આવકવેરા રિટર્ન ભરતી વખતે આ બાબતો પર રાખો ખાસ ધ્યાન
આવકવેરા રીટર્ન ભરવા માટે નોકરિયાત કરદાતાઓ ૩૧ જુલાઈ છે તથા માટે ધંધાર્થીઓ માટે છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ છે
આવકવેરા રિટર્ન (Income Tax Return – ITR) ભરવાની પ્રક્રિયા હવે માત્ર વાર્ષિક ઔપચારિકતા રહી નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં આવકવેરા વિભાગે માહિતી એકત્રિત કરવાની અને તેનું વિશ્લેષણ કરવાની પોતાની ક્ષમતામાં અસાધારણ વધારો કર્યો છે તેવું ફલિત થાય છે. આજે બેંકો, GST નેટવર્ક, રજિસ્ટ્રેશન વિભાગ, સ્ટોક એક્સચેન્જ, મ્યુચ્યુઅલ ફંડ, વીમા કંપનીઓ, વિદેશી નાણાકીય સંસ્થાઓ તેમજ અન્ય અનેક સરકારી અને ખાનગી એજન્સીઓ વગેરે પાસેથી મળતી માહિતીના આધારે ઇન્કમ ટેક્સ વિભાગ કરદાતાના ભરવામાં આવેલ રિટર્નની ચકાસણી કરે છે. કરદાતા દ્વારા ભરવામાં આવેલ ઇન્કમ ટેક્સ રીટર્ન અને આ માહિતીમાં કોઈ ફેરફાર જણાય તો કરદાતાને આ અંગે નોટીસ આપી ખુલાસા માંગવામાં આવતા હોય છે. આ તકે એ જાણવું જરૂરી છે કે આ માહિતી અને ઇન્કમ ટેકસ રીટર્નની આ ચકાસણી એ કોઈ વ્યક્તિ દ્વારા નહિ પરંતુ AI એટલે કે આરટીફીશીયલ ઈન્ટેલીજન્સની મદદથી કરવામાં આવતી હોય છે. આથી હવે “જે આવક દેખાશે નહીં તેની ખબર વિભાગને નહીં પડે” એવી માન્યતા સંપૂર્ણપણે જૂની બની ગઈ છે.
આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ કલમ 139 મુજબ યોગ્ય રિટર્ન ભરવાની જવાબદારી કરદાતાની છે. જો રિટર્નમાં આવક, સંપત્તિ અથવા અન્ય વિગતો અધૂરી કે ખોટી દર્શાવવામાં આવે તો તે ભવિષ્યમાં નોટિસ, દંડ, વ્યાજ અથવા ગંભીર કિસ્સાઓમાં પ્રોસિક્યુશનનું કારણ પણ બની શકે છે.
- તમામ આવક જાહેર કરવી એ પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ જવાબદારી
ઘણા કરદાતાઓ માત્ર પગાર અથવા વ્યવસાયની આવક દર્શાવીને રિટર્ન પૂર્ણ કરી દે છે, જ્યારે અન્ય ઘણી આવકો જાહેર કરવામાં આવતી નથી.
રિટર્નમાં નીચેની તમામ આવકોનો સમાવેશ થવો જોઈએ:
- પગારની આવક
- વ્યવસાય અથવા વ્યવસાયિક આવક
- બેંક સેવિંગ્સ અને FD ઉપરનું વ્યાજ
- ડિવિડન્ડ
- ભાડાની આવક
- શેર, મ્યુચ્યુઅલ ફંડ અથવા મિલકત વેચાણ પરથી થયેલો કેપિટલ ગેઇન
- કમિશન, બ્રોકરેજ અથવા કન્સલ્ટન્સી આવક
- ફ્રીલાન્સ અથવા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મળેલી આવક
- વિદેશમાંથી પ્રાપ્ત થયેલી આવક
- અન્ય કોઈપણ સ્ત્રોતથી પ્રાપ્ત આવક
ઘણા લોકો માને છે કે TDS કપાઈ ગયો હોવાથી જે તે આવક જાહેર કરવાની જરૂર નથી. હકીકતમાં TDS એ માત્ર ટેક્સની પૂર્વ વસૂલાત છે; આવક જાહેર કરવાની ફરજ તેનાથી સમાપ્ત થતી નથી. TDS કાપી આવક ચુકવનાર કરદાતા પોતાની જવાબદારી પૂરી કરે છે જયારે આ આવક રીટર્નમાં દર્શાવી આવક મેળવનાર કરદાતા આ આવક ઉપર પોતાની જવાબદારી પૂર્ણ કરે છે. એ બાબત જાણવી જરૂરી છે કે ઘણીવાર કરદાતા જે તે આવક ઉપર TDS કપાયો હોવા છતાં વધુ રકમ ટેક્સ તરીકે ભરવા જવાબદાર બનતા હોય છે. આમ, TDS કપાત થઇ હોય તેવી આવક પણ પોતાના રીટર્નમાં દર્શાવવી જરૂરી છે.
