શું ત્રિમાસિક ટર્નઓવર 50 લાખથી વધુ હોય તો નિયમ 86B લાગુ પડે??? રોકડમાં જી.એસ.ટી. ભરવો બને ફરજિયાત??

Spread the love
Reading Time: < 1 minute

જી.એસ.ટી. હેઠળ નિયમ 86B મુજબ 50 લાખની મર્યાદા માસિક ગણવી કે ત્રિમાસિક??? આ પ્રશ્ન ટેક્સ પ્રોફેશનલ્સ માટે દ્વિધા નો વિષય

તા. 09.04.2021: જી.એસ.ટી. હેઠળ 01 જાન્યુઆરી 2021 થી નોટિફિકેશન 94/2020 તા. 22.12.2020 દ્વારા નિયમ 86B લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ પ્રમાણે આ નિયમ લાગુ પડે તેવા કરદાતાએ પોતાનો ભરવાપાત્ર જી.એસ.ટી. પૈકી 99% રકમ જ ક્રેડિટ લેજરમાંથી વાપરી શકશે. અન્ય શબ્દોમાં કહીએ તો આવા કરદાતાએ પોતાની કુલ આઉટપુટ જવાબદારીની 1% રકમ રોકડમાં ભરવી ફરજિયાત બનશે. આ નિયમ એવા કરદાતાને લાગુ પડશે જેમનું જે તે મહિનાનું કરપાત્ર ટર્નઓવર 50 લાખ કરતાં વધુ હોય.

આ નિયમ અંગે ટેક્સ પ્રોફેશનલ્સમાં એક પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે કે જ્યારે કરદાતા ત્રિમાસિક રિટર્ન ભરવા જવાબદાર હોય તેમણે ત્રિમાસિક ધોરણે 50 લાખના ટર્નઓવરની મર્યાદા ગણવાણી રહે કે માસિક ધોરણે?? આ પ્રશ્ન ચર્ચાનો વિષય બનવાનું કારણ એ છે કે અમુક સૉફ્ટવેરમાં નિયમ 86B ની ગણતરી ત્રિમાસિક ધોરણે કરવામાં આવી રહી છે. આ અંગે વાત કરતાં ટેક્સ ટુડે એક્સપર્ટ લલિત ગણાત્રા જણાવે છે કે નિયમ 86B હેઠળ ટર્નઓવરની ગણતરી માસિક ધોરણે જ કરવાની રહે ભલે રિટર્ન ત્રિમાસિક ધોરણે ભરવામાં આવે. સૉફ્ટવેરમાં આ અંગે જે સેટિંગ છે તે બદલી શકાય તેમ હોય છે જે ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા મેન્યુલી બદલવા જરૂરી છે. નિયમ 86 B માં સ્પષ્ટ રીતે જોગવાઈ છે કે કોઈ મહિનામાં વેરાપાત્ર ટર્નઓવર 50 લાખથી વધુ હોય તો જ આ નિયમ લાગુ પડે. પોતાના ક્રેડિટ લેજરમાં રકમ હોય અને છતાં કેશ લેજરમાંથી આ રકમ ભરવા ફરજ પાડવામાં આવે તે બાબત જ યોગ્ય ના કહેવાય. જી.એસ.ટી. હેઠળ નિયમ 86B એ કરચોરી ડામવાના પગલાં રૂપે લાગુ કરવામાં આવ્યો છે. જી.એસ.ટી. હેઠળ કરચોરી રોકવા ઉઠાવવામાં આવેલ મોટાભાગના પગલાં પ્રમાણિક કરદાતાને વધુ ત્રસ્ત કરી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

 

error: Content is protected !!