ્યાને આવતું હોય છે કે વેપારીઓ આ નિયમ અંગે અજાણ હોય, આ પ્રકારની સેવા મેળવવામાં કરવામાં આવેલ ખર્ચની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પણ ક્લેઇમ કરી લેતા હોય છે. આ પ્રકારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરવામાં ના આવે તે બાબતની કાળજી લેવી ખૂબ જરૂરી છે.  

 4. ક્લબ મેમ્બરશિપ ઉપરની જી.એસ.ટી.ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં

કોઈ વાર વેપારી કોઈ ક્લબના મેમ્બર હોય અને મેમ્બરશિપ ધંધાના નામે લેવામાં આવેલ હોય. આવા સંજોગોમાં પણ ક્લબ મેમ્બર તરીકે ચૂકવવામાં આવેલ જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે નહીં તેવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલ છે.

5. સ્થાવર મિલ્કતના સંદર્ભમાં ચૂકવવામાં આવેલ જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ:

સ્થાવર મિલ્કત જેવીકે મકાન, ઓફિસ, ફેક્ટરી, ગોડાઉન વગેરેના ચણતરમાં વપરાશ કરવામાં આવેલ માલ તથા સેવાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં. ઉદાહરણ તરીકે કોઈ વેપારીએ પોતાની દુકાનનું ચણતર કરાવેલ છે. આ ચણતરમાં વપરાયેલ સિમેન્ટ, સ્ટીલ, રેતી, કપચી વગેરે ઉપર જે જી.એસ.ટી. લગાડવામાં આવેલ હોય તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં. આવી રીતે દુકાન, ગોડાઉન ખરીદવા સમયે બિલ્ડર દ્વારા લગાડવામાં આવેલ જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પણ મળી શકે નહીં. ઘણી વાર એવું જોવા મળતું હોય છે કે વેપારી દ્વારા આ નિયમો અંગે જાણકારી ના હોવાના કારણે આ પ્રકારની સ્થાવર મિલ્કતના સંદર્ભમાં ચૂકવવામાં આવેલ જી.એ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવામાં આવતી હોય છે. આ પ્રકારે ક્રેડિટ લેવામાં આવેલ હોય ભવિષ્યમાં આ અંગે ટેક્સ, વ્યાજ તથા દંડની મોટી જવાબદારી ઉપસ્થિત થઈ શકે છે.   

6. ખોવાઈ ગયેલ માલ, ચોરાઇ ગયેલ માલ, નુકસાન પામેલ માલ, સેમ્પલ તરીકે આપવામાં આવેલ માલ માટેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં.

જી.એસ.ટી કાયદા હેઠળ એવા માલની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ આપવામાં આવે છે જે માલનો ઉપયોગ વેચાણ માટે થવાનો હોય. જ્યારે કોઈ માલ ખોઇ દેવામાં આવ્યો હોય અથવા તો કોઈ માલ ચોરી થઈ ગયેલ હોય અથવા તો કોઈ માલ આગ, પૂર વગેરેને કારણે નુકસાન પામેલ હોય તેવો માલનું વેચાણ કરવું શક્ય બને નહીં. આ કારણે આ પ્રકારના માલ ઉપર લાગેલ જી.એસ.ટી.ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ વેપારીએ લેવાની રહે નહીં. વેપારી દ્વારા અગાઉ આ માલની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવામાં આવેલ હોય તો તેઓએ આ ક્રેડિટ રિવર્સ કરવાની રહે. આવી રીતે વેપારી દ્વારા કોઈ માલ સેમ્પલ તરીકે “ફ્રી” માં આપવામાં આવેલ હોય ત્યારે પણ આ માલની ખરીદી માટે ચૂકવવામાં આવેલ જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં. દરેક વેપારી માટે આ નિયમ જાણવો ખૂબ જરૂરી છે. કારણકે આ પર્ણ માલની વિગત માત્ર વેપારી પાસે જ હોય તે સ્વાભાવિક છે. આ પ્રકારના માલની વિગત પોતાના એકાઉન્ટન્ટને આપવામાં આવે તે જરૂરી છે.     

જી.એસ.ટી. લાગુ થયા પહેલા વેટ કાયદો અમલમાં હતો ત્યારે વેટ હેઠળના રિટર્ન ઘણા વિગતવાર રહેતા હતા. જી.એસ.ટી. લાગુ થયા બાદ લાગુ કરવામાં આવેલ “સમરી રિટર્ન” GSTR 3B માં ખૂબ ઓછી વિગતો જોવા મળે છે. આ કારણે સંજોગો એવા ઊભા થયા છે કે કરદાતાનું વ્યવસાયી રીતે કામ કરતાં કોઈ ટેક્સ એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે ટેક્સ કન્સલ્ટન્ટ પાસે કરદાતા દ્વારા લેવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ સાચી છે કે ખોટી તે તપાસવા ખૂબ ઓછા વિકલ્પો રહેલા છે. કરદાતા દ્વારા પોતાના ટેક્સ કન્સલ્ટન્ટને દરેક ક્રેડિટ લેવા અંગે પુછવામાં આવે અથવા તો કરદાતા પોતે આ ઈન્પુટ ક્રેડિટ અંગેના નિયમો અંગે જાણકારી રાખે અને જાણકાર બને તે બે જ વિકલ્પ રહેલા છે. આ લેખશ્રુંખલામાં કરદાતાને ઈન્પુટ ટેક્સ ક્રેડિટના વિષયો અંગે જાગૃત બનાવવા તેઓએ ધ્યાને લેવાની જરૂરી માહિતી આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

( આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા.  18.12.2023  ના રોજ પ્રકાશિત થયેલ છે . ) 

error: Content is protected !!