- AIS, TIS અને Form 26AS સાથે રિટર્નનો મેળ બેસાડવો
આવકવેરા વિભાગ હવે Annual Information Statement (AIS) અને Taxpayer Information Summary (TIS) ના આધારે કરદાતાની લગભગ તમામ નાણાકીય માહિતી એકત્રિત કરે છે. આ માહિતી કરદાતાને આપવામાં પણ આવે છે.
AISમાં સામાન્ય રીતે નીચેની વિગતો જોવા મળે છે:
- TDS અને TCS
- બેંક વ્યાજ
- ડિવિડન્ડ
- શેર અને મ્યુચ્યુઅલ ફંડના વ્યવહારો
- મિલકતની ખરીદી અને વેચાણ
- ઊંચી કિંમતના નાણાકીય વ્યવહારો (SFT)
- વિદેશી રેમિટન્સ
- અન્ય અનેક નાણાકીય માહિતી
રિટર્ન ભરતા પહેલાં AIS, TIS અને Form 26AS સાથે પોતાની ખાતાવહી તથા બેંક સ્ટેટમેન્ટનો મેળ બેસાડવો અત્યંત જરૂરી છે. જો AISમાં દર્શાવેલી આવક રિટર્નમાં દર્શાવવામાં ન આવે તો વિભાગ દ્વારા સ્પષ્ટીકરણ માંગતી નોટિસ મળવાની શક્યતા વધી જાય છે.
- વ્યવસાયિકો માટે બેલેન્સ શીટમાં તમામ સંપત્તિઓ દર્શાવવી અત્યંત જરૂરી
પ્રોપ્રાઇટરશી, પાર્ટનરશીપ ફર્મ, LLP અને કંપનીઓ માટે બેલેન્સ શીટ માત્ર એકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ નથી પરંતુ વ્યવસાયની નાણાકીય સ્થિતિનો કાયદેસર દસ્તાવેજ છે. ઘણા વેપારીઓ માત્ર નફો ઓછો બતાવવા પર ધ્યાન આપે છે પરંતુ સંપત્તિઓ યોગ્ય રીતે દર્શાવતા નથી.
બેલેન્સ શીટમાં નીચે મુજબની તમામ સંપત્તિઓનો સમાવેશ થવો જોઈએ:
- જમીન અને મકાન
- ઓફિસ અને ફેક્ટરી બિલ્ડિંગ
- પ્લાન્ટ અને મશીનરી
- કમ્પ્યુટર, સર્વર અને IT સાધનો
- વાહનો
- ફર્નિચર અને ફિક્સચર
- સ્ટોક
- રોકડ
- બેંક બેલેન્સ
- ડેબ્ટર્સ
- લોન અને એડવાન્સ
- રોકાણ
- અન્ય ચલ અને અચલ સંપત્તિઓ
ઘણી વખત GST રેકોર્ડ, ઇ-ઇન્વૉઇસ, ઇ-વે બિલ, બેંક ફાઇનાન્સિંગ અથવા અન્ય દસ્તાવેજોમાં સંપત્તિની વિગતો ઉપલબ્ધ હોય છે. જો તે બેલેન્સ શીટમાં ન હોય તો ભવિષ્યમાં તેની ખરીદીના સ્ત્રોત, ડિપ્રિસિયેશનના દાવા અથવા વેચાણ સમયે ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે. જો કે કરદાતા પોતાની અંગત અને ધંધાના ચોપડા અલગ નિભાવતા હોય તો તેઓ માત્ર ઇન્કમ ટેક્સ રીટર્નમાં પોતાના ધંધાકીય ચોપડા આપવા બંધાયેલ છે.
- Schedule AL (Assets and Liabilities) ભરવામાં ખાસ સાવધાની રાખવી
ચોક્કસ આવક મર્યાદા એટલે કે ૧ કરોડથી વધુ કુલ આવક ધરાવતા વ્યક્તિઓ માટે ITRમાં Schedule AL (Assets and Liabilities) ભરવી ફરજિયાત બને છે.
આ Scheduleમાં સામાન્ય રીતે નીચેની વિગતો આપવાની રહે છે:
- રહેણાંક અને વ્યાવસાયિક મિલકતો
- વાહનો
- દાગીના
- શેર અને સિક્યોરિટીઝ
- બેંક ડિપોઝિટ
- લોન
- રોકાણ
- અન્ય મહત્વપૂર્ણ સંપત્તિઓ
ઘણા કરદાતાઓ આ Scheduleને અવગણે છે અથવા અધૂરી માહિતી આપે છે. પરંતુ વિભાગ પાસે અન્ય સ્ત્રોતોથી માહિતી ઉપલબ્ધ હોવાથી આવી ભૂલ ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે.
- વિદેશી સંપત્તિ અને વિદેશી બેંક ખાતાઓ જાહેર કરવાનું ભૂલશો નહીં
ભારતમાં Resident અને Ordinarily Resident (ROR) કરદાતાઓ માટે સૌથી સંવેદનશીલ મુદ્દો Schedule FA (Foreign Assets) છે.
જો કરદાતા પાસે નીચે પૈકી કોઈપણ સંપત્તિ હોય તો તેની વિગતો જાહેર કરવી જરૂરી બની શકે છે:
- વિદેશી બેંક ખાતું
- વિદેશમાં આવેલ ફ્લેટ અથવા જમીન
- વિદેશી કંપનીમાં શેર
- વિદેશી મ્યુચ્યુઅલ ફંડ
- વિદેશી ટ્રસ્ટમાં હિત
- વિદેશી પેન્શન ખાતું
- ESOP અથવા અન્ય નાણાકીય હિત
- અન્ય કોઈપણ વિદેશી સંપત્તિ
ઘણા લોકો એવું માને છે કે ખાતામાં બેલેન્સ નથી અથવા ખાતું વર્ષોથી ઉપયોગમાં નથી એટલે જાહેર કરવાની જરૂર નથી. આ ધારણા ખોટી છે. જો કાયદા મુજબ જાહેર કરવાની ફરજ હોય તો Dormant Bank Account ની વિગતો પણ આપવી જરૂરી બની શકે છે.
- Black Money (Undisclosed Foreign Income and Assets) Act, 2015ની ગંભીર જોગવાઈઓ
વિદેશી સંપત્તિ છુપાવવાના કિસ્સાઓ માટે માત્ર આવકવેરા અધિનિયમ જ નહીં પરંતુ Black Money (Undisclosed Foreign Income and Assets) and Imposition of Tax Act, 2015 પણ લાગુ પડી શકે છે.
આ કાયદા હેઠળ:
- ભારે કર અને દંડ વસૂલ થઈ શકે છે.
- ગંભીર કિસ્સાઓમાં ફોજદારી કાર્યવાહી થઈ શકે છે.
- કેદની જોગવાઈ પણ છે.
ભારત હાલમાં અનેક દેશો સાથે Automatic Exchange of Information (AEOI) અને Common Reporting Standard (CRS) હેઠળ નાણાકીય માહિતીની આપ-લે કરે છે. પરિણામે વિદેશી બેંક ખાતા અને નાણાકીય રોકાણોની માહિતી ભારતીય કર સત્તાવાળાઓ સુધી પહોંચી શકે છે.
આથી વિદેશી સંપત્તિ છુપાવવાનો પ્રયાસ અત્યંત જોખમી બની શકે છે.
- કેપિટલ ગેઇનની યોગ્ય ગણતરી કરો
મિલકત, શેર અથવા મ્યુચ્યુઅલ ફંડ વેચાણ વખતે માત્ર વેચાણની રકમ દર્શાવવી પૂરતી નથી.
યોગ્ય રીતે ધ્યાનમાં લેવાના મુદ્દાઓ:
- ખરીદીની કિંમત
- સુધારાના ખર્ચ
- ટ્રાન્સફર ખર્ચ
- લાગુ પડતી ઇન્ડેક્સેશન (જ્યાં લાગુ પડે)
- ઉપલબ્ધ મુક્તિઓ (જેમ કે કલમ 54, 54F, 54EC વગેરે)
ખોટી ગણતરીના કારણે વધારાનો ટેક્સ અથવા નોટિસ મળી શકે છે.
- કપાતો (Deductions) માત્ર યોગ્ય પુરાવા સાથે જ લો
કલમ 80C, 80CCD, 80D, 80G, 24(b), HRA વગેરે હેઠળ કપાતનો દાવો કરતાં પહેલાં તમામ દસ્તાવેજો ઉપલબ્ધ હોવા જોઈએ.
ખોટા દાવા ભવિષ્યમાં દંડનું કારણ બની શકે છે.
- બેંક ખાતા, PAN અને આધારની વિગતો તપાસો
રિટર્ન સબમિટ કરતાં પહેલાં ખાતરી કરો કે:
- PAN સાચો છે.
- PAN અને Aadhaar લિંક થયેલા છે.
- મોબાઇલ નંબર અને ઇ-મેઇલ અપડેટ છે.
- બેંક ખાતું પ્રી-વેલિડેટેડ છે.
- IFSC અને ખાતા નંબર સાચા છે.
રિફંડમાં વિલંબનું સૌથી સામાન્ય કારણ ખોટી બેંક વિગતો હોય છે.
- રિટર્ન ભર્યા પછી ઇ-વેરિફિકેશન અવશ્ય કરો
ઘણા કરદાતાઓ રિટર્ન અપલોડ કરે છે પરંતુ તેનું ઇ-વેરિફિકેશન કરતા નથી. ખાસ કરીને જે કરદાતાઓ પોતાનું રીટર્ન જાતે ભરતા હોય તેવા કરદાતાઓને આ બાબતે કરદાતાઓને યોગ્ય માહિતી હોતી નથી. આ તકે એ જાણવું જરૂરી છે કે ઇ-વેરિફિકેશન પૂર્ણ થયા બાદ જ રિટર્ન કાયદેસર રીતે માન્ય ગણાય છે.
આવકવેરા વિભાગ હવે ડિજિટલ યુગમાં કાર્યરત છે, જ્યાં AIS, TIS, Form 26AS, SFT, GST, બેંકો, સ્ટોક એક્સચેન્જ, રજિસ્ટ્રેશન વિભાગ અને આંતરરાષ્ટ્રીય માહિતી વિનિમય વ્યવસ્થાઓ દ્વારા કરદાતાની નાણાકીય માહિતી સરળતાથી ઉપલબ્ધ બને છે. આથી રિટર્ન ભરતી વખતે માત્ર ટેક્સની ગણતરી પૂરતી નથી. દરેક આવક જાહેર કરવી, વ્યવસાયની તમામ સંપત્તિઓ બેલેન્સ શીટમાં સમાવવી, Schedule AL અને Schedule FA યોગ્ય રીતે ભરવી, વિદેશી બેંક ખાતા અને અન્ય વિદેશી સંપત્તિઓની વિગતો જાહેર કરવી તથા તમામ માહિતી AIS, TIS અને Form 26AS સાથે મેળ ખાય તેની ખાતરી કરવી એ દરેક કરદાતાની કાનૂની અને નૈતિક જવાબદારી છે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા ૦૬ જુલાઈ ૨૦૨૬ ના રોજ પ્રકાશિત થયેલ છે.)
